Trending News
સ્થાનિક સમાચાર

ભુજની સમરસ હોસ્ટેલ ખાતે મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ શિબિર યોજાઈ

18 March



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ભુજ સ્થિત કચ્છ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ખાતે ‘કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’  વિષય પર એક વિશેષ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે ૧૭૦ જેટલી કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે એડવોકેટ શિલ્પાબેન ગોરે વિદ્યાર્થીનીઓને પોશ એક્ટની વિવિધ જોગવાઈઓ, જાતીય સતામણીની વ્યાખ્યા અને સાયબર સુરક્ષા બાબતે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે શી ટીમના રમીલાબેન શાહે મહિલા સશક્તિકરણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે મહિલાઓને પુરુષ સમકક્ષ તકો અને સન્માન મળવું એ સમગ્ર સમાજના વિકાસ માટે અનિવાર્ય છે.
શિબિરમાં ૧૮૧ અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલર પૂજાબેને હેલ્પલાઇન અને તેની એપ્લિકેશનના ઉપયોગ વિશે માહિતી આપી હતી, જ્યારે સ્થાનિક ફરિયાદ સમિતિના સભ્ય રેખાબેન દવેએ સામાજિક કુરિવાજો સામે જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ વિદ્યાર્થીનીઓને જીવનમાં સકારાત્મક વિચારો સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરવા અને સમાજ માટે યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી.એચ.ઈ.ડબલ્યુ.  ટીમના જેન્ડર સ્પેશિયાલિસ્ટ પૂજાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં વન સ્ટોપ સેન્ટરના સંચાલક ભાવનાબેન ગરવલિયાએ આભારવિધિ કરી હતી. 
-------- 

Comments

COMMENT / REPLY FROM