આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને આવતીકાલે ભાજપા ના પ્રદેશ પદાધિકારીઓની મહત્વની બેઠક યોજાશે
રાજયની ભાજપા સરકારની કામગીરી અને ચૂંટાયેલા પ્રતિનિધીઓના રિપોર્ટ કાર્ડના આધારે ભાજપા નાગરિકોની વચ્ચે જશે:ડૉ. અનિલભાઈ પટેલ
ભાજપાની સેવાકીય કામગીરીના આધારે ફરી એક વખત ગુજરાતમાં ગત ચૂંટણીઓ કરતા પણ વધુ સારા પરિણામ સાથે રાજ્યભરમાં ભાજપા મજબૂત જનસમર્થન મેળવશે: ડૉ. અનિલભાઈ પટેલ
ગાંધીનગર:આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તૈયારીઓ માટે આવતીકાલે ૧૮ મી એ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ પદાધિકારીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓ, પ્રદેશ ચુંટણી સંચાલન સમિતિના સભ્યશ્રીઓ, જિલ્લા તથા મહાનગરના પ્રભારીઓ, પ્રમુખઓ અને ચુંટણી સમિતિના સભ્યશ્રીઓની ઉપસ્થિતિમા મહત્વની બેઠક યોજાશે પ્રદેશ ભાજપ પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું છે કે, આવનાર સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓમાં સુચારુ સંચાલન માટે ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ અને પરંપરા પ્રમાણે પ્રદેશ સ્તરે કુલ આઠ સભ્યોની અને જિલ્લા-મહાનગરોમાં ચાર સભ્યોની ચૂંટણી સંચાલન સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. પ્રવાસ, ગ્રુપ મીટિંગ, જાહેરસભાઓ, પ્રબૃદ્ધ નાગરિક, સામાજીક, મહિલા, યુવા, કિસાન સહિતના સંમેલનો દ્વારા ભાજપા હરહમેંશ રાજ્યના મતદારોનો સંપર્ક કરે છે. ભાજપા 365 દિવસ કામ કરવા ટેવાયેલ છે. ડૉ. અનિલભાઈ પટેલે વધુમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના નેતૃત્વની રાજયની ભાજપા સરકારની કામગીરી અને ચૂંટાયેલા પ્રતિનિધીઓના રિપોર્ટ કાર્ડના આધારે ભાજપા નાગરિકોની વચ્ચે જશે. માનવી છે ત્યા વ્યવસ્થા ઉભી કરવી અને હર ઘર સુઘી સેવા પહોંચાડવી એ ભાજપાનો મંત્ર છે. ગત ચૂંટણીમાં રાજ્યની જનતાએ અંદાજિત 95% સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપાને સેવા કરવાનો અવસર આપ્યો હતો. ભાજપા પાસે નેતા, નિયત અને નેતૃત્વ છે. કોંગ્રેસ નક્કર આયોજનના અભાવે અને કોઇ નક્કર મુદ્દા ન હોવાથી રાંધણ ગેસના બાટલા સહિત અન્ય બાબતોમાં જુદા જુદા પ્રકારની નૌટંકી કરી રહી છે પરંતુ ગુજરાતનું જનમાનસ ક્યારેય કોંગ્રેસ અને વિપક્ષમાં વિશ્વાસ દાખવતું નથી. અમને સંપુર્ણ વિશ્વાસ છે કે, ભાજપાની સેવાકીય કામગીરીના આધારે ફરી એક વખત ગુજરાતમાં ગત ચૂંટણીઓ કરતા પણ વધુ સારા પરિણામ સાથે રાજ્યભરમાં ભાજપા મજબૂત જનસમર્થન મેળવશે.

Comments