Trending News
સ્થાનિક સમાચાર

આડેસર ચેકપોસ્ટ પર ચોખાના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : ૧.૧૧ કરોડનો મુદ્દામાલ જપ્ત

16 March





પૂર્વ કચ્છ પોલીસે હરિયાણા પાસિંગની ટ્રકમાંથી ૧૨૩૧૨ બોટલ દારૂ શોધી કાઢ્યો : બે શખ્સોની ધરપકડ અને આઠ વિરૂદ્ધ ગુનો દાખલ

ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચનાના અમલીકરણ રૂપે આડેસર પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. સેંગલ અને તેમની ટીમ જ્યારે આડેસર ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે હરિયાણા પાસિંગની એક ટાટા કંપનીની ટ્રકને અટકાવવામાં આવી હતી. આ ટ્રકની તપાસ દરમિયાન ઉપરના ભાગે ચોખાના કટ્ટા ગોઠવેલા હતા, જેની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે ટ્રકમાંથી રોયલ સ્ટેગ અને સુપર જુબેલી બ્રાન્ડની નાની-મોટી કુલ ૧૨૩૧૨ બોટલો જપ્ત કરી છે, જેની કિંમત ૭૯,૨૯,૦૦૦ થાય છે. આ ઉપરાંત પોલીસે ૨.૫૦ લાખની કિંમતની ટ્રક, ૬.૭૬ લાખની કિંમતના ૬૨૨ નંગ ચોખાના કટ્ટા, એન્ડ્રોઇડ મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ ૧,૧૧,૧૪,૩૩૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે ઘટનાસ્થળેથી હરિયાણાના ચરખીદાદરી જિલ્લાના સાનીલા ગામના વતની નુરાદીન મગતુ અને શ્રી ભગવાન ઉડેસિંહ નામના બે શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાના અલગ-અલગ શખ્સો દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તેને કચ્છના ભુજ, કેરા, આદિપુર જેવા વિસ્તારોમાં મંગાવવામાં આવ્યો હતો. દારૂ મોકલનાર અને મંગાવનાર તરીકે ઓળખાયેલા યોગેશ સત્યવીરસિંહ, રવિ, વિકાંત ઈશ્વરસિંહ (ટ્રક માલિક), નવઘણ રાજગોર, અનોપસિંહ રાઠોડ, દેવો કાપડી અને ગોપાલસિંહ વાઘેલા સહિતના આઠ શખ્સો હાલ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે આડેસર પોલીસે પ્રોહિબિશન એક્ટ અને બી.એન.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અણદાભાઈ, ગાંડાભાઈ, ભરતજી તેમજ કોન્સ્ટેબલ રાજભાઈ, મહેન્દ્રસિંહ અને અન્ય સ્ટાફ જોડાયો હતો.
--------- 

Comments

COMMENT / REPLY FROM