Trending News
સ્થાનિક સમાચાર

યુદ્ધની આગમાં કચ્છના નાના ધંધાર્થીઓના ચૂલા ટાઢા થયા 

25 March


કોમર્શિયલ ગેસની અછતે ભુજ સહિત કચ્છના ખાણી-પીણી બજારની કમર તોડી : અખાતી દેશોમાં સર્જાયેલા સંઘર્ષની સીધી અસર સરહદી જિલ્લાના જનજીવન પર પડી : મોંઘા ભાવ ખર્ચવા છતાં ગેસ સિલિન્ડર ન મળતા અનેક લારી-ગલ્લાના ધંધા રોજગાર થંભી ગયા

ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના ધંધાર્થીઓ અત્યારે અસ્તિત્વ ટકાવવા માટે કરી રહ્યા છે સંઘર્ષ : પંજાબી અને ચાઈનીઝ વાનગીઓના અનેક સ્ટોલ પર હવે એલપીજીના સ્થાને કોલસાની સગડીઓ ગોઠવાઈ : પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો નહીં આવે તો તેમણે પોતાના વ્યવસાય છોડીને મજૂરી કરવા જવું પડશે તેવો કચવાટ નાના ધંધાર્થીઓ કરી રહ્યા છે વ્યક્ત 



ભુજ - કચ્છઉદય : પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ આજે હજારો કિલોમીટર દૂર બેઠેલા કચ્છના નાના ધંધાર્થીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે. અખાતી દેશોમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઘેરાયું છે, જેની સીધી અને આકરી અસર અત્યારે કચ્છ જિલ્લામાં વર્તાઈ રહી છે. એક તરફ કચ્છના આયાત-નિકાસ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય પરિવહન વ્યવસ્થા ખોરવાતા કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે, તો બીજી તરફ સામાન્ય માનવીના રોજગાર સાથે જોડાયેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછતે હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને જિલ્લા મથક ભુજમાં ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના ધંધાર્થીઓ અત્યારે અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠામાં જે વિક્ષેપ પડ્યો છે, તેના પગલે સ્થાનિક સ્તરે કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાઈ છે. વહીવટી તંત્ર અને ગેસ એજન્સીઓ દ્વારા ઘરવપરાશના રાંધણ ગેસની વિતરણ વ્યવસ્થા ન ખોરવાય તે માટે અગ્રતા આપવામાં આવી રહી છે. જેને કારણે ધંધાકીય એકમોને આપવામાં આવતા કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાય પર આકરા અંકુશો લાદી દેવામાં આવ્યા છે. માંગ અને પુરવઠા વચ્ચેની આ ખાધ એટલી હદે વધી ગઈ છે કે છેલ્લા એક પખવાડિયાથી ભુજ સહિતના વિસ્તારોમાં કોમર્શિયલ એલપીજીની સપ્લાય ચેઈન સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે. પરિણામે, જેમના પરિવારનું ગુજરાન નાસ્તાની લારી કે નાની હોટલ પર નિર્ભર છે, તેવા અનેક ધંધાર્થીઓને નાછૂટકે પોતાના ધંધા-રોજગાર બંધ કરી દેવાની નોબત આવી છે.
ભુજ શહેરના રસ્તાઓ પર લટાર મારતા આ યુદ્ધની માઠી અસરો નજરે પડે છે. શહેરના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારોમાં ધમધમતી નાસ્તાની અનેક લારીઓ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે. જે ધંધાર્થીઓ હજુ મેદાનમાં ટકી રહ્યા છે, તેમણે આધુનિક ગેસના ચૂલાનો મોહ ત્યજીને ફરી જૂની પદ્ધતિ તરફ વળવું પડ્યું છે. શહેરના પંજાબી અને ચાઈનીઝ વાનગીઓના અનેક સ્ટોલ પર હવે એલપીજીના સ્થાને કોલસાની સગડીઓ ધમધમતી જોવા મળે છે. આધુનિક સમયમાં ફરીથી ધુમાડા વેઠીને રસોઈ બનાવવાની આ મજબૂરી પાછળનું એકમાત્ર કારણ ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા ન હોવાનું છે. ગ્રાહકોને સમયસર ઓર્ડર આપવા માટે વેપારીઓ કોલસા કે લાકડાના જોખમી વિકલ્પો અપનાવી રહ્યા છે, પરંતુ તેની સામે ખર્ચ અને મહેનત બંને વધી ગયા છે.
સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ, બજારમાં સર્જાયેલી આ અછતનો લાભ કેટલાક અસામાજિક તત્વો પણ ઉઠાવી રહ્યા છે. નાના ધંધાર્થીઓ જો બમણા ભાવ ખર્ચવા તૈયાર થાય તો પણ તેમને પૂરતા પ્રમાણમાં કોમર્શિયલ બાટલા મળી રહ્યા નથી. મોટા હોટલ સંચાલકો કે જેમની પાસે આર્થિક ક્ષમતા છે, તેમણે ગેસના વિકલ્પ તરીકે મોંઘા ઇંડક્શન ચૂલાઓ કે ડીઝલ ભઠ્ઠીઓ વસાવી લીધી છે. પરંતુ, જે શ્રમિક વર્ગ દિવસભર મહેનત કરીને સાંજે બે પૈસા કમાય છે, તેવા લારી-ગલ્લા ધારકો માટે આવી આધુનિક સિસ્ટમ વસાવવી અશક્ય છે. યુદ્ધની આ આગમાં જાણે ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓના ચૂલા ટાઢા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સંકટ વિશે પોતાની વ્યથા ઠાલવતા ભુજના એક સ્થાનિક નાસ્તાના લારી ધારકે જણાવ્યું હતું કે, વર્ષોથી તેઓ આ વ્યવસાય દ્વારા પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે, પરંતુ અત્યારે જેવી કપરી પરિસ્થિતિ ક્યારેય જોઈ નથી. ગેસ એજન્સીઓ પાસે તપાસ કરીએ તો માત્ર ’નથી’ એવો જ જવાબ મળે છે. જો એકાદ બાટલો મળે તો પણ તે માંડ બે-ત્રણ દિવસ ચાલે છે. જો પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો નહીં આવે, તો તેમણે પોતાના વ્યવસાય છોડીને મજૂરી કરવા જવું પડશે અથવા તો સાવ નવો ધંધો શોધવો પડશે. આ માત્ર એક વેપારીની વાત નથી, પરંતુ ભુજમાં આવા સેંકડો પરિવારો છે જેમના માથે અત્યારે બેરોજગારીની તલવાર લટકી રહી છે.
વૈશ્વિક રાજકારણમાં ભલે મોટા દેશો પોતાના હિત માટે યુદ્ધ લડતા હોય, પરંતુ તેની અસર કચ્છના છેવાડાના ગામડા અને શહેરની નાની ગલીઓ સુધી પહોંચી છે તે એક કડવું સત્ય છે. કચ્છના આયાત-નિકાસકારો માટે જહાજોના લાંબા રૂટ અને વધી ગયેલા ભાડા ચિંતાનો વિષય છે, જ્યારે સામાન્ય નાગરિક માટે ગેસનો એક બાટલો મેળવવો એ યુદ્ધ જીતવા સમાન બની ગયો છે. જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ હળવો નહીં થાય અને સ્થાનિક સ્તરે ગેસના વિતરણમાં પારદર્શિતા અને નિયમિતતા નહીં આવે, તો ભુજની ખાણી-પીણી સંસ્કૃતિ અને તેની સાથે જોડાયેલા હજારો પરિવારોના જીવન અંધકારમય બની જવાની ભીતિ સેવાઈ રહી છે.

Comments

COMMENT / REPLY FROM