કચ્છ યુનિવર્સિટી ખાતે યોગ અને આરોગ્ય વિષયક રાષ્ટ્રિય સેમિનાર
‘એક વિશ્વ એક આરોગ્ય’ને ધ્યાનમાં રાખી કચ્છ યુનિ.ના સંસ્કૃત વિભાગ દ્વારા રાષ્ટ્રિય સેમિનારનું આયોજન
ભુજ - કચ્છઉદય : ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ, રાષ્ટ્રિય ઉચ્ચતર શિક્ષા અભિયાન (રૂસા - પીએમ ઉષા), ઉચ્ચ શિક્ષણ વિભાગ - ગુજરાત રાજ્ય અને અખિલ ભારત યોગ વિદ્યા અને પ્રાકૃતિક જીવન સંઘના સંયુક્ત ઉપક્રમે “યોગ અને આરોગ્ય’ વિષયક એક દિવસીય રાષ્ટ્રિય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સત્રમાં અધ્યક્ષ તરીકે યુનિ.ના કુલપતિ ડો. મોહન પટેલ, બીજ વક્તા તરીકે ગો વિશ્વવિદ્યાપીઠમના પ્રોવોસ્ટ ડો. હિતેશ જાની, અતિથિ વિશેષ તરીકે સક્રિય યોગ - ધ્યાન કરાવનારા રમેશ વરૂ ઉપસ્થિત રહ્યા હતા
શાબ્દિક સ્વાગતમાં ડૉ. કશ્યપ ત્રિવેદીએ અને ભૂમિકામાં જણાવ્યું કે, એક વિશ્વ - એક આરોગ્ય રૂપે યુનોએ આ યોગ વર્ષને જાહેર કરેલ છે, તે બાબતને ધ્યાને લઇ આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ૧૭૧ પ્રતિભાગીઓએ ભાગ લીધેલ છે તથા ૪૩ જેટલા પ્રતિભાગીઓએ શોધપત્ર પ્રસ્તુત કર્યા હતા.
ડો. મોહન પટેલે યુનિ.ની પ્રગતિ તેમજ ટૂંકાગાળામાં જ યોજાઈ રહેલ સફળ સેમિનારો વિશે માહિતી આપી રાષ્ટ્રિય શિક્ષાનીતિ તેમજ ભારતીય જ્ઞાન પ્રણાલીમાં યોગ અને આયુર્વેદને આપવામાં આવેલું મહત્ત્વ પ્રતિપાદિત કર્યું હતું. ભારતમાં આવી રહેલા પરિવર્તનો, પ્રાકૃતિક ચિકિત્સા, આરોગ્ય વિશેની જાગૃતિ તેમજ તેની સામે પ્રવર્તતા પડકારો ઝીલી સમાજમાં આરોગ્ય વિશે પ્રવર્તતી ભ્રમણા દૂર કરી વિશેષ અભિરૂચિ કેળવવા માટે આહવાાન કર્યું હતું. પ્રત્યેક પ્રતિભાગીને સેમિનાર થકી પ્રાપ્ત આરોગ્યના વિશેષ ખ્યાલોથી સમાજને માહિતગાર કરવા પ્રેરણા આપી હતી.
ગો વિશ્વવિદ્યાપીઠના કુલગુરૂ ડો. હિતેશ જાનીએ તેમના ચાલીસ વર્ષના અનુભવોને પ્રતિભાગીઓમાં વહંચતાં સર્વતોમુખી આરોગ્ય સંરક્ષણના ઉપાયો તેમજ વિશેષ કરીને પ્રજાવતીથી શરૂ કરી ભૂણ રક્ષા, નારીનું આરોગ્યચિતન વગેરે વિષયોને આવરી બીજ વક્તવ્ય રજૂ કર્યું હતું. વ્યાખ્યાનમાં તેમણે ડબલ્યુએચઓ, આયુષ મંત્રાલય, ટાઈમ્સ, જેવા અનેક દસ્તાવેજી પુરાવાઓના આધારે તર્કપુરસ્સર પોતાનો મત પ્રતિપાદિત કર્યો હતો. આ સાથે તેમણે ચર્ચા સત્રમાં પ્રતિભાગીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ જિજ્ઞાસાઓનું સમાધાન પણ કર્યું હતું.
ડો. રમેશ વરૂએ યોગ, સક્રિય ધ્યાન, થીસ્ટેપ રિધમિક બ્રીધિંગ જેવા અનેક ઉપાયો દ્વારા વર્તમાનમાં જીવવાની કળા અને તેના માધ્યમથી શરીર અને મનના આરોગ્યની જાળવણીના ઉપાયો દર્શાવ્યા હતા. આભારદર્શન યુનિ.ના કુલસચિવ ડો. અનિલ ગોર દ્વારા કરવામાં આવ્યું. તેમણે તેમની આગવી શૈલીમાં જણાવ્યું કે આધુનિક જીવનસ્તર કરતાં પ્રાચીન જીવનશૈલીમાં વણાયેલું પ્રકૃતિ સાથે સામંજસ્ય કેળવી જીવાતું સમાજનું સ્વરૂપ આજ કરતાં વધુ પરિપક્વ પ્રતીત થાય છે. ધર્મ અને લોકાચારની પ્રતિબદ્ધતા વ્યક્તિને અનુશાસિત રહેવામાં સહાયક થતી હોવાનું જણાવી સેમિનારની સફળતાની કામના કરતાં સહાયક સંસ્થાઓનો ઋણસ્વીકાર કર્યો હતો.
પ્રથમ સત્રમાં જયપુરથી પધારેલ વક્તા ડો. સુરભી ભગતે સંસ્કૃતભાષામાં રહેલી વૈજ્ઞાનિકતા અને તેના વર્ણોના ઉચ્ચારણના માધ્યમથી થતા વિવિઘ પ્રાણાયામ વિશે માહિતી આપી હતી. તેમણે સંસ્કૃતના બીજ મંત્રોમાં રહેલી સ્વાભાવિક યૌગિકક્ષમતા અને શરીરના સપ્તચક્રોમાં રહેલ વર્ણમાતૃકાઓ, પ્રેક્ષાધ્યાન, આત્મસાક્ષાત્કારમાં સર્જાતું ચમત્કારિક એકત્વ રજૂ કર્યું હતું. સંસ્કૃતભાષાની મદદથી ભાષાકીય સ્ખલનોના નિવારણ અને વાણીગત દોષોના ઉપચારો પણ સંભવ હોવાનું પ્રમાણો સાથે નિરૂપિત કર્યું હતું. ડો. નિપુણ બુચે તેમની આગવી રમૂજી શૈલીમાં ભારતીય પારંપરિક ઉદાત્તજીવનશૈલી પ્રત્યે સમાજમાં પ્રવર્તતી ઉપેક્ષાવૃત્તિ અને તેના પરિણામે સર્જાતી આરોગ્યની સમસ્યાઓ વિશે માહિતી આપી કટાક્ષ કરતાં ઉદાહરણરૂપે જણાવ્યું કે ભૂજનો હોસ્પીટલ રોડ એક વિશેષ માર્ગ છે જ્યાં હોટલ, હોસ્પીટલ અને બેંક ત્રણેય આવેલ છે.
સત્રાધ્યક્ષ ડો. પરેશ મહેતાએ પ્રતિભાગીઓને સક્રિય ભાગીદાર બનાવી બંને વક્તાઓના વક્તવ્યની સુપેરે છણાવટ કરી હતી. ભોજન વિરામ બાદના સમાંતર સત્રોમાં સાત બેઠકોમાં ૪૩ જેટલા શોધપત્રો પ્રસ્તુત કરવામાં આવેલા જેમાં યોગદર્શન, આયુર્વેદ, પ્રાકૃતિક જીવન પદ્ધતિ, પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ જેવા વિષયોને આધાર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રતિભાગીઓએ પોતાના સંશોધનો પ્રસ્તુત કરેલા. સમાંતર સત્રોમાં ડો. મેહુલ શાહ, ડો. અત્રિ રાજગોર, પ્રા. મેહુલ પુરોહિત, ડો. કીર્તિદા વ્યાસ જેવા સંસ્કૃતજ્ઞોએ સત્રાધ્યક્ષ તરીકે માર્ગદર્શન કર્યું હતું.
અંતિમ સત્રમાં લકુલીશ યોગ યુનિ.ના આસિ. પ્રોફેસર ડો. જયરામ કુશવાહાએ યોગના વિવિધ અંગો - યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરે વિશે વર્તમાનમાં કરવામાં આવેલા વૈશ્વિક સંશોધનો વિશે આધારભૂત માહિતી આપી વિશ્વમાં યોગ અંગેની સ્વીકૃતિ, તેની મનોશારીરિક અસરો, વર્તમાન પરિસ્થિતિમાં યોગની અનિવાર્યતા વગેરે વિશે માહિતી આપી હતી.
અધ્યક્ષીય સંબોધનમાં ડો. આલાપ અંતાણીએ વક્તવ્યની છણાવટ કરવાની સાથે સમગ્ર સેમિનારનું સ્વારસ્ય દર્શાવતાં વર્તમાનમાં યોગ અને આયુર્વેદ દ્વારા પ્રશસ્ત કરવામાં આવેલ જીવનશૈલીની તાતી જરૂરિયાત હોવાનું જણાવ્યું. સમાપન સત્રમાં મહાનુભાવોના હસ્તે પ્રતિભાગીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર આયોજનનું સંયોજન સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. કશ્યપ ત્રિવેદી, સહસંયોજક ડો. પંકજ ઠાકર તથા અખિલભારત યોગવિદ્યા અને પ્રાકૃતિક જીવન સંઘના દિનેશભાઈ મુંદડા દ્વારા સંભાળવામાં આવ્યું હતું. આ તબક્કે પ્રાકૃતિક જીવન સંઘના ડો. શૈલ ચતુર્વેદી, હિમાંશુ લિંબાચિયા, ડો. કોશાબેન મંકોડી જેવા વિષયવિદો ઉપસ્થિત રહ્યા હતા તથા વ્યવસ્થામાં સહાયક બન્યા હતા.
સેમિનારની સફળતા માટે સંસ્કૃત-હિન્દી વિભાગના પ્રાધ્યાપકો, છાત્રો, પ્રાકૃતિક જીવનસંઘના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. પ્રાધ્યાપિકા અંજના રામાનંદી, ડો. ફાલ્ગુની પોમલ, સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ ચેતના રબારી, નયન જેઠવા, મહાવીરસિંહ સોઢાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
--------

Comments