કચ્છ જિલ્લા આરોગ્ય તંત્રના ભ્રષ્ટ અને અન્યાયી વહીવટ સામે કર્મચારીઓનો પ્રચંડ આક્રોશ
ભુજ - કચ્છઉદય : કચ્છ જેવા સંવેદનશીલ અને ભૌગોલિક રીતે વિશાળ સરહદી જિલ્લામાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી અને વહીવટી અંધાધૂંધી સામે આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, મંત્રીઓ અને સાંસદને વિશ્વાસમાં લીધા વગર તેમજ પાયાની ભૌગોલિક સ્થિતિ જોયા વગર ૫૦૦થી વધુ કર્મચારીઓની સામુહિક બદલીઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કેડર સાથે ઘોર અન્યાય અને રાજકીય કિન્નાખોરી રાખીને નિયમોનું ઉલ્લંઘન કરીને તેમને ઘરથી સેંકડો કિલોમીટર દૂર પછાત વિસ્તારોમાં ધકેલી દેવાયા છે. સરકારના ૨૦૦૫ના પરિપત્ર મુજબ મેડિકલ કેસ, દિવ્યાંગતા, સિંગલ મધર કે નિવૃત્તિની નજીક હોય તેવા કર્મચારીઓને રક્ષણ આપવાને બદલે લાગવગશાહી ચલાવીને જુનિયર કર્મચારીઓને મનગમતી જગ્યાઓ આપી દેવામાં આવી છે.
વધુમાં આ અન્યાયી બદલીઓના કારણે અનેક પરિવારો આર્થિક, માનસિક અને શારીરિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. ગંભીર બાબત એ છે કે છેલ્લા ત્રણ મહિનાથી નેશનલ હેલ્થ મિશન અને આશા બહેનોના પગાર થયા નથી. પવિત્ર રમઝાન માસ અને ઈદના તહેવાર હોવા છતાં કર્મચારીઓ પાસે ઘર ચલાવવાના કે લોનના હપ્તા ભરવાના નાણાં નથી. જિલ્લા આરોગ્ય અધિકારી દર વખતે ‘બે દિવસમાં પગાર થઈ જશે’ તેવા ઠાલા આશ્વાસનો આપી રહ્યા છે જ્યારે આધાર ભૂત સૂત્રો જણાવે છે કે રાજ્ય સ્તરે મંજૂરી લેવાની હોવાથી હજુ ૧૫ દિવસ સુધી પગાર થવાની કોઈ શક્યતા દેખાતી નથી એવું જાણવા મળે છે.
તંત્ર દ્વારા જાણી જોઈને આ મામલાને આચારસંહિતા લાગુ પડે ત્યાં સુધી ખેંચવામાં આવી રહ્યો છે જેથી સત્તા પક્ષની છબી ખરડાય અને કર્મચારીઓમાં અસંતોષ ઊભો થાય. આરોગ્ય અધિકારીનું આવું વલણ વિરોધ પક્ષની ભૂમિકા ભજવતું હોય તેવું સ્પષ્ટ જણાય છે. જો આગામી ૭ દિવસમાં આ તમામ પડતર પ્રશ્નો, સી.પી.એફ. ખાતા, બઢતી, ઉચ્ચતર પગાર જેવા વહીવટી કામો અને ખોટી બદલીઓનું નિરાકરણ નહીં આવે તો ૫૦૦થી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારો ચૂંટણીમાં સત્તા પક્ષ વિરુદ્ધ મતદાન કરી પોતાનો રોષ પ્રગટ કરશે તેવી ચીમકી ‘ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ’ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
--------

Comments