પ્લેટફોર્મ અપગ્રેડેશનની કામગીરીને પગલે ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેન ૬૦ દિવસ માટે આંશિક રદ્દ
ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ તટ રેલવેના ખુર્દા રોડ મંડળ હેઠળ આવતા પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ અપગ્રેડેશનનું મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસલક્ષી કામગીરી માટે રેલવે તંત્ર દ્વારા ૬૦ દિવસનો લાંબો બ્લોક લેવામાં આવ્યો હોવાથી ગાંધીધામથી ઉપડતી અને પુરી પહોંચતી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનોની સેવાઓ પર તેની સીધી અસર પડશે. રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ બ્લોકને કારણે નિર્ધારિત સમયગાળા દરમિયાન ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનો તેના મૂળ ગંતવ્ય સ્થાન સુધી દોડવાને બદલે નિર્ધારિત સ્ટેશનથી શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે.આ ફેરફારોની વિગતવાર માહિતી આપતા રેલવે તંત્રએ જણાવ્યું છે કે ટ્રેન નંબર ૧૨૯૯૩ ગાંધીધામ-પુરી એક્સપ્રેસ આગામી ૨૦ અને ૨૭ માર્ચ, ૩, ૧૦, ૧૭ અને ૨૪ એપ્રિલ તેમજ ૧ અને ૮ મે ૨૦૨૬ના રોજ સાક્ષીગોપાલ સ્ટેશનના બદલે માલતીપાટપુર સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ થશે. પરતમાં ટ્રેન નંબર ૧૨૯૯૪ પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ૨૩ અને ૩૦ માર્ચ, ૬, ૧૩, ૨૦ અને ૨૭ એપ્રિલ તેમજ ૪ અને ૧૧ મે ૨૦૨૬ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થઈને ઉપડશે.એ જ રીતે અન્ય સાપ્તાહિક સેવા ટ્રેન નંબર ૨૨૯૭૩ ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ૧૮ અને ૨૫ માર્ચ, ૧, ૮, ૧૫, ૨૨ અને ૨૯ એપ્રિલ તેમજ ૬ અને ૧૩ મે ૨૦૨૬ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશન સુધી જ દોડશે અને ત્યાં તેની મુસાફરી પૂર્ણ કરશે. જ્યારે ટ્રેન નંબર ૨૨૯૭૪ પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ૨૧ અને ૨૮ માર્ચ, ૪, ૧૧, ૧૮ અને ૨૫ એપ્રિલ તેમજ ૨, ૯ અને ૧૬ મે ૨૦૨૬ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશનથી પોતાની મુસાફરીનો પ્રારંભ કરશે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે જેથી અંતિમ સમયે કોઈ મુશ્કેલી ન સર્જાય. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વધુ અને વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવા જણાવાયું છે.

Comments