મધ્ય પૂર્વના યુદ્ધના કારણે ડીઝલની અછત વચ્ચે કંડલા - મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટના ભાડામાં ૨૦ ટકાનો વધારો
ગાંધીધામ - કચ્છઉદય : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની કટોકટીના કારણે ઊભી થયેલી વિવિધ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન દ્વારા ટ્રાન્સપોર્ટેશનના દરોમાં ૨૦ ટકાનો તોતિંગ વધારો ઝીંકવાની જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર વર્તમાન યુદ્ધની સ્થિતિને લીધે રિટેલ પંપો પર ડીઝલનો પુરવઠો મર્યાદિત બન્યો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટરોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ટ્રેલરોનું સંચાલન કરવું પડકારજનક બન્યું છે.
બીજી તરફ ટાયર કંપનીઓ અને સ્પેરપાર્ટસના વિક્રેતાઓએ પણ ભાવમાં ૩ થી ૪ ટકાનો વધારો કરી દીધો છે. વધુમાં ભારત સરકારે ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવ વધારીને પ્રતિ લિટર ૧૧૨ રૂપિયા કરી દીધા હોવાથી ટ્રાન્સપોર્ટરોએ નિકાસના જહાજો સમયસર પકડવા અને આયાત ડેમરેજ બચાવવા માટે મોંઘા ભાવનું ડીઝલ ખરીદવાની ફરજ પડી રહી છે. આ સંજોગોને જોતા એસોસિએશન દ્વારા તમામ ગંતવ્ય સ્થાનો માટે પ્રવર્તમાન ટ્રાન્સપોર્ટેશન દરોમાં ૨૦ ટકાનો વધારો મંગળવાર, ૨૪ માર્ચ ૨૦૨૬થી અમલી બનાવવામાં આવ્યો છે.
આ વધારાની સાથે જ તમામ ચૂકવણીઓ ૨૪ કલાકમાં એડવાન્સ ધોરણે કરવાની રહેશે કારણ કે અન્ય આનુષંગિક સેવાઓ માટે પણ રોકડમાં જ ચુકવણી કરવી પડે છે. સંસ્થાના પ્રમુખ ભગીરથસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી છે કે, આ વધારો માત્ર વર્તમાન કટોકટીના કારણે કરવામાં આવ્યો છે. સ્થિતિ સામાન્ય થતા જ તેને પાછો ખેંચી લેવામાં આવશે એવું એસોસિયેશનની યાદીમાં જણાવાયું છે.
----------

Comments