ભુજના એરફોર્સ બેઝ અને ઐતિહાસિક સ્થળોના વીડિયો પાકિસ્તાન મોકલનાર સગીરોની ધરપકડ
પાકિસ્તાની આકાઓના નિશાને ભુજનું સૈન્ય મથક : સુરક્ષા એજન્સીઓએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ : ભુજ અને રાજસ્થાનના એરબેઝની રીલ બનાવટી બહાને વીડિયોગ્રાફી કરી મોકલવામાં આવતી હતી પાકિસ્તાન
ભુજ - કચ્છઉદય : સરહદી કચ્છના મુખ્ય મથક ભુજના એરફોર્સ બેઝ અને ઐતિહાસિક સ્થળોના વીડિયો પાકિસ્તાન મોકલનાર સગીરોની ધરપકડથી ચકચાર મચી ગઈ છે. ગાઝિયાબાદથી પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટર તરીકે કાર્યરત સરફરાઝ ડોગર ઉર્ફે સરદાર ઉર્ફે જોરા સિંહ ભારતના સંવેદનશીલ સૈન્ય વિસ્તારોની માહિતી મેળવવા માટે સગીરોનો મહોરા તરીકે ઉપયોગ કરી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ પાકિસ્તાની હેન્ડલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેસેન્જર અને બોટિમ એપના માધ્યમથી સગીરો સાથે સીધા સંપર્કમાં હતો. તે આ કિશોરોને ખાસ કરીને ગુજરાતના ભુજ વિસ્તારના વીડિયો અને તસવીરો મોકલવા માટે લલચાવતો હતો અને તેના બદલામાં મોટી રકમ આપવાની લાલચ આપતો હતો. આ સગીરો મજૂરીકામ કરવાના બહાને ભુજમાં ૧૪ દિવસ સુધી રોકાયા હતા અને ત્યાં રહીને તેમણે રુદ્ર માતા એરફોર્સ બેઝ, ભુજિયો હિલ, આયના મહેલ અને પ્રાગ મહેલ જેવા વ્યૂહાત્મક અને ઐતિહાસિક સ્થળોની ગુપ્ત રીતે વીડિયોગ્રાફી કરી પાકિસ્તાન મોકલી હતી.
સુરક્ષા એજન્સીઓની કડક પૂછપરછ દરમિયાન ગજરૌલા અને ભોવાપુરના રહેવાસી આ બે સગીર જાસૂસોએ કબૂલાત કરી છે કે તેમણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનના જોધપુર એરબેઝ, બીકાનેર, જેસલમેર, સુરતગઢ, ફલોદી અને બાડમેર જેવા મહત્વના સૈન્ય મથકોની વિગતો પણ પાકિસ્તાની ગેંગસ્ટર સરફરાઝને પહોંચાડી છે. આ કિશોરો એરબેઝની અત્યંત નજીક પહોંચી જઈને સોશિયલ મીડિયા માટે રીલ બનાવતા હોય તેવો ઢોંગ કરતા હતા અને તે બહાને પોતાના મોબાઈલ ફોનમાં મિગ-૨૧ અને સુખોઈ-૩૦ એમકેઆઈ જેવા અત્યાધુનિક લડાકુ વિમાનોની ગતિવિધિઓ કેદ કરી લેતા હતા. આ તમામ એરબેઝ પાકિસ્તાન સરહદની નજીક આવેલા હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે આ અત્યંત ગંભીર બાબત માનવામાં આવી રહી છે.
આ કેસમાં બિહારના વિવેક અને મેરઠના ગગન કુમાર નામના અન્ય શખ્સોની પણ સંડોવણી સામે આવી છે. તેઓએ જણાવ્યું કે પાકિસ્તાની હેન્ડલર દ્વારા તેમને રાજસ્થાનમાં નિર્માણ પામી રહેલા નવા ફોરવર્ડ કમ્પોઝિટ એરબેઝની માહિતી અને તસવીરો એકત્રિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જોકે સદનસીબે તેઓ આ નિર્માણાધીન એરબેઝ સુધી પહોંચે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓએ તેમને ઝડપી લીધા હતા. હાલમાં તપાસ એજન્સીઓ આ નેટવર્ક કેટલું ઊંડું છે અને અન્ય કેટલા લોકો આ જાસૂસીકાંડમાં સામેલ છે તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે. પકડાયેલા શખ્સોના મોબાઈલમાંથી અનેક વાંધાજનક વીડિયો અને ચેટ મળી આવી છે જે આતંકી ષડયંત્ર તરફ ઈશારો કરે છે.
-------

Comments