Trending News
સ્થાનિક સમાચાર

ભાજપા યુવા મોરચા દ્વારા તા. ૨૬ થી ૨૯ માર્ચ દરમ્યાન " વિજય સંકલ્પ વિસ્તારક યોજના - ૨૦૨૬" નું રાજ્યવ્યાપી આયોજનઃડો.હેમાગ જોષી 

25 March

વિજય સંકલ્પ વિસ્તારક યોજના - ૨૦૨૬ઃ યુવા મોરચા દ્વારા રાજ્યવ્યાપી સંગઠન મજબૂતી અભિયાન  હાથ ધરવામાં આવશે 


રાજ્યવ્યાપી સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવી,  યુવાનો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરીને આ યોજના આગામી ચુંટણીઓની મજબૂત આધારશિલા બનશે


  ગાંધીનગરઃ   ગુજરાત ભાજપા યુવા મોરચા દ્વારા રાજ્યભરમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને યુવાનો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે તા. ૨૬ થી ૨૯ માર્ચ દરમિયાન “વિજય સંકલ્પ વિસ્તારક યોજના - ૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષીએ જણાવ્યું હતું કે આ અભિયાન ગુજરાત ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે આ યોજના અંતર્ગત યુવા મોરચાના પ્રશિક્ષિત અને સક્રિય કાર્યકર્તાઓ રાજ્યના અંદાજે ૫૯૦ મંડળોમાં ‘વિસ્તારક’ તરીકે કાર્ય કરશે. વિસ્તારકો ત્રણ દિવસ સુધી નિર્ધારિત વિસ્તારમાં રાત્રિ રોકાણ કરીને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ઘર-ઘર સંપર્ક અભિયાન ચલાવશે તેમજ યુવાઓ સાથે અનૌપચારિક ચર્ચા અને સંવાદ દ્વારા જીવંત જોડાણ સ્થાપિત કરશે.   ડૉ. જોષીના જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને બુથ અને શક્તિકેન્દ્ર સ્તરે વધુ સશક્ત બનાવવાનો છે. સાથે જ યુવા મતદાતાઓને ભાજપાની વિચારધારા સાથે જોડવા અને મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે. યુવાનોમાં રાષ્ટ્રપ્રથમની ભાવના વિકસે તે માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે અને સોશિયલ મીડિયાના માધ્યમથી વધુને વધુ યુવાનોને સંગઠન સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવશે.
આ યોજના હેઠળ મંડળ અને વોર્ડ સ્તરે યુવા મોરચાની બેઠકો, શક્તિકેન્દ્ર અને બુથ સ્તરે જૂથ ચર્ચાઓ, સક્રિય કાર્યકરોનું સત્યાપન અને નવી જવાબદારીઓની વહેંચણી જેવી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. સાથે જ ૧૮ વર્ષથી વધુ વયના નવા મતદાતાઓને નોંધણી માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે.
ડૉ. જોષીએ ઉમેર્યું હતું કે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા લેવામાં આવેલા જનહિતના નિર્ણયો અને યોજનાઓને આ અભિયાન દ્વારા ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે. ઉપરાંત વિસ્તારકો દ્વારા વર્તમાન અને પૂર્વ પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સ્થાનિક આગેવાનો સાથે સંવાદ સાધીને ભાજપાના જનકલ્યાણકારી કાર્યોનો પ્રસાર કરવામાં આવશે.
અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ અભિયાનથી યુવા મોરચો રાજ્યના દરેક ખૂણે પહોંચી વધુમાં વધુ યુવાનોને ભાજપા સાથે જોડવામાં સફળ થશે અને આવનારી ચૂંટણીઓ માટે મજબૂત આધારશિલા તૈયાર થશે.

Comments

COMMENT / REPLY FROM