અંધશ્રદ્ધાના ડરથી લૂંટાતું કચ્છ, તાંત્રિકો અને ઠગ ટોળકીઓનો ખતરનાક ખેલ
નખત્રાણા, અંજાર અને ભચાઉમાં વિધિ-ચમત્કારના નામે ઠગાઈ, માધાપરમાં ઢોંગી બાબા પણ પકડાયો હતો : ગ્રામીણ વિસ્તારોમાં વડીલો અને મહિલાઓ સૌથી વધુ ભોગ
ભુજ : જિલ્લામાં શ્રદ્ધા અને વિશ્વાસનો દુરુપયોગ કરી અંધશ્રદ્ધાના નામે તાંત્રિકો અને ઠગ ટોળકીઓ નિર્દોષ લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી કચ્છના નખત્રાણા, અંજાર અને ભચાઉ સહિતના વિસ્તારોમાં વિધિ, ચમત્કાર અને તંત્ર-મંત્રના બહાને છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે, જે ચિંતાજનક છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ધાર્મિક વિધિના નામે નિર્દોષ લોકો, મોટી ઉંમરના વડીલો અને મહિલાઓને ડર બતાવી ફસાવવામાં આવી રહ્યા છે. સંતાન પ્રાપ્તિ, ઘર પર લાગેલો દોષ દૂર કરવો, બીમારી મટાડવી કે ધનલાભ કરાવવાની વાતો કરીને તાંત્રિકો પહેલા વિશ્વાસ જીતે છે. ત્યારબાદ વિધિ સફળ કરવા માટે ખર્ચ કરવો પડશે તેમ કહીને ધીમે ધીમે મોટી રકમ પડાવવામાં આવે છે. નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં થોડા સમય પહેલા આવી જ ઘટના બની હતી. અહીં એક પરિવારને વિધિના નામે દાગીના અને રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ જ પ્રકારનો એક કિસ્સો માધાપરમાં સામે આવ્યો હતો, જ્યાં વિધિના નામે છેડતી કરતા તાંત્રિક બાબાનો પર્દાફાશ થયો હતો. અંજાર અને ભચાઉ વિસ્તારોમાં પણ ‘સોનું ડબલ કરી આપવાની’ અથવા ‘પૈસા બમણા કરી આપવાની’ લાલચ આપતી ટોળકીઓ સક્રિય રહી છે. આ ટોળકીઓ પહેલા ધાર્મિક વાતો કરીને લોકોનો વિશ્વાસ જીતી લે છે. ત્યારબાદ વિધિ માટે સોનું કે રોકડ માંગે છે અને યોગ્ય તક મળતાં જ ફરાર થઈ જાય છે. ઘણી વખત ભોગ બનનાર લોકો સમાજમાં બદનામી કે શરમના કારણે પોલીસ ફરિયાદ પણ કરતા નથી, જેનાથી આવા ઠગોને વધુ પ્રોત્સાહન મળે છે.
સમાજના જાણકારો કહે છે કે અંધશ્રદ્ધાનો ડર માત્ર આર્થિક નુકસાન પૂરતો સીમિત નથી. આવા તાંત્રિકો માનસિક રીતે લોકોનું શોષણ કરે છે. મહિલાઓને ખાસ કરીને નિશાન બનાવવામાં આવે છે, જે વધુ ગંભીર બાબત છે. પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ માત્ર કાર્યવાહી પૂરતી નથી. કચ્છના લોકોને સજાગ બનવાની જરૂર છે. કોઈ પણ ચમત્કાર, તંત્ર-મંત્ર કે પૈસા બમણા કરવાની વાતો પર વિશ્વાસ ન રાખવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચેનો ફરક સમજીએ તો જ કચ્છના નિર્દોષ લોકો આવા તાંત્રિકોના માયાજાળમાંથી બચી શકે. નહિ તો ડરના નામે થતી આ લૂંટ આગળ પણ ચાલુ રહેવાની ભીતિ છે.

Comments