નખત્રાણા પંથકમાંથી ગેરકાયદેસર પથ્થર ભરેલું ટ્રેક્ટર ઝડપાયું
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરીનો વધુ એક કિસ્સો ઉજાગર થયો છે. પશ્ચિમ કચ્છ એસીબીના પીએસઆઇ એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી, પોલીસ કોન્સ્ટેબલ અનીલભાઇ ખટાણા અને વિરમભાઇ ગઢવીની ટીમને નખત્રાણા-જાડાય રોડ પર આવેલા ગણેશનગર બસ સ્ટેશન પાસે ખાનગી બાતમી મળી હતી કે, જાડાય રોડ તરફથી એક સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર સફેદ પડધી એટલે કે પથ્થર ભરીને નખત્રાણા શહેર તરફ આવી રહ્યું છે.
આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તપાસ કરતા ત્યાંથી પસાર થઈ રહેલું રજીસ્ટ્રેશન નંબર જીજે ૧૨ એએન ૬૯૩૯ ટ્રેક્ટર અટકાવ્યું હતું. ટ્રેક્ટરના ચાલક ડાયાલાલ રામજીભાઈ વણકર (રહે. વ્યાર, તા. નખત્રાણા) ને અટકાવીને ટ્રોલીમાં ભરેલા પથ્થરો બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસે આ ખનીજ પરિવહન માટે જરૂરી રોયલ્ટી પાસ કે પરમિટ જેવા કાયદેસરના આધાર પુરાવા માંગ્યા હતા, પરંતુ ચાલક પાસે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા નહોતા. આથી પોલીસે ગેરકાયદેસર ખનીજ વહનના આરોપ હેઠળ ખાણ ખનીજ ધારાની કલમ-૩૪ મુજબ ટ્રેક્ટરને ડિટેઈન કરી લીધું હતું. આ સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગને સત્તાવાર અહેવાલ મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
------

Comments