નલિયામાં એલસીબીનો દરોડો : ૨.૮૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
રહેણાક મકાન પાસેના વરંડામાં છુપાવેલો જથ્થો પકડી પાડી પોલીસે એક શખ્સની ધરપકડ કરી’
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચે નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. નલિયા બસ સ્ટેશન પાસે પેટ્રોલિંગ કરી રહેલા એએસઆઈ વિકેશભાઈ રાઠવા અને પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણાને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે નલિયાના દરબાર ગઢ વિસ્તારમાં રહેતા પૂર્વજીતસિંહ દિલાવરસિંહ ઉર્ફે ભાણુભા ઝાલાએ પોતાના રહેણાક મકાન પાસે આવેલા વરંડામાં બહારથી મંગાવેલો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે છુપાવ્યો છે.
મળેલી બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દરોડો પાડતા સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી ૨૦૧ બોટલો મળી આવી હતી, જેની કિંમત ૨,૫૪,૧૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસને ત્યાંથી ૧૨૦ નંગ બીયરના ટીન પણ મળી આવ્યા હતા, જેની કિંમત ૨૬,૪૦૦ રૂપિયા થાય છે. આમ, પોલીસે કુલ ૨,૮૦,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ૩૮ વર્ષીય આરોપી પૂર્વજીતસિંહ ઝાલાની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો નખત્રાણાના અજયસિંહ સોઢા અને અબડાસાના રવિરાજસિંહ કલુભા સોઢાના નામ ખુલતા પોલીસે તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે નલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments