Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છના લખપતથી વાગડ સુધી ગેરકાયદે ખનનનું નેટવર્ક ફરી ધમધમ્યું ?

24 March

કચ્છની કિંમતી ખનીજ સંપદાને ભૂમાફિયાઓની વક્રદ્રષ્ટિનું ગ્રહણ


વહીવટી તંત્રની શિથિલતાનો લાભ ઉઠાવતા ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ : જળસંચયના કામોની આડમાં સરકારી તિજોરીને કરોડોનો ચૂનો : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસની માંગ : કચ્છના લખપત, અબડાસા, માંડવી સહિત વિસ્તારમાં સિંચાઈ સહિતના કામોને આગળ કરીને કરોડો રૂપીયાની ખનીજ ખનન ઉપર રોક જરૂરી : ગયા વખતે કચ્છ કલેકટર અમીત અરોડા કડક કાર્યવાહી કરી હતી ફરી આવી કડક કાર્યવાહી જરૂરી : અબડાસાના રાયધણજર નજીક પણ મોટા પાયે થઈ રહ્યું છે ખન્ન

 કચ્છમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયેલા જળસંચયના કામોનો સળવળાટ શરૂ થતાં ભૂમાફિયાઓ થયા સક્રિય : જિલ્લામાં સિંચાઈ અને ડી આર ડી એ દ્વારા આ વર્ષની કામગીરી શરૂ થતા જ લેભાગુ તત્વો ઉતર્યા મેદાને : નવા તળાવ પાસ કરવા સહિત અન્ય અનેક સિંચાઈ સહિત સરકારી કામોમાં પોટાળમાં ખનીજ હોય ત્યારે ખનનની મંજુરી આપી શકાય ખરી..? તંત્ર પાસે લોકોનું સુચક પ્રશ્ન : માલીકીના ખેતર હોય કે સરકારી તળાવ પાસ કરવા... ચેક ડેમો બનાવવા અનેક સારી યોજના હોવા છતાં ખોટી રીતે મુળ જગ્યાથી બીજી જગ્યા ખનીજ ખનન કરવાની મોડસ ઓપરેટરી હાલ ચર્ચામાં....


ભુજ - કચ્છઉદય : ભૌગોલિક દ્રષ્ટિએ દેશના સૌથી મોટા અને સીમાવર્તી એવા કચ્છ જિલ્લાના પેટાળમાં કુદરતે ખનીજોનો અખૂટ ખજાનો ભર્યો છે. આ ખનીજ સંપદા રાજ્ય સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે અને દર વર્ષે કરોડો રૂપિયાની રોયલ્ટી સરકારી તિજોરીમાં જમા થાય છે. પરંતુ કમનસીબી એ છે કે જેટલી ગતિએ કાયદેસરનું ખનન ચાલે છે, તેનાથી બમણી ગતિએ ભૂમાફિયાઓ અને ખનીજ ચોરો ફરી એકવાર સક્રિય થયા છે. છેલ્લા કેટલાક સમયથી કચ્છના વિવિધ પંથકોમાં ગેરકાયદેસર ખનન અને પરિવહનની પ્રવૃત્તિઓએ માજા મૂકી છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થવાની સાથે સાથે સરકારને પણ આર્થિક ફટકો પડી રહ્યો છે.
ખાસ કરીને પશ્ચિમ કચ્છના લખપત, અબડાસા, નખત્રાણા અને માંડવી પથકમાં ખનીજ ચોરો બેફામ બન્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લખપત પંથકમાં કેટલાય રીઢા ખનીજ ચોરો પોતાની માલિકીની કે માન્ય લીઝ હોવાનો ડોળ કરી રહ્યા છે. વાસ્તવમાં, આ ભૂમાફિયાઓ લીઝ વિસ્તારની બહાર જઈને સરકારી પડતર જમીનો, ગૌચર અથવા ખરાબાની જમીનોમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રહ્યા છે ત્યારબાદ આ ખનીજને લીઝ વિસ્તારમાં ડમ્પ કરવામાં આવે છે. આ પ્રકારની ’મોડસ ઓપરેન્ડી’ દ્વારા તેઓ ખનીજ ચોરીના માલને કાયદેસરના કાગળો પર બતાવીને બજારમાં વેચી રહ્યા છે, પરિણામે સરકારને મળવાપાત્ર લાખો રૂપિયાની રોયલ્ટી સીધી માફિયાઓના ખિસ્સામાં જઈ રહી છે.
વધુ આઘાતજનક વિગતો તો એ છે કે, જે યોજનાઓ પ્રજાના કલ્યાણ અને જળસંચય માટે બનાવવામાં આવી છે, તેનો ઉપયોગ પણ હવે ખનીજ ચોરી માટેના હથિયાર તરીકે થઈ રહ્યો છે. સિંચાઈ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવતા જળસંચયના કામોમાં મોટા પાયે ગેરરીતિની ગંધ આવી રહી છે. જાણકારોનું કહેવું છે કે, ચોમાસા પૂર્વે તળાવો ઊંડા કરવાની કે નવા ચેકડેમ કે તળાવો બનાવવાની જે કામગીરી ડીઆરડીએ દ્વારા કરવામાં આવે છે, તેની આડમાં ખનીજ માફિયાઓ મોટા પ્રમાણમાં ખનીજની ચોરી કરે છે. તળાવ ઊંડું કરવાના નામે કિંમતી ખનીજનું ખોદકામ કરી તેને બારોબાર વેચી દેવાની પ્રવૃત્તિ લખપત અને અબડાસાના સરહદી ગામોમાં તેજ બની છે. હાલમાં જ આગામી સિઝન માટે ટેન્ડર પ્રક્રિયાઓ પૂર્ણ થતાની સાથે જ આ માફિયા ટોળકીઓ ફરી સક્રિય થઈ ગઈ છે. ખાનગી કે સરકારી જગ્યાઓ પણ તળાવ પાસ કરાય પરંતુ તે મુળ જગ્યાની બદલે અન્ય જગ્યા ખનન કરીને ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ખાનગી ખેતરમાં તળાવ કે ચેકડેમ સહિતની સારી કામગીરીની બદલે ખનીજનો ખનન થઈ રહ્યો છે. જ્યારે જમીનના પેટાળમાં ખનીજ હોય તો તેની મંજુરી પવન ચક્કીને પણ આપવામાં આવતી નથી તો અહી કેવી રીતે મંજુરી આપી પાછળ ખનન ખનીજનો ઓકશન કરીને રોયલ્ટી પાસ કરવામાં આવી રહી છે. આ બાબતે ગત વર્ષે કચ્છ કલેકટર અમીત આરોડાએ લાલ આખ કરતા સોપો પડી ગયો હતો, ફરી આ કૌભાંડ શરૂ થઈ ગયો છે. 
માત્ર પશ્ચિમ કચ્છ જ નહીં, પરંતુ પૂર્વ કચ્છના વાગડ પંથકમાં પણ ખનીજ ચોરીનું દૂષણ વ્યાપક બન્યું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. રાપર અને ભચાઉ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ખનીજ ભરેલા ઓવરલોડ ડમ્પરો બેરોકટોક દોડી રહ્યા છે. આ પ્રવૃત્તિના કારણે સ્થાનિક રસ્તાઓ બિસ્માર બની રહ્યા છે અને ગ્રામીણ જનતામાં ભયનો માહોલ છે. ગેરકાયદે ખનનને કારણે જમીનનું ધોવાણ વધ્યું છે અને કુદરતી જળસ્ત્રોતોને પણ નુકસાન થઈ રહ્યું છે.
ભૂતકાળમાં કચ્છના તત્કાલીન કલેકટર અમિત અરોરાના શાસનકાળ દરમિયાન ખનીજ માફિયાઓ પર કડક સકંજો કસવામાં આવ્યો હતો. તેમના કાર્યકાળમાં જળસંચયના કામોનું સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું અને ડ્રોન સર્વેલન્સ તેમજ સરપ્રાઈઝ ચેકિંગ દ્વારા કરોડોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે વહીવટી તંત્રની સતર્કતાને કારણે ભૂમાફિયાઓએ પોતાની પ્રવૃત્તિઓ સમેટવી પડી હતી. જોકે, અધિકારીઓની બદલી અને તંત્રની કથિત શિથિલતાનો લાભ લઈને આ તત્વો ફરી મેદાનમાં આવ્યા છે.
હાલમાં કચ્છની જનતામાં એવી પ્રબળ લાગણી પ્રવર્તી રહી છે કે વર્તમાન જિલ્લા કલેકટર અને ખાણ-ખનીજ વિભાગ આ બાબતે કડક વલણ અપનાવે. સરકારી તિજોરીને ચૂનો ચોપડતા આ ભૂમાફિયાઓ સામે પાસા અથવા ભારે દંડની કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં જ્યાં રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન પણ જોડાયેલો છે, ત્યાં આવી અનધિકૃત પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અંકુશ મૂકવો જરૂરી છે. જો વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે, તો કચ્છની આ અમૂલ્ય કુદરતી સંપદા માત્ર ગણતરીના માફિયાઓના ખિસ્સા ભરવાનું સાધન બની જશે. લોકો આશા રાખી રહ્યા છે કે જળસંચયના પવિત્ર કાર્યમાં થઈ રહેલી ખનીજની લૂંટ અટકાવવા માટે તંત્ર સઘન તપાસના આદેશ આપશે.

Comments

COMMENT / REPLY FROM