Trending News
સ્થાનિક સમાચાર

ભુજ બોર્ડર રેન્જના વિભાજન માટે જાહેરનામું બહાર પાડવાની ગતિવિધિને આખરી ઓપ અપાયો

17 March

બોર્ડર રેન્જમાંથી નવી બનાસકાંઠા રેન્જ અને રાજકોટ રેન્જમાંથી મોરબીને અલગ કરી ભુજમાં સમાવવા નક્શા સહિતની વિગતો મંગાવાઈ : હદ્દ સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ સત્તાવાર ધોરણે ગૃહવિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પડાશે 

ભુજ - કચ્છ ઉદય : ગુજરાત રાજ્યના પોલીસ તંત્રના કાર્યક્ષમ વહીવટ અને આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી બોર્ડર રેન્જના વિભાજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્યંત વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતી બોર્ડર રેન્જ આશરે ૫૫૦ કિલોમીટર જેટલી લંબાઈમાં ફેલાયેલી હોવાથી વહીવટી સરળતા માટે તેનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જ બનાવાશે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે કચ્છ અને બનાસકાંઠા સરહદી વિસ્તાર પર પોલીસ દેખરેખ વધુ સઘન બનશે.
આ વહીવટી ફેરફારમાં સૌથી નોંધપાત્ર બાબત મોરબી જિલ્લાનું જોડાણ છે. અત્યાર સુધી રાજકોટ રેન્જ હેઠળ આવતા મોરબી જિલ્લાને હવે ત્યાંથી અલગ કરીને બોર્ડર રેન્જ ભુજના કાર્યક્ષેત્રમાં સામેલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે રાજકોટ રેન્જના હદ વિસ્તારમાં પણ મોટો ફેરફાર થશે. મોરબીના અલગ થયા બાદ હવે રાજકોટ રેન્જમાં રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થશે. આ નવીન હદ વિસ્તાર નક્કી કરવા માટેના જાહેરનામાનો મુસદ્દો તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે. નવી અસ્તિત્વમાં આવનારી બનાસકાંઠા રેન્જનું મુખ્ય મથક પાલનપુર રહેશે, જેમાં બનાસકાંઠા સહિત વાવ-થરાદ અને પાટણ ત્રણ પોલીસ જિલ્લાનો સમાવેશ થશે. જ્યારે હયાત બોર્ડર રેન્જનું મુખ્ય મથક ભુજ રહેશે, જેમાં કચ્છ પશ્ચિમ, કચ્છ પૂર્વ અને નવા ઉમેરાયેલા મોરબી જિલ્લાનો સમાવેશ થશે. પોલીસ મહાનિરીક્ષક દ્વારા આ અંગેના નકશાઓ અને અંગ્રેજી તેમજ ગુજરાતીમાં ડ્રાફ્ટ નોટિફિકેશન તૈયાર કરીને ગૃહ વિભાગને મોકલી આપવા માટેની તજવીજ તેજ કરી દેવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જેમાં ભુજ બોર્ડર રેન્જમાં પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને મોરબી તેમજ બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા, પાટણ અને વાવ - થરાદ જ્યારે રાજકોટ રેન્જમાં રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થશે. બનાસકાંઠામાં રેન્જ આઈજી તરીકે પૂર્વ કચ્છ એસપી તરીકે ફરજ બજાવી ગયેલા પરીક્ષીતા રાઠોડની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. 

Comments

COMMENT / REPLY FROM