Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ઇંધણની કટોકટી પાછળ ‘મિક્સિંગ’નો ખેલ?  યુદ્ધની અસર કે પછી બાયોડીઝલના કાળાબજારનો પર્દાફાશ !

25 March


કચ્છના ઔદ્યોગિક પાટનગરમાં પેટ્રોલ પંપો પર કેમ લાગી કતારો? ઇન્ડસ્ટ્રિયલ ઓઈલના નામે વાહનોમાં શું ભરાતું હતું? પ્રજાજનોમાંથી ઉઠતા તરેહ તરેહના સવાલો 

ખાટલે મોટી ખોટ : ગાંધીધામના આ ઇંધણ કટોકટીના કૌભાંડના મૂળ સુધી વહીવટી તંત્ર પહોંચે છે કે પછી હંમેશાની જેમ બધું ‘તેલ’ માં હોમાઈ જશે.


ગાંધીધામ : છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલમાં પેટ્રોલ-ડીઝલના પંપો પર વાહનોની લાંબી કતારો અને ‘નો સ્ટોક’ ના બોર્ડ જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે આવી સ્થિતિ યુદ્ધ કે કુદરતી હોનારત સમયે જોવા મળતી હોય છે, 
પરંતુ ગાંધીધામની આ કટોકટી પાછળના જે કારણો સપાટી પર આવી રહ્યા છે તે ચોંકાવનારા અને વહીવટી તંત્રની આંખ ઉઘાડનારા છે. પ્રશ્ન માત્ર ઇંધણની અછતનો નથી, પ્રશ્ન એ છે કે અત્યાર સુધી જે અમુક ‘કન્ઝ્યુમર પંપો’ ધમધમતા હતા, તે અચાનક ક્યાં ગુમ થઈ ગયા? જાણકારોના મતે, આ કટોકટી મધ્ય-પૂર્વ એશિયાના યુદ્ધ કરતા વધુ તો સ્થાનિક સ્તરે ચાલતા ‘મિક્સિંગ’ ના કાળાબજારનું પરિણામ છે. ગાંધીધામ સંકુલમાં મંડળી સંચાલિત અનેક કન્ઝ્યુમર પંપો ઇન્ડસ્ટ્રિયલ ઓઇલના નામે હકીકતમાં બાયોડીઝલ અને ભેળસેળિયા તેલનો આડેધડ વેપાર કરતા હોવાની વિગતો ચર્ચાઈ રહી છે. ટેકનિકલ ભાષામાં જેને ‘ઇન્ડસ્ટ્રિયલ ઓઇલ’ કહીને વિદેશથી મંગાવવામાં આવતું હતું, તેનો ઉપયોગ ઉદ્યોગોમાં થવાને બદલે સીધો વાહનોની ટાંકીઓમાં થતો હતો. નાયરા જેવી કંપનીઓના ઓઠા હેઠળ ચાલતા આ પંપોમાં કંપનીના બીલ પર જૂજ ગાડીઓ ભરાતી, જ્યારે બારોબાર સો-બસો ગાડીઓમાં મિક્સિંગનો માલ ઠાલવવામાં આવતો હોવાનુ મનાય છે. મધ્યપૂર્વની યુદ્ધની સ્થિતીના લીધે  આંતરરાષ્ટ્રીય બજારમાં ઇન્ડસ્ટ્રિયલ ઓઇલના ભાવ વધતા અને સપ્લાય ખોરવાતા આ ‘સસ્તો ખેલ’ મોંઘો સાબિત થયો છે. જે ટ્રાન્સપોર્ટરો અત્યાર સુધી આ મિક્સિંગવાળા માલ પર નભતા હતા, તેમણે હવે પોતાની સેંકડો ગાડીઓ શહેરના સામાન્ય પેટ્રોલ પંપો તરફ વાળી છે. પરિણામે, ડિમાન્ડ અને સપ્લાયનું સંતુલન બગડ્યું છે અને સામાન્ય જનતાએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને હાલાકી ભોગવવી પડી રહી છે. ?સૌથી મોટો સવાલ એ છે કે, જે મંડળી સંચાલિત અમુક કન્ઝયુમર પંપો અત્યાર સુધી ધમધમતા હતા તે અત્યારે કેમ બંધ છે? જો તેઓ કાયદેસરનો વ્યવસાય કરતા હતા, તો આ સંકટ સમયે કેમ ગાયબ થઈ ગયા? શું વહીવટી તંત્ર કે પુરવઠા વિભાગ આવા અમુક ‘કન્ઝ્યુમર પંપો’ અને ‘મિક્સિંગ યાર્ડ’ના ચોપડા તપાસવાની હિંમત બતાવશે? ઉદ્યોગોના નામે આવતું ઓઇલ વાહનોમાં કઈ રીતે વપરાયું તેની તપાસ થવી અનિવાર્ય છે. પ્રજાના ભોગે નફાખોરી કરનારા તત્વો સામે કડક પગલાં નહીં લેવાય, તો ભવિષ્યમાં પણ આવી કૃત્રિમ અછતના નામે જનતાને બાનમાં લેવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે, ગાંધીધામના આ ઇંધણ કૌભાંડના મૂળ સુધી વહીવટી તંત્ર પહોંચે છે કે પછી હંમેશાની જેમ બધું ‘તેલ’ માં હોમાઈ જશે.ગાંધીધામની આ ઇંધણ કટોકટી એ માત્ર સપ્લાયની અછત નથી, પણ મિક્સિંગ અને ગેરકાયદે ઇંધણના વેપલાનો પરપોટો ફૂટવાની ઘટના છે. જો તંત્ર ઉંડી તપાસ કરે તો કરોડોના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ થઈ શકે તેમ છે.


......................

કન્ઝ્યુમર પંપો અને મિક્સિંગનો કારસો


ગાંધીધામ : સંકુલમાં અનેક મંડળી સંચાલિત કન્ઝ્યુમર 
પંપો કાર્યરત છે. સૂત્રોના જણાવ્યા અનુસારઆ પંપો ટેકનિકલ રીતે ‘ઇન્ડસ્ટ્રિયલ ઓઈલ’ના નામે વિદેશથી માલ મંગાવતા હતા. ખરેખર આ માલ ઉદ્યોગોમાં જવાને બદલે સીધો જ ટ્રકો અને મોટા વાહનોમાં ‘બાયોડીઝલ’ કે ‘મિક્સ ઓઈલ’ તરીકે ઠાલવવામાં આવતો હતો.નાયરા જેવી કંપનીઓના લાઇસન્સ હોવા છતાં, કાગળ પર માત્ર જૂજ ગાડીઓ બતાવીને હકીકતમાં સેંકડો ગાડીઓમાં બારોબાર મિક્સિંગનો ખેલ ચાલતો હતો.


.................


પેટા સવાલોના પ્રહારઃ વહીવટી તંત્રને જનતા પૂછી રહી છે આ પ્રશ્ના

•૧.ક્યાં ગુમ થયા મંડળી સંચાલિત પંપો? : જ્યારે કટોકટી સર્જાઈ ત્યારે જે પંપો આડેધડ વેપલો કરતા હતા તે હવે કેમ બંધ હાલતમાં છે? શું તપાસના ડરથી કે માલના અભાવે? •ર. ઇન્ડસ્ટ્રિયલ ઓઈલ વાહનોમાં કેવી રીતે? : જે ઓઈલ માત્ર ઉદ્યોગો માટે હતું, તે ખુલ્લેઆમ વાહનોમાં કેવી રીતે ભરાતું હતું? શું અધિકારીઓ આનાથી અજાણ હતા? •૩. મિક્સિંગના માફિયાઓ સામે તપાસ ક્યારે? : નાયરા કે અન્ય કંપનીઓના નામે ચાલતા આ યુનિટોમાં કેટલો માલ લીગલ હતો અને કેટલો બારોબાર આવતો હતો તેની તપાસ કોણ કરશે? •૪.જનતાના ભોગે નફાખોરી કેમ? : મુઠ્ઠીભર લોકોના નફા માટે આખા ગાંધીધામ સંકુલમાં પેનિક સર્જાયું, તો આ માટે જવાબદાર સંચાલકો સામે પગલાં લેવાશે ખરા? •પ. તંત્રનું મૌન શું સૂચવે છે? : શું કલેક્ટર તંત્ર કે પુરવઠા વિભાગ આ ‘મિક્સિંગ યાર્ડ’ અને કન્ઝ્યુમર પંપોના સ્ટોક રજિસ્ટર તપાસવાની તસ્દી લેશે?

........................

યુદ્ધે બગાડી ગણતરીઃ કિંમતોમાં ઉછાળો અને સપ્લાય બંધ


ગાંધીધામ : યુદ્ધની સ્થિતિને કારણે ઇન્ડસ્ટ્રિયલ ઓઈલના નામે જે બાયોડિજલ સસ્તા ભાવે વેંચાતો હતો તેનો ભાવ વધીને ૧૧૪ રૂપિયા સુધી પહોંચી ગયા છે. જે માલ સસ્તો પડતો હતો તે હવે મોંઘો થયો છે અને સપ્લાય પણ ખોરવાયો છે. પરિણામે સસ્તું મિક્સ ઓઈલ 
આપતા કન્ઝ્યુમર પંપો રાતોરાત ‘ગાયબ’ થઈ ગયા છે. મોટા 
ટ્રાન્સપોર્ટરો, જેઓ અગાઉ આ પંપો પર નિર્ભર હતા, તેઓ હવે પોતાની સેંકડો ગાડીઓ લઈને સામાન્ય પેટ્રોલ પંપો પર વળ્યા છે. માગ અચાનક વધી જતાં સામાન્ય જનતાએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી છે.



 

Comments

COMMENT / REPLY FROM