Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના આરોગ્ય કર્મચારીઓની ઈદ ‘ફીકી’ પડી :૨૦ તારીખ છતાં પગાર ન થતા વ્યાપક રોષ

20 March


 લખપત ટીએચઓની મનસ્વી કાર્યપદ્ધતિ સામે ઉઠતા સવાલ

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા પાયાના કર્મચારીઓ અત્યારે આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે જ્યાં ઈદનો પવિત્ર તહેવાર આવી ગયો હોવા છતાં વારંવારની રજૂઆતો બાદ પણ આશા બહેનોનો બે માસનો અને આઉટસોર્સ કર્મચારીઓનો એક માસનો પગાર હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી. એક તરફ નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓનો પગાર આજે થઈ જતાં તેમનું ‘મિશન’ સફળ રહ્યું છે પરંતુ બીજી તરફ જિલ્લાની ‘આશાઓ’ ને માત્ર નિરાશા જ સાપડી છે. શનિ-રવિની રજાઓને કારણે હવે પગાર સોમવાર પહેલા થવાની શક્યતા નહિવત હોવાથી મુસ્લિમ કર્મચારીઓ માટે ઈદનો આનંદ ઓસરી ગયો છે અને તહેવાર ફીકો સાબિત થયો છે. વધુમાં એક ગંભીર બાબત એ સામે આવી છે કે જિલ્લાના અન્ય ૯ તાલુકાઓમાં વહીવટી સ્ટાફની અછત હોવા છતાં સમયસર પગાર થઈ જાય છે ત્યારે લખપત જેવા અંતરિયાળ તાલુકામાં ૨૦ તારીખ સુધી રેગ્યુલર આરોગ્ય કર્મચારીઓનો પગાર ન થવા પાછળ ત્યાંના તાલુકા આરોગ્ય અધિકારીની બિનકાર્યક્ષમતા જવાબદાર હોવાનું મનાય છે. 
કર્મચારીઓના જણાવ્યા મુજબ આ અધિકારી વહીવટી જવાબદારી નિભાવવાને બદલે કર્મચારીઓને માનસિક ત્રાસ આપવામાં અને અસભ્ય વર્તન કરવામાં વધુ રસ ધરાવે છે જેના કારણે દુર્ગમ વિસ્તારની આરોગ્ય સેવાઓ પર માઠી અસર પડી રહી છે. બીજી તરફ સ્થાનિક પ્રતિનિધિઓ અવારનવાર વિકાસના કામોના ખાતમુરત કરતા હોવાના સમાચાર ફોટા સાથે વર્તમાન પત્રોમાં ચમકે છે પરંતુ આરોગ્ય જેવી પાયાની મૂળભૂત જરૂરિયાત અને કર્મચારીઓના હિત પ્રત્યે તેમનું દુર્લક્ષ ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જો આ અધિકારી ૨૦ તારીખ સુધી પગાર જેવી પ્રાથમિક કામગીરી ન કરી શકતા હોય તો તેમના અમદાવાદના મેડિકલ અનુભવનો લાભ કોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લેવો જોઈએ અને તેમને વહીવટી જવાબદારીમાંથી મુક્ત કરવા જોઈએ. કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળને મળેલી રજૂઆતો મુજબ જો આ વહીવટી અણઘડતા અને કર્મચારીઓનું આર્થિક શોષણ અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. 
-----

Comments

COMMENT / REPLY FROM