Trending News
સ્થાનિક સમાચાર

લોકસભામાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા ગ્રામીણ ડાક સેવકોના પ્રશ્નો ઉઠાવાયા

18 March


નવી દિલ્હી - કચ્છઉદય : લોકસભામાં બજેટ સત્રની કાર્યવાહી દરમિયાન કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાએ શૂન્યકાળ દરમિયાન ગ્રામીણ ડાક સેવકોના મહત્વપૂર્ણ પ્રશ્નોને વાચા આપી હતી. ઓમ બિરલાની અધ્યક્ષતામાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન તેમણે ટપાલ વિભાગના આ કર્મચારીઓની કાર્યદશા સુધારવા પર ભાર મૂક્યો હતો.
સાંસદે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ ડાક સેવકો દેશના અંતરિયાળ વિસ્તારો સુધી ટપાલ અને અન્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેઓ ટપાલ વિભાગના પાયાના પથ્થર સમાન છે. તેમણે આ કર્મચારીઓ માટે વધુ આર્થિક સુરક્ષા, યોગ્ય વેતન અને સામાજિક સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકારને વિનંતી કરી હતી. તેમણે આગળ જણાવ્યું કે, પોસ્ટલ નેટવર્કને મજબૂત બનાવવા માટે જીડીએસના લાંબા સમયથી બાકી પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે. લોકસભામાં આ મુદ્દો ઉઠતા અન્ય સભ્યો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. દેશભરના લાખો ગ્રામીણ ડાક સેવકો માટે આ રજૂઆત આશાનું કિરણ બની છે. કચ્છના સાંસદ દ્વારા સંસદમાં આ મુદ્દો ઉઠાવાતા કર્મચારીઓમાં ન્યાય મળવાની અપેક્ષા વધેલી જોવા મળી રહી છે. 
-------

Comments

COMMENT / REPLY FROM