Trending News
સ્થાનિક સમાચાર

બન્નીના ઘાસિયા મેદાનોમાં ચિત્તાની ડણક - કચ્છના પર્યાવરણ અને પ્રવાસનનો નવો અધ્યાય

22 March


ગાંધીધામ : ગુજરાતના પ્રાકૃતિક વૈવિધ્યમાં કચ્છનું ‘બન્ની’ વિસ્તાર હંમેશા અનોખું સ્થાન ધરાવે છે. ૨૪૯૭ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ એશિયાનું સૌથી મોટું ઘાસનું મેદાન હવે એક ઐતિહાસિક 
પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભારત સરકારની મંજૂરી બાદ અહીં સ્થાપવામાં આવી રહેલું ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર’ માત્ર વન્યજીવ સંરક્ષણનો પ્રોજેક્ટ નથી, પરંતુ તે ભારતના લુપ્ત થયેલા વન્ય વારસાને 
પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મક્કમ ડગલું છે.ચિત્તા જેવા ઝડપી શિકારી પ્રાણી માટે ખુલ્લા મેદાનો અને વિપુલ પ્રમાણમાં ઘાસિયા જમીન અનિવાર્ય છે. બન્નીનો વિસ્તાર કુદરતી રીતે જ ચિત્તાઓના નિવાસસ્થાન માટે આદર્શ માનવામાં આવે છે. લાંબા સમયથી નિષ્ણાતો આ વિસ્તારને ચિત્તાના પુનઃવસન માટે શ્રેષ્ઠ ગણાવતા આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે ૧૪.૭૦ કરોડની ફાળવણી અને કામગીરીમાં લાવવામાં આવેલી તેજી દર્શાવે છે કે વહીવટીતંત્ર આ મહત્વકાંક્ષી લક્ષ્યને લઈને અત્યંત ગંભીર છે.આ પ્રોજેક્ટનું મુખ્ય પાસું માત્ર ચિત્તાઓને લાવવાનું નથી, પણ તેમનું ‘બ્રીડિંગ‘ એટલે કે સંવર્ધન કરવાનું છે. જ્યારે કોઈ પ્રજાતિ દાયકાઓ પહેલા દેશમાંથી લુપ્ત થઈ ગઈ હોય, ત્યારે તેનું કૃત્રિમ રીતે સંવર્ધન કરીને સંખ્યા વધારવી એ વૈજ્ઞાનિક પડકાર છે. બન્નીમાં સ્થાપિત થનારું સેન્ટર આધુનિક ટેકનોલોજી અને વન્યજીવ નિષ્ણાતોની દેખરેખ હેઠળ કાર્ય કરશે, જે આગામી પેઢી માટે આ અદભૂત પ્રાણીને પ્રત્યક્ષ જોવાની તક ઊભી કરશે.બન્નીમાં ચિત્તાની ઘરવાપસી એ ‘નવા ભારત’ની 
પર્યાવરણીય સજ્જતાનું પ્રતીક છે. જો આ પ્રોજેક્ટ તેના નિર્ધારિત લક્ષ્યાંકો મુજબ સફળ રહેશે, તો ગુજરાત સિંહ અને ચિત્તા બંનેનું આશ્રયસ્થાન ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બનીને ગૌરવ વધારશે. કુદરત અને વિકાસના સહઅસ્તિત્વની આ લડાઈમાં બન્નીનું ઘાસ હવે નવી આશા સાથે લહેરાઈ રહ્યું છે.



..................


પડકારો અને જવાબદારી પણ રહેશે અનેક.!

ગાંધીધામ : કોઈપણ વન્યજીવ પ્રોજેક્ટ સાથે પડકારો પણ જોડાયેલા હોય છે. સ્થાનિક પશુપાલકો (માલધારીઓ) ના હિતોનું રક્ષણ, ચિત્તાઓના શિકાર માટે જરૂરી ખોરાકની ઉપલબ્ધતા અને બદલાતા હવામાન સાથે તેમનું અનુકૂલન એ ચિંતાના વિષયો છે. જોકે, સરકારની આર્થિક જોગવાઈ અને આયોજનબદ્ધ કામગીરી જોતા આ પડકારોને 
પહોંચી વળવાની આશા પ્રબળ છે.

.................

સ્થાનિક અર્થતંત્ર અને પ્રવાસનને વેગ

ગાંધીધામ : ગીરના સિંહોને કારણે જે રીતે સૌરાષ્ટ્રનું પ્રવાસન વિશ્વભરમાં ચમક્યું છે, તેવી જ સંભાવના હવે કચ્છના બન્ની વિસ્તારમાં સર્જાઈ છે. ચિત્તા પ્રોજેક્ટ સફળ થવાથી માત્ર પર્યાવરણીય સંતુલન જ નહીં જળવાય, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે. સફારી, ઇકો-ટુરિઝમ અને સંશોધન ક્ષેત્રે કચ્છ એક નવું હબ બનીને ઉભરશે.

 

Comments

COMMENT / REPLY FROM