વર્લ્ડ હેરીટેજ જાહેર થયેલ ધોળાવીરા ગામના લોકોને પીવાનું મીઠું પાણી પણ મળતું નથી : વી.કે. હુંબલ
ધોળાવીરાની બાજુની ડુંગરાણી વાંઢના લોકો પીવાના પાણી માટે ટેન્કરના ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા ચૂકવે છે
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા ખડીર વિસ્તારના જુદા-જુદા ગામોનો પ્રવાસ કરવામાં આવ્યો હતો અને ગ્રામજનો અને આગેવાનો સાથે મુલાકાત કરી સમસ્યાઓ જાણી ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી હતી, જેમાં વર્લ્ડ હેરીટેજ તરીકે જાહેર કરાયેલા ધોળાવીરા ગામની મુલાકાત લીધી ત્યારે ત્યાંના ગ્રામજનોની હાલત જાણી શરમથી માથું ઝુકી જાય તેવી હકીકત સામે આવી હતી. દેશ અને વિદેશના અનેક ટુરીસ્ટો ધોળાવીરાની મુલાકાતે આવે છે તે ગામના જ લોકોને પીવાનું મીઠું પાણી પણ મળતું નથી.
ધોળાવીરા તેમજ તેની જ ગ્રામ પંચાયતના ડુંગરાણી વાંઢના લોકોએ જણાવેલ કે, તેમને ચોમાસા સિવાય પીવાનું મીઠું પાણી પણ મળતું નથી અને દરેક પરિવારે ટેન્કરના ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા ચુકવવા પડે છે અને લગ્ન જેવો પ્રસંગ હોય તો સારું મીઠું પાણી મેળવવા માટે છેક ૧૮ કીમી દુર રતનપર ગમેથી પાણી મંગાવવું પડે છે. ધોળાવીરા ગામના લોકોએ એવું પણ જણાવેલ કે, ગામની ગટરો ચોકપ છે અને વિશ્વ વિખ્યાતી ધરાવતા ધોળાવીરા ગામની શેરીઓમાં ગટરો ઉભરાઈ અને ગંદકી ફેલાઈ રહેલ છે ત્યારે આવી હાલત આ વિસ્તારના લોકોની હોય અને સરકાર પ્રચાર પ્રસાર કરી સમગ્ર વિશ્વમાં વિકાસના બણગા ફુંકે છે ત્યારે દેશ વિદેશના મીડીયા ત્યાં જઈ અને વાસ્તવિક હાલત મીડીયા પર બતાવે તો દેશ-વિદેશમાં શું સંદેશો લઇને ટુરીસ્ટો જશે ?
આ વિસ્તારના રતનપર ગામની મુલાકાત લેતા ત્યાંના ગરીબ લોકોએ સરકાર પ્રધાનમંત્રી આવાસના હપ્તા ચુકવતી નથી, જેના કારણે મકાનો અધૂરા પડેલા છે તેમજ આ વિસ્તારમાં જે નાના - મોટા ચેકડેમો મંજુર કરાય છે તેનો લાભ પણ ભાજપના મળતિયા લોકોને મળે છે. ભાજપના આગેવાનો દ્વારા દરેક કામો માં ખુબ મોટે પાયે ભ્રષ્ટાચાર પણ થઇ રહેલ છે જયારે લોકોએ જણાવેલ કે, કોંગ્રેસના વખતે બનાવેલા સિંચાઈના ડેમમાંથી આજે પણ ખેડૂતોને ખેતીની જમીનમાં લાભ મળે છે જયારે ભાજપે બોરી બંધ બનાવી માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરેલ છે.
આ બાબતે કચ્છના કલેકટરને જણાવવામાં આવે છે કે, ધોળાવીરા ગામ તેમજ ડુંગરાણી વાંઢની મુલાકાતે તેમની ટીમ મોકલાવી તાત્કાલિક ધોરણે મીઠું પાણી લોકોને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે નહીતર કોંગ્રેસ દ્વારા કચ્છના મીડિયાને ધોળાવીરા લઇ જઈ અને વાસ્તવિક પરિસ્થિતિ બતાવશે. આ ખડીરના પ્રવાસમાં કોંગ્રેસના આગેવાનો ભચુભાઈ આરેઠીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખીમાભાઈ, પૂર્વ પ્રમુખ બળવંતસિંહ, ભચાઉ શહેર પ્રમુખ મનજીભાઈ, એસસી સેલના ભૂરાભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો શામજીભાઈ તથા ખોડાભાઈ ભીલ, વસાભાઇ મણવર, મહેશભાઈ ઠાકોર, બહાદુરસિંહ, અનિરૂદ્ધસિંહ, ભરતભાઈ આહીર, મહાદેવભાઈ તેમજ જટુભા સોઢા, કુંભાભાઈ તેમજ અન્ય આગેવાનો પણ જોડાયા હતા તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલની યાદીમાં જણાવાયું છે.
---------

Comments