ભવાનીપુર કેનાલ પાસે સવા સાત લાખનો દારૂ ઝડપાયો
સ્વિફટ ગાડીમાંથી ઓલ્ડ મન્કની ૪૭૬ બોટલો મળી : ધમડકાના યુવક અને કિશોરની અટકાયત : મોટી રવ અને વરસામેડીના શખ્સોના નામ ખુલ્યા ’
ભચાઉ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા આદરેલી ઝુંબેશમાં ભચાઉ પોલીસને મોટી સફળતા મળી છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ ભચાઉ પોલીસ મથકના પી.આઈ. ડી.ડી. ઝાલાના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગુણાતીતપુર તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર કાર વિદેશી દારૂ ભરીને ભચાઉ તરફ આવી રહી છે, જેના આધારે પોલીસે ભવાનીપુર કેનાલ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તેને હાથના ઈશારા વડે ઉભી રખાવી હતી. પંચોની હાજરીમાં કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ એટલે કે ઓલ્ડ મંક ટ્રિપલ એક્ષ રમની કુલ ૪૭૬ બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ૭,૧૪,૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ, ૩,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતની કાર અને ૧૦,૦૦૦ રૂપિયાનો મોબાઈલ મળી કુલ ૧૦,૨૪,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન અંજારના ધમડકા ગામના ૨૪ વર્ષીય વિપુલસિંહ ગોવુુભા જાડેજા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો યશપાલસિંહ બળવંતસિંહ જાડેજા (રહે. રવ મોટી, તા. રાપર) અને રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા (રહે. વર્ષામેડી) પોલીસની પકડમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા છે, જેમને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. ભચાઉ
પોલીસ દ્વારા પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Comments