બહેન સાથેના આડા સંબંધની શંકાએ યુવકની હત્યાના કેસમાં બે સગા ભાઈઓને આજીવન કેદ
બંને આરોપીઓને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુક
ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના મોટા ખાવડા ગામે વર્ષ ૨૦૨૩માં બનેલી ચકચારી હત્યાના કેસમાં ભુજની સેશન્સ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત મુજબ મરણ જનાર સોયબ ઓસ્માણ સમાએ તેના દાદાનો ગુમ થયેલો મોબાઈલ ફોન શોધવા માટે ૨૪ મે ૨૦૨૩ના રોજ એક નંબર પર રીંગ કરી હતી. આ ફોન આરોપીઓ અસ્લમ અભેરાજ સમા અને અલ્તાફ અભેરાજ સમાની બહેન પાસે હોવાનું સામે આવ્યું હતું. સોયબના ફોન આવતા બંને ભાઈઓને તેમની બહેન સાથે સોયબના આડા સંબંધ હોવાની શંકા ગઈ હતી. આ બાબતની અદાવત રાખીને બંને આરોપીઓએ સોયબના ઘરે જઈ તેને ગાળો આપી હતી અને આરોપી અસ્લમ સમાએ સોયબને પકડી રાખ્યો હતો, જ્યારે અલ્તાફ સમાએ છરીના ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી.
આ ગંભીર ગુના અંગે ખાવડા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર ડી.બી. વાઘેલા દ્વારા આઈપીસી કલમ ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. કેસની સુનાવણી ભુજની સાતમી અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એન.પી.રાડિયા સમક્ષ ચાલી હતી. પ્રોસીક્યુશન તરફે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ હાજર રહી ૨૫ સાક્ષીઓની તપાસ કરી હતી અને ૪૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. અદાલતે તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી બંને આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા. નામદાર કોર્ટે ૧૦૪ પાનાનો વિગતવાર ચુકાદો આપી બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત બંને આરોપીઓને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
-------

Comments