નખત્રાણા પોલીસે વ્યાજખોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો
નખત્રાણા - કચ્છઉદય : નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરીના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા એક મહિનાથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. નખત્રાણા પોલીસ મથકના પીઆઇ જે.ડી. સરવૈયાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી અનિલસિંહ વિરાજી જાડેજા (ઉં.૨૯, રહે. બિબ્બર, તા. નખત્રાણા) હાલ ભુજ આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલી એસ.કે. ફાઇનાન્સની ઓફિસે હાજર છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત વર્કઆઉટ કરી સ્થળ પરથી આરોપીને ઝડપી લીધો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ અને પોલીસ જવાનો જોડાયા હતા.

Comments