કચ્છમાં દારૂની કટોકટી : ગાંધીધામના બોન્ડ વેરહાઉસમાંથી ‘પ્રીમિયમ’ શરાબનો વેપલો શરૂ
બોન્ડ વેરહાઉસના દારૂ સહિતનો માલ ખુલ્લી બજારમાં મળતો થયું... કસ્ટમ તપાસ કરશે... કે પછી...
પૂર્વથી પશ્ચિમ સુધી ‘ડ્રાય સ્પેલ’ના કારણે પ્યાસીઓ દેશી તરફ પણ વળ્યા : પોલીસની ભીંસ વધતા બુટલેગરો અન્ડરગ્રાઉન્ડ : પરમિટ શોપના ઓઠે બેફામ વેપલાની ચર્ચાઓ વચ્ચે પ્યાસીઓ મોંઘાદાટ ભાવે પણ માલ મેળવવા તરસી રહ્યા છે : પોલીસ અને બેટલેગરની સાંઠ- ગાંઠથી ઓછા માલમાં ઉંચી કિંમત લેવાઈ રહી હોવાની ચર્ચા...
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી દારૂના શોખીનો માટે જાણે અઘોષિત દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ હોય કે પશ્ચિમ કચ્છ, એસએમસીની સતત રેડ અને કડક પાબંદીઓને કારણે હાલમાં વિદેશી દારૂની ભારે તંગી વર્તાઈ રહી છે. ખાસ કરીને ભુજ, ગાધીધામ સહિત કચ્છના મોટા શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં તો સ્થિતિ એવી છે કે પ્યાસીઓ દારૂ માટે વલખાં મારી રહ્યા છે, પરંતુ ક્યાંય મેળ પડતો નથી. જે મળે તે ઉંચી કિમંત ચુકવો પડે છે. પોલીસની વધેલી સક્રિયતાને જોતા જાણે બુટલેગરોએ ધંધો સંકેલી લીધો હોય તેવો માહોલ સર્જાયો છે, જેના કારણે હવે મજબૂરીમાં અનેક પ્યાસીઓ દેશી દારૂ પીને સંતોષ માની રહ્યા છે.
રાજ્યની એજન્સીઓ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ પણ હવે ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ’ તેમ અત્યંત સતર્ક બની ગઈ છે. આ કડકાઈના કારણે બજારમાં દારૂની કૃત્રિમ તંગી ઊભી થઈ છે. જોકે, આ આખી પરિસ્થિતિ વચ્ચે એક નવો જ ટ્રેન્ડ સામે આવ્યો છે. કંડલા અને મુન્દ્રા બંદરો પર જે ઇમ્પોર્ટેડ દારૂના બોન્ડ વેરહાઉસ આવેલા છે, ત્યાંથી હવે દારૂની સપ્લાય થઈ રહી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગાંધીધામમાં છેલ્લા થોડા દિવસોમાં ઉપરાઉપરી બે-ત્રણ વખત બોન્ડનો પ્રીમિયમ દારૂ પકડાયો છે. ગુરૂવારે પણ વેરહાઉસમાંથી દારૂની ખેપ ભરીને જતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો, જે સૂચવે છે કે સુરક્ષિત ગણાતા વિસ્તારોમાંથી હવે ગેરકાયદેસર વેપલો ફૂલ્યોફાલ્યો છે.
બીજી તરફ, ભુજ, મુન્દ્રા, ગાંધીધામ અને અંજાર જેવી શહેરી વિસ્તારોની હોટલોમાં આવેલી કાયદેસરની લિકર પરમિટ શોપ પણ હવે શંકાના દાયરામાં આવી છે. લોકચર્ચા મુજબ, કેટલીક જગ્યાએ ખોટી પરમિટો દર્શાવીને મોટા પાયે દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો છે. દારૂની આ તંગીનો લાભ ઉઠાવીને બુટલેગરો અને સંડોવાયેલા શખ્સો મોંઘેરા ભાવ વસૂલી રહ્યા છે. આમ, એક તરફ પોલીસની ભીંસ છે તો બીજી તરફ બોન્ડ વેરહાઉસ અને પરમિટ શોપના ઓઠે ખેલાતા આ નવા કૌભાંડોએ ખળભળાટ મચાવ્યો છે.

Comments