ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના અંતર્ગત ખેડૂત શિબિર યોજાઈ
ભુજ - કચ્છઉદય : “ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના” અંતર્ગત એક દિવસીય ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન ભચાઉ ખાતે કરાયું હતું. આ કાર્યક્રમમાં ૧૦૪ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તેમને બદલાતા મેઘદૂત અને દામિની એપ્લિકેશનનો કૃષિમાં ઉપયોગ અને બદલાતા ખેત આબોહવામાનની પાક ઉત્પાદન પર થતી અસર વિશે માહિતી અપાઈ હતી.
ડૉ. નરેન્દ્ર બુંબડીયાએ ફાર્મને લગતી વિસ્તરણ, શિક્ષણ અને સંશોધનની વિસ્તૃત માહિતી આપી હતી તે સાથે બદલાતા ખેત આબોહવામાનની પાક ઉત્પાદન પર અસર કરતા ઘટકો વિષે વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત ખેડૂતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું અને ખેડૂતોના મુખ્ય મુદ્દાઓ જેમકે ક્ષારિય જમીનને સુધારણા અને પિયતના પાણીનો કરકસર રૂપે વપરાસ અંગે માર્ગદર્શન આપેલ હતુુંં. આપણા વિસ્તારમાં થતા પાકોની નવીનતમ જાતો વિષે ચર્ચા કરી તેનું બિયારણ ક્યાંથી લેવું અને યુનિવર્સિટીના નવા સંશોધન માટેની સમજ આપી હતી. આ પ્રસંગે ડૉ. જીગર જોશી, મદદનીશ પ્રાદ્યાપક, કૃષિ મહાવિદ્યાલય ભુજ - ભચાઉ હવામાન આગાહીની પાક આયોજનમાં ઉપયોગીતા સાથે ઓર્ગનિક ખેતીમાં કામ આવતા ઘટકો જેવા જીવામૃત, ઘનજીવામૃત બિયારણને પટ આપવાની સમજ આપી હતી અને કુલદીપ સેવક, ટેક ઓફીસરે મેઘદૂત અને દામિની એપ્લિકેશનનો કૃષિમાં ઉપયોગ કઈ રીતે કરવાનું અને વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા ચાલતા કૃષિ યુનિવર્સિટીઓના સંશોધન અને વિસ્તરણ ગ્રુપમાં જોડાવા માટે ખેડૂતોને સૂચન કર્યું હતું. આ ઉપરાંત અત્રેની કચેરી ખાતે ચાલતી યોજના ગ્રામીણ કૃષિ મૌસમ અંતર્ગત ખેડૂતોને સમયસર અને વૈજ્ઞાનિક આધારિત માર્ગદર્શન મળે તે હેતુથી ગામ અને તાલુકા સ્તરે વોટ્સએપ ગ્રુપોની રચના કરવામાં આવી હતી. આ ગ્રુપોમાં હવામાન આધારિત કૃષિ સલાહો નિયમિત રીતે દર અઠવાડિયે બે વખત મોકલવામાં આવે છે, જેથી ખેડૂતો પાક વ્યવસ્થાપન માટે યોગ્ય અને સમયોચિત નિર્ણયો લઈ શકે જે અંગે સવિસ્તાર જાણકારી આપી અને નવા ખેડૂતોને આ કૃષિ સલાહનો લાભ મળે તે અર્થે આ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. તેમના નિરાકરણ અને ઉકેલોની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી અને ખેડૂતને સંતોષકારક જવાબો પ્રાપ્ત થયા હતા. ત્યારબાદ જે. કે. ડાભીએ ઉપસ્થિત અધિકારીઓ અને ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો.
-----

Comments