ગાંધીધામના વિકાસકામોમાં બાંધછોડ નહીં : કમિશ્નરશ્રી રોડ-રસ્તા મુદ્દે એકશન મોડમાં
ખાટલે મોટી ખોટ : ગાંધીધામ મનપાના વર્તમાન કમિશ્રનર કાર્યદક્ષ છે, કડક અધિકારી છે, કોઈ પણ પ્રકારના કામોમાં લાલીયાવાડી ચલાવતા નથી, ખુદ નીરિક્ષણ માટે સદાય ગ્રાઉન્ડ સ્તરે ઉતરી પડે છે, તે આવકારદાય છે, પરંતુ રોડ-રસ્તામાં કે અન્ય કોઈ વિકાસકામોમાં જયા લાલીયાવાડી દેખાતી હોય તેવા એકાદ ઠેકેદારની સામે બ્લેકલીસ્ટ કરવા જેવી કડક લાલઆંખ કરે તે વધુ હિતાવહ
કમિશનર મનીષ ગુરવાણીની આકસ્મિક સાઇટ વિઝિટ
ગાંધીધામ - કચ્છ ઉદય :શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તેવા મક્કમ નિર્ધાર સાથે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાની દ્વારા આજે તા. ૧૭/૦૩/૨૦૨૬ના રોજ વિવિધ સાઇટ્સની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. કમિશનરશ્રીએ આદિપુર વિસ્તારમાં લુણંગદેવ રોડ અને વેજીટેબલ માર્કેટના ચાલી રહેલા કામોનું ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ, સંજય રામાનુજ તેમજ સંબંધિત ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની ઉપસ્થિતિમાં ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.સ્થળ મુલાકાત દરમિયાન કમિશનર મનીષ ગુરવાનીએ સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે ગાંધીધામના વિકાસ કામોમાં જરા સહેજ પણ ઢીલાશ કે નબળી ગુણવત્તા ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે રોડ-રસ્તાના કામમાં વપરાતા મટીરિયલ અને ટેકનિકલ માપદંડોની ચકાસણી કરી ઇજનેર વિભાગને આદેશ આપ્યો હતો કે તમામ કામો નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂર્ણ થવા જોઈએ. આ સાથે જ તેમણે ઇજનેરોને ઓફિસ કામગીરીની સાથે નિયમિત રીતે ફિલ્ડ વિઝિટ કરી પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને સ્થળ પર ચકાસણી કરવાના દિશાનિર્દેશો જારી કર્યા હતા, જેથી પ્રજાના નાણાંનો સદુપયોગ થાય અને શહેરીજનોને લાંબા સમય સુધી ટકાઉ સુવિધાઓ મળી રહે.

Comments