Trending News
સ્થાનિક સમાચાર

કમિશ્નરશ્રી તપાસ કરાવે, કે આ બની બેઠલ પ્રમુખને કેબીનોના આડેધડ વેપલા માટે સત્તા કોણે આપી ? શું રાષ્ટ્રપતિએ આપી છે?

23 March

સુપ્રીમકોર્ટના આદેશની ઐસીતેસી


ગાંધીધામના કલેક્ટર રોડ પર કોનું શાસન? પાલિકાનું કે બની બેઠેલા પ્રમુખનું? વરસાદી નાળા પર કેબીનોના આડેધડ ખડકલા? 

નામદાર સુપ્રીમકોર્ટનો વરસાદી નાળા, કુદરતી વહેણ પર પાક્કા બાંધકામ પર મનાઈ છે, છતા અહી કોની મહેરબાનીથી વરસાદી નાળા પર કેબીનોના છે આડેધડ ખડકલા? જો આ રોડ પર વરસાદી નાળા પર કેબીનો - કન્ટેઈનરો માન્ય રહેતા હોય તો પછી ઓસ્લો સર્કલ પાસે નાળા પર કેમ કેબીનો ન રાખવામાં આવે? જે રીતે કલેકટર રોડ પર કેબીનો રાખી છે તે જ રીતે ઓસ્લો પાસેના નાળા પર પણ લોકોને રોજી રળવા દેવી જોઈએ કે નહી ?


કમિશ્નરશ્રી ચકાસણી કરે, નગરપાલીકાની જે પાંચ કેબીનો હતી તે કયાં ગઈ? એ કોણ હજમ કરી ગયું? કે પછી બની બેઠલ પ્રમુખ જ હડપ કરી ગયો? છે કોઈ પુછનારૂ કે નહી? પહેલા જેમની ૧ કેબીન હતી તેમની આજે પાંચ-પાંચ બની ગઈ છે? આ કેવી રીતે થઈ ગયુ?


કેબીનો દબાણરૂપ ગોઠવવી હેાય, લીધેલી વેંચવી હોય, ટ્રાન્સફર કરવી હોય તો કોઈ સરકારી તંત્રને પુછવાની જરૂર નથી, બસ આ બની બેઠલા પ્રમુખને સાચવો, એ કહે છે કે, બાકીની ચિંતા તમે ન કરો, હું બેઠો છુ, બધુ જ સચવાઈ જશે : મહાનગરપાલિકાને સમાંતર જ સત્તા નહી તો આ બીજું શું કહેવાય?


ખાટલે મોટી ખોટ : ભેદભાવ કેમ? જો ઓસ્લો સર્કલ પાસેની કેબિનોને ગેરકાયદે ગણીને એક ઝાટકે દૂર કરી શકાતી હોય, તો કલેક્ટર રોડ પરની કેબિનોને કયા આધારે રક્ષણ મળી રહ્યું છે?  અગાઉ જેટલી કેબિનો હતી તેના કરતા આજે બમણી સંખ્યા થઈ ગઈ છે, શું દબાણ શાખા ઊંઘી રહી છે? : ભ્રષ્ટાચારની ગંધ લાઈટ કનેક્શનથી માંડીને અન્ય સુવિધાઓમાં પણ નગરપાલિકાના ધારાધોરણો જળવાયા છે કે કેમ તે તપાસનો વિષય છે.



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરમાં અત્યારે ‘દબાણ હટાવો’ ઝુંબેશના નામે તંત્રના બુલડોઝર ગાજી રહ્યા છે, પણ નવાઈની વાત એ છે કે અમુક વિસ્તારોમાં આ બુલડોઝરના ટાયરની હવા નીકળી જાય છે!શહેરમાં એક તરફ દબાણ હટાવો ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી તરફ કલેક્ટર રોડ વિસ્તારમાં તંત્રની મિલીભગત હોય તેમ સુપ્રીમકોર્ટના આદેશોની ઐસીતૈસી કરી અને વરસાદી નાળા પર કેબીનોના ખડકલાઓ થવા પામી ચુકયા છે જેની સામે તંત્ર કાર્યવાહી કરતુ ન દેખાતા સંકુલમાં આંતરીક સવાલો ઉભા થવા પામી રહયા છે. આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર સુપ્રીમકોર્ટ દ્વારા નિર્દેશ અપાયેલો છે કે, વરસાદી નાળા પર અથવા તો કુદરતી વહેણને અવરોધે તે અનુસારના પાક્કા બાંધકામો માન્ય રાખવા નહી. જો આવો આદેશ અપાયેલ જ છે તો પછી ગાંધીધામમાં કલેકટર રોડ પર વરસાદી નાળા પર કેબીનો હાલમાં મુકાયેલી છે તેની સામે કેમ કાર્યવાહી નહી? કમિશ્નરશ્રી આ બાબતે ધ્યાન આપે તેવી માંગ થવા પામી રહી છે. આ ઉપરાંત જો કલેકટર રોડ પર આ કેબીનો મુકાયેલી છે વરસાદી નાળા પર તો પછી ઓસ્લો સર્કલ પાસે વરસાદી નાળા પર રહેલા કેબીનવાળાઓને શું વાંક હતો? તેમને પણ કેમ ઓસ્લો સર્કલ પર રોજી રડવા નથી દેવાતી? કહેવાય છે કે,બની બેઠલા પ્રમુખને અહી સાચવો તો બધું જ કરવાની છુટ જ મળી જાય છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ, આ કહેવાતા પ્રમુખ જાણે મહાનગરપાલિકા કે રાષ્ટ્રપતિ પાસેથી સત્તા મળી હોય તેમ લોકોને દબાણ કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. તમે ચિંતા ન કરો, હું બેઠો છું, મને સાચવી લો એટલે બધું 
પાર પડી જશે - તેવા આશ્વાસનો આપીને સરકારી મંજૂરી વગર જ અમુક કેબિનો ગોઠવવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, કેબિન લેવી, વેચવી કે ટ્રાન્સફર કરવી હોય, તેમાં નગરપાલિકાના નિયમોને નેવે મૂકીને માત્ર આ પ્રમુખની ‘સંમતિ’ જ પૂરતી માનવામાં આવી રહી છે.
 કલેક્ટર રોડ પર જે રીતે ‘આવ ભાઈ હરખા આપણે બે સરખા’ના તાલે કન્ટેનરો અને કેબિનોનો ખડકલો થયો છે, તે જોતા પ્રશ્ન થાય છે કે શું અહીં મનપા.ના નિયમો લાગુ 
પડતા નથી?એક બાજુ ઓસલો સર્કલ પર વરસાદી નાળા પર કે પાસે વર્ષોથી નાના નાના ધંધા રોજગાર કરી ગુજરાન ચલાવતા ગરીબોની કેબિનોને ‘ગેરકાયદે’ ગણીને રાતોરાત સાફ કરી દેવામાં આવી. ત્યારે બીજી બાજુ કલેક્ટર રોડ પર એક ‘બની બેઠેલા પ્રમુખ’ જાણે સમાંતર સરકાર ચલાવી રહ્યા હોય તેમ મંજૂરી વગર આડેધડ કેબિનો ગોઠવાવી રહ્યા હોવાની ચકચાર ઉઠી રહી છે. આ પ્રમુખશ્રીનો આત્મવિશ્વાસ તો જુઓ! એ ખુલ્લેઆમ કહે છે, “તમે તમારે કેબિન નાખો, મહાપાલિકાનું હું જોઈ લઈશ. શું આ પ્રમુખને 
રાષ્ટ્રપતિએ વિશેષ સત્તા આપી છે? કે પછી દબાણ શાખાના અધિકારીઓના આશીર્વાદ આ પ્રમુખ પર વરસી રહ્યા છે?નગરપાલિકામાં નોંધાયેલી સંખ્યા કરતા અનેકગણી વધારે કેબિનો અત્યારે રસ્તા રોકીને ઉભી છે. શહેરના અન્ય વિસ્તારોના નાના ધંધાર્થીઓ જેમના દબાણો દૂર કરવામાં આવ્યા છે, તેમનામાં આ ‘વહાલા-દવલા’ની નીતિને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જો કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક દબાણ શાખાને તપાસના આદેશ આપી ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં જનતાનો આક્રોશ રસ્તા પર ઉતરે તેવી 
પૂરેપૂરી શક્યતા છે.


.....................

 નગરપાલિકા અને દબાણ શાખા અંધારામાં કે આંખમિંચામણા?

૧. સ્થળ તપાસ અને હેડ-કાઉન્ટઃ દબાણ શાખા તાત્કાલિક કલેક્ટર રોડ પરની તમામ કેબિનોની ગણતરી કરે અને રજીસ્ટર સાથે સરખામણી કરે કે કેટલી કેબિનોને અધિકૃત મંજૂરી મળી છે.૨. મંજૂરીના દસ્તાવેજોની ચકાસણીઃ જેટલી કેબિનો ઉભી છે, તેમાં લાઈટ કનેક્શન અને જગ્યાના ભાડાની પહોંચ છે કે નહીં? જો નથી, તો તેને તાત્કાલિક જપ્ત કરવાની કાર્યવાહી થવી જોઈએ. ૩. ‘પ્રમુખ’ની ભૂમિકાની તપાસઃ સરકારી જમીન પર મંજૂરી આપનાર કે હપ્તા ઉઘરાવનાર આ કહેવાતા પ્રમુખ કોણ છે? તેની સામે લેન્ડ ગ્રેબિંગ અથવા સરકારી કામમાં દખલગીરીનો ગુનો નોંધવો જોઈએ. ૪. સમાન નીતિનો અમલઃ ઓસલો સર્કલ જેવો જ નિયમ કલેક્ટર રોડ માટે પણ લાગુ કરી, રસ્તામાં નડતરરૂપ તમામ કેબિનોને હટાવી રસ્તો ખુલ્લો કરવો જોઈએ. ૫. વીજ જોડાણની તપાસઃ ગેરકાયદે કેબિનોમાં વીજળી ક્યાંથી આવે છે? તેની તપાસ કરી ગેરકાયદે કનેક્શન કાપવાની કાર્યવાહી કરવી જોઈએ.

Comments

COMMENT / REPLY FROM