કચ્છના રણમાં પવન અને વરસાદના કારણે અગરિયાઓને ભારે નુકસાન
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છના નાના રણ વિસ્તારમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને તેજ પવનના કારણે અગરિયાઓ પર મોટી આફત આવી છે. અનેક સ્થળોએ તોફાની પવન સાથે વરસાદ વરસતા અગરિયાઓના તાત્કાલિક છાપરા ઉડી ગયા છે, જ્યારે સોલાર પેનલો તૂટી જતાં લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ રણ વિસ્તારમાં કચ્છના નાના રણમાં તોફાની પવનના કારણે અગરિયાઓને ભારે નુકશાન થયું છે. ભારે તોફાની પવનના કારણે સોલાર પેનલોને ભારે નુકશાન થયું છે. આડેસર, વરણુના રહેનારા અગરિયાઓ પોતાના રોજગાર માટે સોલાર પંપ અને પેનલનો ઉપયોગ કરે છે. પરંતુ તીવ્ર પવનના ઝોકામાં આ પેનલો તૂટી જવાથી પાણી ખેંચવાની પ્રક્રિયા અટકી ગઈ છે, જેના કારણે મીઠા ઉત્પાદન પર સીધી અસર પડી છે. અગાઉ પણ આવા પવન - વરસાદમાં અગરિયાઓના છાપરા ઉડી જવા અને સોલાર સાધનોને નુકસાન થવાના બનાવો નોંધાયા છે. વરસાદના કારણે મીઠાના પાટિયામાં પાણી ભરાઈ જતા તૈયાર થતું મીઠું બગડી ગયું છે. ઘણા અગરિયાઓએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કમોસમી વરસાદ અને અતિ હવામાનની ઘટનાઓ વધતા તેમના રોજગાર પર સતત ખતરો ઊભો થયો છે. સ્થાનિક સ્તરે નુકસાનનું પ્રમાણ ખુબ મોટું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તાત્કાલિક રાહત અને સહાય માટે માંગ ઉઠી છે.
-------

Comments