મુંદરા પોર્ટ પર એલપીજી સ્ટોરેજને મિસાઈલ હુમલાથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ
એટીએસ સહિતની ટુકડીઓના બંદર પર પડાવ
હોર્મુઝ ખાડીથી એલપીજી ભરેલા જહાજોના મુન્દ્રા પોર્ટ પર આગમન વચ્ચે જહાજ અને સ્ટોરેજ ટર્મિનલને નિશાન બનાવવાની ધમકી બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, કોસ્ટગાર્ડ, પોર્ટ સિક્યુરિટી, મુન્દ્રા પોલીસ સહિતના ઘટના સ્થળે
મુંદરા પોર્ટ તરફથી જાણ થતા ત્વરિત જ બોમ્બ ડોગ સ્કવોર્ડ સહિતની ટુકડીઓ મોકલી આપી છે, થ્રેટ ઈમેઈલ આવ્યો હોવાનુ બંદર પ્રશાસન તરફથી જણાવાયું છે, ઈમેઈલ બાબતે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામા આવી છે : શ્રી વિકાસ સુંડા(પશ્ચીમ કચ્છ એસપીશ્રી) : મિસાઈલ એેટેકની વાત અફવારૂપ જ લાગે છે, ઉપરાંત પણ સુરક્ષાના ભાગરૂપે સબંધિત એજન્સીઓને જાણ કરી અને ચોકકસાઈના ભાગરૂપે તપાસ કરવામાં આવી રહી છે : મુદરા અદાણી પોર્ટ પ્રશાસન
ગાંધીધામ - કચ્છ ઉદય : વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર હવે કચ્છના દરિયાકાંઠે અનુભવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સંઘર્ષના કારણે ભારતમાં એલપીજી ગેસના
પુરવઠામાં સર્જાયેલી ખેંચ વચ્ચે મુન્દ્રા પોર્ટ પર ગેસ ભરેલા જહાજોનું આગમન શરૂ થયું છે, પરંતુ આ હિલચાલ વચ્ચે જ મુંદ્રા પોર્ટ અને તેમાં રહેલા એલપીજી સ્ટોરેજ ટર્મિનલને મિસાઈલથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે ઈ-મેઈલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી, જેને પગલે મહાબંદર પર સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે.ઘટનાની વિગતો મુજબ, હોર્મુઝ ખાડીમાંથી એલપીજી ભરેલા કન્ટેનર જહાજો ભારત તરફ રવાના થયા હતા, જેમાં બે દિવસ
પૂર્વે ‘શિવાલિક’ અને આજે ‘જગ લાડકી’ નામનું જહાજ મુંદ્રા પોર્ટ પર લાંગર્યું છે. આ દરમિયાન જ અજાણ્યા શખ્સો દ્વારા મુંદ્રા પોર્ટના એલપીજી
પુરવઠાને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે તુરંત જ મુંદ્રા પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ શક્તિસિંહ રાણા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ધમકીની ગંભીરતાને જોતા ભુજથી બોમ્બ
ડિસ્પોઝલ સ્ક્વોડને પણ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. હાલ પોર્ટ સિક્યુરિટી અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજીતરફ આ મામલે પશ્ચીમ કચ્છ એસપીશ્રી વિકાસ સુંડાની સાથે ટેલીફોનીક વાતચીત કરવામા આવતા તેઓએ ક્હયુ હતુ કે, મુંદરા પોર્ટ પ્રશાસન તરફથીધમકી ભર્યા ઈમેલ મળ્યા સંદર્ભેની જાણ કરાઈ હતી અને તે બાદ ત્વરિત ધોરણે જ બીડીએસની ટુકડી પોર્ટ પર રવાના કરી દેવામા આવી છે. જે ઈમેઈલની માહીતીઓને ધ્યાને રાખી અને સુરક્ષા વ્યવસ્થાઓને લઈને તમામ ચકાસણીઓ હાથ ધરી રહી છે. પ્રાથમિક તબક્કે કંઈ જ શંકાસ્પદ વસ્તુઓ મળવા પામી નથી. ઉપરાંત પણ પોલીસતંત્ર સુરક્ષા અને સલામતી વ્વયસ્થાને સજજડ રાખવા માટે તમામ મોરચે સજજ હોવાની વાત શ્રી સુંડાએ કરી હતી. તો વળી બીજીતરફ મુંદરા પોર્ટ પ્રશાસનના સુત્રો દ્વારા કહેવાયુ હતુ કે, આ વાત માત્ર એક અફવારૂપ જ જણાય છે ઉપરાંત પણ સલામતી વ્યવસ્થામાં કોઈ ચુક ન રહે અને વધુ મજબુત બને તે માટે તપાસ કરવામાં આવી
રહી છે.
..............
કચ્છમાં બોમ્બની ધમકીનો ચાલુ માસે ચોથો બનાવ..!
ગાંધીધામ : કચ્છમાં ચાલુ માસ દરમિયાન ધમકી મળવાનો આ ચોથો બનાવ છે, જે જિલ્લાની આંતરિક સુરક્ષા માટે ચિંતાનો વિષય બન્યો છે. આ અગાઉ ભુજની પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ સેવા કેન્દ્ર અને ભુજ કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. આ બાબતે મુંદ્રા પીઆઈ એસ.એમ. રાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે હાલ પોર્ટ પર સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે.

Comments