Trending News
સ્થાનિક સમાચાર

ટીબીના દર્દીઓ ૬-૮ માસની નિયમિત સારવારના અંતે  સ્વસ્થ થઇ શકે છે 

23 March


ર૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસ


જન્મ વખતે આપવામાં આવતી બીસીજી રસી, માસ્કનો ઉપયોગ કે ટીબીના ચેપની તપાસ તથા ટીબી અટકાયતી સારવારથી આ રોગ મહદ અંશે અટકાવી શકાય છે


ભુજ - કચ્છઉદય : દર વર્ષે ૨૪ માર્ચના દિવસે દુનિયામાં ગંભીર રોગો પૈકી એક એવા ટીબી રોગને નિર્મૂળ કરવાના અડગ નિર્ધારને પુનઃ દોહરાવવા માટે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સદીઓ જુનો રાજરોગ ગણાતા ટીબી (ક્ષય)ના હજી પણ દર વર્ષે આખી દુનિયામાં એકાદ કરોડ દર્દી નવા ઉમેરાય છે અને તે પૈકી ૪ થી ૫ લાખ વ્યક્તિઓ દર વર્ષે મૃત્યુ પામે છે જેની ઘણા દેશો પર આર્થિક અને સામાજિક માઠી અસર થાય છે.
આ વર્ષ નું વર્લ્ડ ટીબી દિવસ નું થીમ છે “ યસ, વી કેન એન્ડ ટીબી, લીડ બાય કન્ટ્રીઝ, પાવર્ડ બાય પીપલ”. વિશ્વના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારત હોવાનો વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં એસડીજી અંતર્ગત આ રોગ નિર્મૂલન કરવાની નેમ છે.  આપણે ગ્લોબલ ટીબી રીપોર્ટ મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં અન્ય દેશો(૭-૮%) ની સરખામણી એ બમણો ઘટાડો ૧૫-૨૦% આ રોગની વ્યાપકતામાં નોંધાયો છે  ટીબીનો દર્દી ખાંસી કે છીંક ખાય ત્યારે ફેલાતા માયકો બેક્ટેરિયાથી થતો ટ્યુબર ક્યુલોસીસ  હવા દ્વારા ફેલાતો ચેપી અને લાંબો સમય ચાલતો અને મોટા ભાગે ફેફસાને અસર કરી નબળો પાડતો રોગ છે.  સમાજ સમક્ષ આ રોગના મુખ્ય સુત્રધાર એવા આ બેક્ટેરિયાની શોધ  રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક કરી હતી. જો કે શરીર ના તમામ અંગોને અસર કરતા આ રોગમાં માત્ર બે અઠવાડિયાથી ચાલતી ખાંસી જ નહિ પરંતુ તાવ,ભૂખ ન લાગવી, વજન ઘટી જવું  કે રાત્રીના સમયે કોઈ કારણ વિના પરસેવો થવો જેવી ફરિયાદો મુખ્યત્વે જોવા મળે છે. પરંતુ લાંબો સમય ચાલતી કોઈ પણ શારીરિક સમસ્યાનું  કારણ  ટીબી નથી  ને તે ચકાસવું  ખૂબ  જ આવશ્યક છે. છાતી નો એક્સ- રે અને ગળફાની માઈક્રોસ્કોપથી તપાસ દ્વારા ટીબીનું ચોક્કસ નિદાન થયા બાદ રોગ ગ્રસ્ત વ્યક્તિની ઓછામાં ઓછી ૬ માસની સારવાર જરૂરી બને છે. જેમાં દર્દીના શરીરના વજન આધારિત એક જ પ્રકારની ૨ થી ૬ ટેબલેટ્‌સ લેવી પડે છે. આ તમામ સુવિધાઓ સરકારી આરોગ્ય કેન્દ્રો પર તદ્દન મફત ઉપલબ્ધ છે.
મફત અને ગુણવત્તા યુક્ત નિદાન અને સારવાર ઉપરાંત વધારાના પોષણ માટેની નિક્ષય પોષણ યોજના અંતર્ગત સરકાર દ્વારા ટીબીના દરેક દર્દીને જ્યાં સુધી સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર મહિને તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા ૧૦૦૦ પ્રતિ માસ સીધા જ ચૂકવવાની જોગવાઈ કરેલી છે.  ટીબીની સારવાર સાથે અન્ય બીમારી જેવી કે એચ. આઈ .વી અને ડાયાબીટીસની તપાસ પણ કરવામાં આવે છે. ધુમ્રપાન કે મદિરાપાનના વ્યસન ધરાવતા દર્દીઓ ને આ બીમારી વધુ ઘાતક નીવડતી હોઈ તેમાંથી મુક્ત થવા સલાહ અને મદદ કરવામાં આવે છે.
ગ્રામ્યકક્ષાએ આશા, આશા ફેસીલીટેટર, પુરુષ અને સ્ત્રી આરોગ્ય કાર્યકરો, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર તથા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને  રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સેવા બજાવતા કર્મચારીઓ, આરબીએસકેની ટીમો પોતાની ગૃહ મુલાકાતો વખતે કે દર્દી કેન્દ્રો પર આવે ત્યારે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓની તપાસ કરી કાઉન્સેલિંગ કરે છે. નિયમિત પણે દવાઓ લેવા સમજાવે છે અને સમયાંતરે ફોન દ્વારા કે રૂબરૂ વજન કરીને અને સાદી શારીરિક તપાસ કરે છે. દર્દીના સગાને પણ આવો ચેપ લાગ્યો નથી ને તે બાબતે ડાબા હાથમાં વચ્ચે ચામડી નીચે ટેસ્ટ કરે છે અને જરૂર જણાય તો ટીબી અટકાયતી સારવાર આપે છે. જેથી ભવિષ્યમાં તેઓને ટીબી રોગ થવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે. નિયમિતપણે સારવાર ન લેવામાં આવે તો સાદો ટીબી ગંભીર અવસ્થામાં પરિવર્તિત થઇ શકે છે, જેમાં અત્યંત મોંઘી અને લાંબો સમય દવાઓ લેવી પડે છે.  જો કે,  હવે નવા બી-પાલ રેજીમથી આવા દર્દી સારવાર પણ ૬ માસની જ શક્ય બની છે. જન્મ વખતે આપવામાં આવતી મ્ઝ્રય્ રસી, માસ્કનો ઉપયોગ કે ટીબીના ચેપની તપાસ અને ટીબી અટકાયતી સારવારથી આ રોગ થતો મહદ અંશે અટકાવી શકાય છે. 
જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી ડો. મનોજ દવેએ જણાવ્યું હતું કે, ટીબીથી સાજા થઇ ગયેલા દર્દીઓને તાલીમ આપી ટીબી ચેમ્પિયન બનાવાય છે, જેઓ લોકોમાં જન જાગૃતિ ફેલાવવા કે સમાજમાં ટીબી પ્રત્યેની સુગમાં ઘટાડો કરવા તથા ગેરમાન્યતાઓ દૂર કરવામાં ઉત્સેચક તરીકે કામ કરે છે. જિલ્લામાં કલેકટરની અધ્યક્ષતામાં સમયાંતરે ટીબી ફોરમની મીટીંગ કરવામાં આવે છે. ગત વર્ષની પંચાયતોની ટીબીની કામગીરી અને સ્થિતિને આધારે ટીબી મુક્ત પંચાયતના સર્ટિફિકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.  આ વર્ષે કચ્છમાં ૧૦૬ આવા પ્રમાણપત્રો અપાશે.
કચ્છ જિલ્લામાં મેડિકલ કોલેજથી માંડી ૧૦૦ જેટલા આરોગ્ય કેન્દ્રો અને સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને ગત વર્ષે આશરે ૬૦૦૦૦ થી વધુ જેટલા ગળફાની તપાસ તથા તેટલા જ મોબાઈલ ડીજિટલ આર્ટીશીયલ ઇન્ટેલિજન્સ સગવડ વાળા અને સાદા એક્સ-રે મારફતે કુલ ૩૦૦૦ દર્દીઓનું નિદાન કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૪ના નોંધાયેલા દર્દીઓ પૈકી ૯૨%દર્દીઓ સાજા થઇ જાય છે, અમુક દર્દીઓ સારવાર અધુરી છોડે છે અથવા ગંભીર ટીબીની સારવાર પર મુકાય છે જેની સંખ્યા લગભગ ૮૦-૯૦ જેટલી હોય છે. દર વર્ષે ૧૦૦ જેટલા ૧૫ વર્ષથી નીચેના બાળ દર્દીઓ પણ નોંધાય છે, જયારે સ્ત્રી દર્દીઓ કુલ પૈકી ૩૫% જોવા મળે છે. ઓછું વજન ધરાવતા,અન્ય બીમારીથી ગ્રસ્ત,મદિરા સેવન કે ધુમ્રપાન કરનારા, અધુરી સારવાર છોડી જનારાઓમાં જ આ રોગ જીવલેણ નીવડવાની શક્યતા વધુ હોય છે. બાકીના તમામ દર્દીઓ ૬-૮ માસની સારવારના અંતે સાજા થઇ જાય છે અને સામાન્ય જીવન વિતાવે છે. અત્યાર સુધીમાં ૫૦૦૦ થી વધુ દર્દીના સંપર્ક ધરાવતા વ્યક્તિઓ ટીબી અટકાયતી સારવાર લઇ ચૂક્યા છે  જેમાં માત્ર ૧૨ અઠવાડિયા સુધી દર અઠવાડિયે ડોઝ લેવાનો રહે છે. હાલ કચ્છમાં ૧૪૮૨ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાંથી ૧૧૬ ગંભીર પ્રકારના દર્દીઓનો સમાવેશ થાય છે. વિતેલા વર્ષોમાં કચ્છમાં સાંસદ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યોે અને તમામ ચૂંટાયેલા સરપંચો અને અન્ય હોદેદારો, પદાધિકારીઓ, અધિકારીઓની પ્રેરણા,મદદ અને માર્ગદર્શન તથા ઉદ્યોગગૃહો, સામાજિક સંસ્થાઓ તથા ખાનગી હોસ્પિટલ અને ડોકટરો, આયુર્વેદ હોસ્પિટલ, મીડિયા તથા લોકોના સાથ સહકારથી લક્ષ્યાંકો પાર પાડવામાં મદદ મળી છે. આ ટીબી રૂપી રાવણનો વધ કરવામાં તમામની કોઈને કોઈ ભૂમિકા ચોક્કસ રહી છે.
----

Comments

COMMENT / REPLY FROM