સંપૂર્ણ સમાજ તન - મન - ધન તથા દરેક દ્રષ્ટિકોણથી વિકસિત બને એ જ સંઘના સેવા કાર્યનું લક્ષ્ય
ભુજ - કચ્છઉદય : માધાપર એમએસવી હાઇસ્કુલ મધ્યે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત સેવા સાધના ટ્રસ્ટ દ્વારા સમગ્ર કચ્છભારમાં ચાલતા સેવાકાર્યો સંભાળતા કાર્યકર્તાઓનું મિલન યોજાયું હતું. કચ્છભરમાં સેવા સાધનાના માધ્યમથી ૨૨૧ જેટલા કાયમી સેવા કાર્યો ચાલે છે. દરેક સેવાકાર્યના સંચાલન માટે ૪ કાર્યકર્તાઓની ટીમ બનાવેલી છે, એ બધા જ કાર્યકર્તાઓના મિલનનો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો હતો.
કાર્યક્રમના ઉદ્દઘાટન સત્રમાં દીપ પ્રાગટ્યમાં બન્ની વિસ્તારના સંસ્કાર કેન્દ્રની દીકરીઓ દ્વારા થયેલા શ્લોક પઠને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ વાગડ વિસ્તારના સંસ્કાર કેન્દ્રની દીકરીઓએ વંદના પ્રસ્તુત કરી હતી. સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝાએ સ્વામી વિવેકાનંદજીના પ્રસંગ સાથે સેવાકાર્યનો ઉદેશ્ય સમજાવ્યો હતો તથા કહ્યું કે, આપણો જન્મ ભારતની પુણ્યભૂમિમાં સેવાકાર માટે જ થયો છે. ત્યારબાદ સંસ્થા દ્વારા ચાલતા સંસ્કાર કેન્દ્રો માટે માંડવી બલ્કાશ્રમ સંસ્થા દ્વારારૂપિયા એક લાખ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત ભચાઉના રસિકભાઈ ઠક્કરે પણ ૫૧,૦૦૦ દાન અર્પણ કર્યું હતું.
કાર્યક્રમના દ્વિતીય સત્રમાં ઉપસ્થિત સેવા કાર્યકર્તા સ્થાન સહ અલગ-અલગ જૂથમાં બેસીને આગામી સમયમાં જરૂરી સેવાકાર્યોનો વ્યાપ્ત વધારવા ચર્ચા તથા આયોજન કર્યું હતું. કાર્યક્રમના અંતિમ સત્રમાં અતિથી વિશેષ શ્રોફ ફાઉન્ડેશનના પ્રતિનિધિ તથા એગ્રોસેલના ડાયરેક્ટર ચૈતન્યભાઈ શ્રોફ સાથે સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, કચ્છ વિભાગના વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી તથા સેવા સાધનાના પ્રમુખ માવજીભાઈ સોરઠીયા મંચસ્થ રહ્યા હતા. કાર્યક્રમમાં સેવા સાધન ટ્રસ્ટ દ્વારા થતા સેવાકાર્યો તેમજ સેવા ભારતી દ્વારા થતા સેવાકાર્યોની ઝલક ડોક્યુંમેન્ટરી દ્વારા પ્રસ્તુત થઈ હતી. અતિથી વિશેષ ચૈતન્યભાઈ શ્રોફ ખુબ પ્રભાવિત થયા અને કહ્યું કે, સંઘ દ્વારા થતા સેવાકાર્યોર્ ખૂબ જ પાયાના અને છેવાડાના માનવીના ઉત્થાન માટેના છે. અંતિમ સત્રમાં સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણીએ કહ્યું કે, સેવાના લાભાર્થી લોકો પણ ભવિષ્યમાં સેવા કરતા બને તથા આપણા સેવાકાર્યોથી રાષ્ટ્રનું ઉત્થાન થાય એ જ આપણા સેવાકાર્યોનું લક્ષ્ય હોવું જોઈએ. સંપૂર્ણ સમાજ તન - મન - ધનથી તથા દરેક દ્રષ્ટિકોણથી વિકસિત બને એ જ આપણી કલ્પના છે. કાર્યક્રમનું સંચાલન હેતભાઈ જોશીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સેવા પ્રમુખ નારણભાઈ વેલાણી, પ્રાંતના બૌધિક પ્રમુખ જયંતીભાઈ નાથાણી, સેવા સાધનાના ટ્રસ્ટી દામજીભાઈ જાટીયા, ચિરાગભાઈ કોઠારી, માધવીબેન ગોસ્વામી તથા સેવા સાધનાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
---------

Comments