કચ્છમાં કમોસમી વરસાદ અને તોફાની પવનથી માછીમારોને વ્યાપક નુકશાન
સમસ્ત માછીમાર સમાજ દ્વારા આ કુદરતી આફત અંગે સરકારને રજૂઆત : અસરગ્રસ્ત માછીમારોને વળતર ચૂકવવા માંગ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના નારાયણ સરોવર વિસ્તારમાં ગત ગુરુવાર, ૧૯ માર્ચના રોજ વહેલી સવારે કોઈપણ પૂર્વ આગાહી કે સત્તાવાર ચેતવણી વિના અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદ અને અતિશય વેગીલા પવનને કારણે માછીમારી સમુદાયને ભારે આર્થિક ફટકો પડ્યો છે. મધ્યરાત્રિએ અચાનક દરિયામાં ઉછળેલા મોજાં અને તોફાની પવનના કારણે કિનારે લાંગરેલી બોટોને મોટું નુકશાન થયું છે, તેમજ બોટમાં રાખેલી જાળ અને અન્ય કિંમતી સાધનો દરિયાના પાણીમાં તણાઈ ગયા છે અથવા નાશ પામ્યા છે.
સમસ્ત માછીમાર સમાજ ગુજરાત દ્વારા આ કુદરતી આફત અંગે સરકારને રજૂઆત કરવામાં આવી છે કે માછીમારો પહેલેથી જ વિવિધ આંતરરાષ્ટ્રીય પરિબળો અને ઓપરેશન સિંદૂર જેવી પરિસ્થિતિઓના કારણે આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અને અમેરિકા દ્વારા ટેરિફમાં કરાયેલા વધારાને કારણે નિકાસ પર માઠી અસર પડી છે અને માછીમારોને પૂરતા ભાવ મળી રહ્યા નથી. આવી કપરી પરિસ્થિતિમાં બોટ અને સાધનોનું નુકશાન માછીમારો માટે અસહ્ય બની ગયું છે. આથી, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને રાજ્ય સરકારની અન્ય યોજનાઓ હેઠળ ત્વરિત સર્વે હાથ ધરીને અસરગ્રસ્ત માછીમારોને યોગ્ય વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.
------

Comments