મુન્દ્રાના ટુંડા સ્થિત ટાટા પાવરના ગેટ પાસે શ્રમિકોનો ભારે હોબાળો
ડ્યુટીના કલાકો અને કેન્ટીન સુવિધા મુદ્દે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનથી અફરાતફરી
મુન્દ્રા - કચ્છઉદય : મુન્દ્રા તાલુકાના ટૂંડા પાસે કાર્યરત ટાટા પાવર કંપનીના પ્રવેશદ્વાર પાસે આજે શ્રમિકો દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓ અને અસુવિધાઓ મામલે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કંપનીમાં ફરજ બજાવતા શ્રમિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને કંપની વહીવટી તંત્રની નીતિઓ સામે ભારે સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન પાછળ મુખ્યત્વે કામના કલાકો અને કેન્ટીનમાં મળતા જમવાની નબળી ગુણવત્તા જવાબદાર હોવાનું મજૂરોએ જણાવ્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ ન આવતા અંતે મજૂરોએ એકસંપ થઈને લડત આપવાનો નિર્ધાર કર્યો હતો.આ આંદોલન દરમિયાન પરિસ્થિતિ ત્યારે વધુ વણસી હતી જ્યારે વેસ્ટ બળતણ બહાર લઈ જવાના મામલે શ્રમિકો અને કંપનીના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ વિવાદને પગલે ગેટ પાસે તંગદિલી વ્યાપી ગઈ હતી અને કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. મજૂરોનો આક્ષેપ છે કે તેમની પાયાની જરૂરિયાતો પ્રત્યે તંત્ર ઉદાસીન વલણ દાખવી રહ્યું છે. શ્રમિકોએ આજે સવારે મજૂરોને આઠ કલાક કામ કરાવવાની નવી માંગ મૂકી હતી. હાલમાં શ્રમિકો પોતાની માંગણીઓ પર મક્કમ છે અને યોગ્ય સમાધાન ન આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

Comments