કચ્છમાં મધરાત્રે ફુંકાયું મીની વાવાઝોડું, ઊભા પાકને નુકસાન
પવનની તેજ ગતિ, વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું ખાબક્યું : ઉભેલા પાકમાં માલ ખરી પડ્યો : લોકોને બિપરજોયની યાદ આવી
ભુજ - કચ્છઉદય : હવામાન વિભાગે બુધવારે વરસાદની આગાહી કરી પરંતુ દિવસ ભર ખુલ્લું વાતાવરણ રહ્યું અને મધરાત્રે ર વાગ્યા પછી વાતાવરણમાં એકાએક આવેલા પલટાના કારણે લોકોને વાવાઝોડાનો અહેસાસ થયો હતો. ખાસ કરીને વાગડથી લઈ ખાવડા અને કોટેશ્વરથી લઈ માંડવી સુધી તેજ ગતિએ ફુંકાયેલા પવનના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ, બેનરો ધરાશાયી થવા સાથે અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ હતી. ખાસ કરીને નબળા ઝાડની ડાળીઓ પડી જવા સાથે ખેતરોમાં ઘઉં સહિતના ઉભા પાક નમી ગયા હતા. કેરીના પાકમાં મોર ખરી પડ્યા હતા. રાતના સમયે ઝાપટુ વરસ્યું હતું. જો કે, પરોઢથી વાતાવરણ ખુલ્લુ થઈ ગયું અને હાલમાં ધુપછાવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં ખાસ કરીને અબડાસા વિસ્તારમાં ઘઉં થાય છે.મોટાભાગના ખેડૂતોએ ઘઉ કાઢી લીધા હતા. વાગડમાં જીરૂ, વરિયાળી અને એરંડામાં જે લોકોએ પાક ઉતાર્યો ન હતો. તેઓના પાક નમી જતાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તોફાની પવનના કારણે સોલાર પ્લાન્ટમાં લગાવેલી પેનલો ઉડી જવાની ઘટના સામે આવી છે. રાતના અચાનક બનેલી ઘટનાથી લોકોને વાવાઝોડાનો અહેસાસ થયો હતો.
.................
નખત્રાણામાં મધરાત્રે ખેડૂતો વાડીએ દોડ્યા, અનેકોના જીવ તાળવે ચોટ્યા
લગ્ન મંડપ, દાંડિયારાસ, ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિક્ષેપ : આંબાના ફુલ ખરતા અને દાડમના પાકના સુરક્ષા કવચ ઉડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો
બાળમરણ થયું છે અને બીજી બાજુ તીવ્ર પવનના કારણે ઝાડ ઉપરથી કેરી ખરી પડી છે. આ વર્ષે આંબાના ઝાડ પર પુષ્કર પ્રમાણમાં મોર લાગ્યા છે, પરંતુ અચાનક ઝાકળ આવવાથી મોર કેરી લાગે તે પહેલા કાળા પડીને કરમાઈ ગયા હતા. જેને ખેડૂતોની ભાષામાં ચરમરો કરે છે. કેસર કેરી, દાડમ, કમલમ, ખારેક અને સકરટેટી કચ્છની જગ વિખ્યાત છે પરંતુ જો મોસમ મહેરબાન બને તો જ ખેડૂતો પહેલવાન બને કેસર કેરીનો ગઢ ગણાતા રોહા પંથકમાં પણ કેસર કરીને મોસમનો માર પડ્યો છે. વિચિત્ર હવામાનના કારણે દાડમ, કેરીના પાકમાં નુકસાન ગયું છે. ઉગમણો પવન ફુંકાતા એરંડાને પણ અસર કરી છે. એરંડા એકદમ સુકાવા લાગ્યા છે. નખત્રાણા પંથકમાં મોખરાનું સ્થાન ધરાવતા દાડમને પણ શરૂઆતથી જ હવામાન વરસાદના કારણે મુશ્કેલી પડી હતી. તેમાં કાલનું વાવાઝોડું લટકામાં પીડા ઊભી કરી છે. હવામાન પલટાથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિક્ષેપ આવ્યો હતો તો લગ્ન મંડપ અને દાંડિયારારાસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તેનાથી લોકોને વિક્ષેપ પડ્યો હતો.
.....................
આરઈ પાર્કમાં તેજ પવનથી નુકશાની
ભુજ : શહેરની તુલનાએ રણમાં તેજ ગતિએ પવન ફુંકાય છે. અતી પવનના કારણે ખાવડા નજીક આવેલા આરઈ પાર્કમાં અદાણી, એનટીપીસી, ગોદરેજ સહિતની કંપનીઓને મોટું નુકસાન થયું હોવાનું વિગતો મળી રહી છે. ગત રાત્રે પવનના કારણે સોલાર પાર્કમાં સોલારની પ્લેટો ઉડી જવા સાથે ફાઉન્ડેશનના કામ ઉખડી ગયા હતા. ગોદરેજ કંપની દ્વારા હળવદ ટ્રાન્સમિશનનું ૭૬૫ કેવી પાવર સ્ટેશનનું કાર્ય ચાલી રહ્યું છે જેમાં નુકશાની થઈ હોવાનું કંપનીના નાનજીભાઈ પાયરે જણાવ્યું હતું.
..........................
પાન્ધ્રોમાં હોર્ડિગ્સ ઉડ્યા
ભુજ - કચ્છઉદય : લખપત તાલુકામાં ગત રાત્રીના ભારે પવનના કારણે ઉભા પાકને નુક્સાન થવા સાથે વિજ પુરવઠો ખોરવાયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં પતરા ઉડવા સાથે ઝાડની ડાળીઓ પડી હતી. પાન્ધ્રોમાં વર્માનગર રોડ પર લગાવેલા હોર્ડિગ્સ પડી ગયા હતા. વગર મંજૂરીએ લગાવેલા બોર્ડ વાવાઝોડા સમયે જોખમી સાબિત થઈ શકે છે.
...........................
કોટેશ્વરમાં દરિયો તોફાની થતા માછીમારોને ભારે નુકસાન
નારાયણ સરોવર ગ્રામ પંચાયતના સભ્ય યોગેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે, રાત્રીના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેથી મીની વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં વિજ પુરવઠો ખોરવાયો હતો અને કોટેશ્વર ખાતે માછીમારોના બોટ અને સાધનોને નુકશાન થયું હતું.
..........................
વાગડમાં ખેતરોમાં તૈયાર કરીને રાખેલા જીરૂં અને ઘઉંના પથારા વિખાઈ ગયા
ગાજવીજ સાથે અચાનક વરસેલા માવઠાથી કયાંક પાક પણ ભીનો થયો : સવારથી ખેડૂતો વાડીઓમાં પાક વ્યવસ્થિત કરવામાં પરોવાયા
રાપર : તાલુકામાં રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તથા ખડીર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. કમોસમી વરસાદના લીધે જીરૂ, ઇસબગુલ, એરંડા, ઘઉં, વરીયાળી, અજમા, રાયડાના તૈયાર પાકને નુકસાન થયું હતું. ભારે વરસાદના લીધે ખરવાળમા તૈયાર પાકના જીરૂ,ં ઘઉંના થાપરા વિખાઈ ગયા હતા. રાતે ગાજવીજ સાથે વિજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ વરસ્યો હોવાનું રાપર તાલુકા ભાજપ પ્રમુખ અને ખેડૂત આગેવાન નશાભાઈ દૈયાએ જણાવ્યું હતું.
રાપર તાલુકાના ખેંગારપર, ગણેશપર, ખડીર, બાલાસર સહિતના વિસ્તારમાં નુકશાન થયું હતું. ખેંગારપરમાં વરિયાળીનો પાક નમી ગયો હતો. ગવરીપરમાં પણ નુકશાન થયું હતું. સવારથી ખેડૂતો નમેલા પાકને વ્યવસ્થિત કરવામાં અને વિખેરાઈ ગયેલા તૈયાર પાકને એકત્ર કરવામાં પરોવાયા હતા.
............................
ગયા સપ્તાહમાં પડેલા ઝાકાળવર્ષા અને ગઈકાલે રાતના અચાનક વાતાવરણમાં પલટાના કારણે
ગઢશીશા પંથકમાં કેરીના પાકમાં માત્ર રપથી ૩૦ ટકા ઉત્પાદનની આશા
જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી ‘ફળોના રાજા’માં નુકશાનથી ખેડૂતોની હાલત ‘રંક’ જેવી
ગઢશીશા - કચ્છ ઉદય : ગુજરાતમાં કચ્છની કેસર વખણાય અને કચ્છમાં ખાસ કરીને ખેડોઈ, નખત્રાણા, નિરોણા અને ગઢશીશા વિસ્તાર કેસર કેરીના હબ ગણાય છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી કેસર કેરીના પાકમાં બદલાતા હવામાનના કારણે ભારે નુકસાની થવાની સાથે ખેડૂતો હતાશા અનુભવી રહ્યા છે. ચાલુ સાલે સિઝનના પ્રારંભે રપથી ૩૦ ટકા ફાલ આવ્યા બાદ અંતે ૬૦ ટકા જેટલો ફાલ આવ્યો હતો. સપ્તાહભરમાં ભારે ઝાકળવર્ષાના કારણે ૭૦ ટકા જેટલો ફાલ બળી જવા પામ્યો હતો. ઓછામાં પુરા માવઠાના કારણે કેસર કેરીમાં નુકસાન થવા પામ્યું છે. મોમાય ફાર્મના પ્રગતિશીલ ખેડૂત ભગતસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, ર૦થી રપ ટકા માલ બચવા પામ્યો છે પરંતુ બે દિવસમાં માવઠાની આગાહીની ચિંતા ફેલાવી છે તો વિરાણી નાનીના પરસોત્તમ વાસાણીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ઘરે ખાવા જેવી કેસર કેરીની આશા ધુંધળી બની છે. ગઈકાલ રાત્રે એકથી બે વાગ્યાના ગાળા દરમિયાન ફુંકાયેલા ભારે પવનના કારણે કેસર કેરીના પાકને અંશતઃ નુકસાન થવા પામ્યું છે. ખાસ કંઈ ભારે નુકસાન થવા પામ્યું નથી.
...................
ગાંધીધામમાં મધરાત્રે આંધીના પવનથી હોર્ડિગ્સ જમીનદોસ્ત
ચૈત્રી નવરાત્રીની તૈયારીમાં મંડપ સહિતને પણ નુકસાન
ગાંધીધામ સંકૂલમાં ગઈકાલે રાત્રે અચાનક ફુંકાયેલા તેજ પવનના કારણે ઠેકઠેકાણે લગાવેલા હોર્ડિગ્સ જમીન દોસ્ત બન્યા હતા, તો બીજી તરફ ચેટીચંદની તૈયારી રૂપે મંડપ સહિતને પણ નુકસાન પહોંચ્યું હતું. ગત સપ્તાહ દરમ્યાન ઝાકળવર્ષા બાદ ગઈકાલે મોડી રાતના અચાનક ફુંફાડા સાથેના પવને વૃક્ષોને પણ જમીનદોસ્ત કરી નાખ્યા હતા. જયાં જુઓ ત્યાં કચરા, ધુળના ઢગલા થઈ ગયા હતા. જિલ્લાના ભુજ, અંજાર, માંડવી, મુંદરા સહિતના શહેરી વિસ્તારમાં સવારથી સૌ કોઈ સફાઈની કામગીરીમાં પરોવાયા હતા.
....................
વિરાણી પાસે ઝાડ પડ્યું, નાની બન્નીમાં કાચા મકાનોના પતરા ઉડ્યા
નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ગામની આંટી પાસે વૃક્ષ ધરાશાઈ થયું હતું, બેરૂ, મોસુણા અને અંગીયા નજીક વૃક્ષ પડ્યાના અહેવાલ છે. નાની બન્નીના ફુલાય, તલ, લૈયારી ગામે કાચા પાકા મકાનોના પતરા ઉડ્યા હતા. અમુક કાચા મકાનોની દિવાલો પડી ગઈ હતી. અમુક ગામોમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો છે.

Comments