કચ્છના દેશલપરથી હજીપીર અને લખપત વચ્ચે નવી રેલ લાઇન નાખવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં આપી માહિતી : ૨,૫૨૬ કરોડના ખર્ચે ત્રણ વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય
નવી દિલ્હી : ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છના અંતરિયાળ અને વ્યૂહાત્મક રીતે મહત્વના એવા દેશલપર-હજીપીર અને વાયોર-લખપત વચ્ચે નવી રેલવે લાઇન નાખવા માટેનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૫માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા દેશલપર-હજીપીર-લુણા અને વાયોર-લખપત વચ્ચે નવી લાઇનના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ અંદાજે ૨,૫૨૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જે અંતર્ગત ૧૪૫ રૂટ કિલોમીટર અને ૧૬૪ ટ્રેક કિલોમીટરનું નેટવર્ક તૈયાર થશે. આ કામગીરી આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ નવી રેલવે લાઇન કાર્યરત થવાથી પશ્ચિમ કચ્છના મોટા વિસ્તારો પ્રથમવાર રેલવે નકશા પર આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧૩ નવા રેલવે સ્ટેશનો બનાવવામાં આવશે, જેનાથી કચ્છના ૮૬૬ ગામોના આશરે ૧૬ લાખ લોકોને પરિવહનની આધુનિક સુવિધા મળશે. આ સુવિધાથી માત્ર સ્થાનિક લોકોની મુશ્કેલીઓ જ દૂર નહીં થાય, પરંતુ સરહદી વિસ્તારોના આર્થિક અને સામાજિક વિકાસને પણ નવો વેગ મળશે.
સાથે જ મંત્રીએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ વિશે પણ વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાઈ-સ્પીડ રેલ કોરિડોરમાં સિવિલ કામગીરી ઝડપભેર ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ૪૩૫ કિમી ફાઉન્ડેશન અને ૩૩૮ કિમી પિયરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ૧૬૮ કિમીના અંતરમાં ટ્રેક બિછાવવાની કામગીરી પણ પૂરી થઈ ગઈ છે. વાપી, સુરત, બિલીમોરા અને મુંબઈના બીકેસી સ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં છે, જ્યારે દેશની પ્રથમ અંડર-સી રેલવે ટનલનું નિર્માણ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
------

Comments