Trending News
સ્થાનિક સમાચાર

ગુજરાતમાં પ્રથમવાર: કચ્છ યુનિવર્સિટી ખાતે ભૂસ્તરશાસ્ત્ર, સિવિલ, આર્કિટેક્ચર અને માઇનિંગ એન્જિનિયરિંગ પર બે દિવસીય રાજ્ય કક્ષાની કોન્ફરન્સ અને ફિલ્ડ વર્કશોપનું આયોજન 

17 March


ભુજ:ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગ, સરકારી ઇજનેરી કોલેજ (ભુજ) અને સરકારી પોલિટેકનિક (ભુજ) ના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૮ અને ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ બે દિવસીય રાજ્ય કક્ષાની કોન્ફરન્સ અને ફિલ્ડ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય વિષય "ગુજરાતની ભૌગોલિક, ખનિજ, સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરલ સમૃદ્ધિ: સંસાધનો, જોખમો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકસિત ભારત @૨૦૪૭ માટે ટકાઉ વિકાસ તરફ સંશોધનની તકો" રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG), શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત છે.આ કોન્ફરન્સ ગુજરાત રાજ્યમાં પોતાના પ્રકારની સૌપ્રથમ એવી ઇવેન્ટ છે, જ્યાં ભૂસ્તરશાસ્ત્રીઓ, સિવિલ એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ, માઇનિંગ એન્જિનિયરો, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, સંશોધકો, સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ એક જ સમાન પ્લેટફોર્મ પર એકત્રિત થશે. આ બે દિવસીય મેગા ઇવેન્ટમાં 350 થી વધુ શિક્ષણવિદો, સંશોધકો, ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓ ભાગ લેવાના છે.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન (Chief Guest) તરીકે શ્રી એન. કે. ઓઝા ઉપસ્થિત રહેશે, જેઓ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન ઇનિશિયેટિવ પર પોતાનું વક્તવ્ય આપશે. વિશેષ અતિથિ (Special Guest) તરીકે શ્રી કિરણ વાઘેલા હાજરી આપશે, જેઓ ગુજરાતના પ્રાચીનથી અર્વાચીન આર્કિટેક્ચરલ માર્વેલ્સ પર પ્રકાશ પાડશે. આ ઉપરાંત, GMRICS-GMDC ના શ્રી યુ. પી. શર્મા અતિથિ વિશેષ (Guest of Honor) તરીકે ઉપસ્થિત રહીને "ખનિજ સંશોધનમાં મલ્ટિડિસિપ્લિનરી અભિગમ" (Multidisciplinary approach in mineral exploration) વિષય પર અગત્યનું વક્તવ્ય આપશે.કોન્ફરન્સ દરમિયાન ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા વિવિધ સંશોધનાત્મક પોસ્ટર અને 2D/3D મોડેલ્સનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે. આ સાથે જ, કોન્ફરન્સ સ્થળ પર GMDC અને શિવમ મિનરલ્સ સહિતના વિવિધ ઉદ્યોગો દ્વારા તેમના સ્ટોલનું પ્રદર્શન પણ કરવામાં આવશે. યુવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને આયોજક વિભાગને આર્થિક સહાય પૂરી પાડવા માટે શિવમ મિનરલ્સ દ્વારા ઉદારતાપૂર્વક આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે.કાર્યક્રમની રૂપરેખા મુજબ, પ્રથમ દિવસે (૧૮ માર્ચ) કચ્છ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉદ્ઘાટન સત્ર, વિવિધ નિષ્ણાતોના વક્તવ્યો, પોસ્ટર/મોડેલ પ્રેઝન્ટેશન સત્ર, પેનલ ડિસ્કશન અને વેલેડિક્ટરી ફંક્શન યોજાશે. જ્યારે બીજા દિવસે (૧૯ માર્ચ) સહભાગીઓ માટે ફિલ્ડ વર્કશોપનું આયોજન કરાયું છે, જેમાં પદ્ધર ખાતે આવેલ ચાઇના ક્લે માઇન, ભુજનું સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ, જી. કે. જનરલ હોસ્પિટલ (ભૂકંપ-પ્રતિરોધક ડિઝાઇન), ભૂસ્તરશાસ્ત્રીય મ્યુઝિયમ અને યુનિવર્સિટીના નવનિર્મિત ગ્રીન બિલ્ડીંગ (ઓડિટોરિયમ) ની વ્યવહારુ મુલાકાત લેવામાં આવશે.આ ઐતિહાસિક અને બહુ-વિષયક કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી કોર્ડીનેટર ડૉ. ગૌરવ ચૌહાણ દ્વારા આપવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM