ગાંધીધામ કમિશ્નર મનીષ ગુરવાણીની લાલઆંખ : વિકાસ કામોમાં બેદરકાર એન્જિનિયર ને ગટર-શૌચાલય વિભાગમાં ધકેલાયા ?
ઠેકેદારો સાથે મેળાપીપણું રાખનારા તત્વોમાં ફફડાટ, કડક કાર્યવાહીથી શહેરના વિકાસ કામોની ગુણવત્તા સુધરવાની આશા જાગી
વહીવટી ‘સર્જરી’ અને જવાબદારીનું ભાન : ગાંધીધામ મહાનગરપાલિકામાં લાપરવાહ સામેની કાર્યવાહી માત્ર બદલી નથી, પણ ભ્રષ્ટ અને શિથિલ તંત્ર સામેનો સ્પષ્ટ પડકાર છે
ગાંધીધામઃ ગાંધીધામ મનપા બન્યા બાદ કમિશનર તરીકે મનીષ ગુરુવાણીની નિમણૂક થતા જ શહેરમાં માળખાગત સુવિધાઓ, રોડ-રસ્તા, વરસાદી નાળા અને દબાણ હટાવવા જેવી ઐતિહાસિક કામગીરી ગતિ પકડી રહી છે. જોકે, આ વિકાસયાત્રાની બીજી તરફ કેટલાક અધિકારીઓ અને ઠેકેદારો વચ્ચેના મેળાપીપણાને કારણે કામોની ગુણવત્તા લોટ-પાણીને લાકડા જેવી હોવાની ફરિયાદો સતત ઉઠી રહી હતી. શહેરના વિકાસમાં કચાશ રાખનારા અને મોનિટરિંગમાં નિષ્ફળ જનારા તત્વો સામે હવે કમિશનરે આકરા તેવર બતાવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કામગીરીમાં લાપરવાહી દાખવનાર એન્જિનિયર બુચને તાત્કાલિક અસરથી બદલી કરીને ગટર, શૌચાલય અને નાળા સફાઈ જેવા વિભાગોમાં મૂકી દેવામાં આવ્યા છે. કમિશનરના આ એક જ ઝાટકા સમાન નિર્ણયથી પાલિકાના અન્ય ભ્રષ્ટ અને ઢીલી નીતિ ધરાવતા કર્મચારીઓ તેમજ પરોક્ષ રીતે ઠેકેદારો સાથે સાંઠગાંઠ રાખનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આ કડક સંદેશ બાદ હવે ગાંધીધામના શહેરીજનોમાં પણ એક આશાવાદ જન્મ્યો છે કે આગામી સમયમાં શહેરના વિકાસ કામોમાં પારદર્શિતા આવશે અને કામોની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.કોઈપણ શહેર જ્યારેનગરપાલિકા માંથી મનપા બને છે ત્યારે માત્ર તેનું નામ નથી બદલાતું, પરંતુ જનતાની અપેક્ષાઓ અને સુવિધાઓનું સ્તર પણ ઊંચું જાય છે. ગાંધીધામના કિસ્સામાં મહાનગરપાલિકાની રચના બાદ માળખાગત સુવિધાઓ, રોડ-રસ્તા અને વરસાદી નાળા જેવી પાયાની જરૂરિયાતો પર જે રીતે કામ શરૂ થયું તે સરાહનીય હતું. પરંતુ, વહીવટમાં જ્યારે વિકાસની ગતિ તેજ બને છે ત્યારે તેની સાથે ‘મેળાપીપણા’નો ઘૂણ પણ લાગતો હોય છે. લાંબા સમયથી એવી ફરિયાદો ઉઠતી હતી કે ઠેકેદારો અને એન્જિનિયરોની મિલીભગતને કારણે કામોમાં ગુણવત્તાનો અભાવ છે અને સરકારી નાણાંનો ‘લોટ-પાણીને લાકડા’ જેવો ઘાટ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કમિશનર મનીષ ગુરુવાણીએ જે ‘લાલ આંખ’ કરી છે, તે શાસનમાં શિસ્ત લાવવા માટે અનિવાર્ય હતી.એક જવાબદાર ગણાતા એન્જિનિયરને તેમની નબળી કામગીરી બદલ ગટર અને શૌચાલય સફાઈ જેવા વિભાગમાં મૂકી દેવાનો નિર્ણય એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ એક ધારદાર સંદેશ છે. આ કાર્યવાહી એવા તત્વો માટે ચેતવણી સમાન છે જેઓ જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી ઠેકેદારો સાથે સાંઠગાંઠ ધરાવે છે. મોનિટરિંગમાં કચાશ અને કામમાં બેદરકારી રાખનારાઓ માટે આ એક ‘આઈ ઓપનર’ કિસ્સો સાબિત થશે. ગાંધીધામમાં અત્યારે જે ફફડાટ જોવા મળી રહ્યો છે તે સાબિત કરે છે કે જો નેતૃત્વ મક્કમ હોય તો તંત્ર આપોઆપ લાઈન પર આવી જતું હોય છે.શહેરીજનોમાં અત્યારે એક નવો આશાવાદ જન્મ્યો છે. લોકોને હવે વિશ્વાસ બેઠો છે કે તેમની ફરિયાદો માત્ર કાગળ પર નહીં રહે, પણ તેના પર નક્કર અમલવારી થશે. જોકે, આ તો માત્ર શરૂઆત છે. હજુ પણ તંત્રમાં એવા અનેક ‘બની બેઠેલા’ તત્વો છે જેઓ પરોક્ષ રીતે વિકાસને રૂંધી રહ્યા છે. કમિશનરની આ આકરી કાર્યવાહી જો સતત ચાલુ રહેશે, તો જ ગાંધીધામ ખરા અર્થમાં આધુનિક અને સુવિધાયુક્ત મહાનગર બની શકશે. ભ્રષ્ટાચાર અને લાપરવાહી સામેની આ લડાઈમાં પારદર્શિતા જ સૌથી મોટું હથિયાર છે.
.................................
વધુ એકવખત પ્રજાજનોની લાગણી-માંગણીને
વાચા આપતું મજબુત પ્લેટફોર્મ બન્યું કચ્છઉદય
ગાંધીધામમાં કમિશ્નરશ્રીની સોનાની થાડી સમાન વિકાસકાર્યોમાં લોઢાનો મેખ લગાવનાર એન્જનીયર કોણ? એ સવાલો સાથે લાપરવાહોનો કાન આમળતો સચોટ અહેવાલ આ પ્લેટફોર્મ પરથી રજુ કરાયો હતો જે બાદ ત્વરિત જ મનપાના વાયબ્રન્ટ-પ્રજાભિમુખ અધિકારીશ્રીએ કડક પગલા લીધા હોવાથી પ્રજાજનોની લાગણીને વાચા આપતું મજબુત પ્લેટફોર્મ કચ્છઉદય બનવા પામ્યું છે.

Comments