કચ્છના બેંટોનાઈટ ઉદ્યોગને મોટી રાહત : ઓનલાઇન સિસ્ટમમાં પડતી મુશ્કેલીઓનો અંત
ડીસી ટુ ડીસી ઓટો એપ્રુવલ સિસ્ટમ અમલમાં આવતા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર : એસોસિએશનના લાંબા સમયના પ્રયત્નોને મળી સફળતા
ભુજ - કચ્છઉદય : કચ્છના બેંટોનાઈટ ઉદ્યોગ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી દ્વારા ખનીજ બેંટોનાઈટમાં લાંબા સમયથી પડતી ટેકનિકલ મુશ્કેલીઓને ધ્યાને લઈ હવે ડીસી ટુ ડીસી ઓટો એપ્રુવલ સિસ્ટમ અમલમાં મુકવાની માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને તેની વિધિવત અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય પાછળ ઓલ કચ્છ બેંટોનાઈટ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલી રજૂઆતો અને સતત પ્રયત્નો મુખ્ય કારણ બન્યા છે. એસોસિએશને ઉદ્યોગને પડતી વાસ્તવિક મુશ્કેલીઓ અને તેના કારણે થતા આર્થિક નુકસાનની વિગતો વિભાગ સમક્ષ રજૂ કરી આ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે વિગતવાર રજૂઆત કરી હતી.અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ જ્યારે લીઝ ધારક પાસેથી રોયલ્ટી પાસ દ્વારા બેંટોનાઈટનો જથ્થો સ્ટોક યાર્ડમાં આવતો હતો, ત્યારે ઓનલાઇન સિસ્ટમમાં પહોંચ સ્વીકારવાની પ્રક્રિયા થતાં જ જથ્થો આપોઆપ સ્ટોકિસ્ટના ખાતામાં જમા થઈ જતો હતો. પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થતી હતી જ્યારે એક સ્ટોકિસ્ટ પાસેથી બીજા સ્ટોકિસ્ટને ડિલિવરી ચલણ દ્વારા માલ મોકલવામાં આવતો હતો, કારણ કે તે સમયે ઓનલાઇન સ્ટોક આપોઆપ જમા થતો નહોતો. આ ખામીને કારણે ઉદ્યોગકારોને દરેક કિસ્સામાં જિલ્લા કચેરી ખાતે જઈને મેન્યુઅલ મંજૂરી લેવાની ફરજ પડતી હતી. આ પ્રક્રિયા અત્યંત સમય માંગી લેતી હતી અને તેમાં થતા વિલંબના કારણે ઉદ્યોગકારોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવતો હતો.
પરિસ્થિતિ એવી સર્જાતી હતી કે ભૌતિક રીતે માલ યાર્ડમાં હાજર હોવા છતાં માત્ર ઓનલાઇન મંજૂરીના અભાવે માલનો આગળ નિકાલ કે ડિસ્પેચ શક્ય બનતો નહોતો, જેના કારણે સમગ્ર વેપારિક પ્રવાહ અટકી જતો હતો. સત્તાવાર માહિતી અનુસાર, એપ્રિલ ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ ના ગાળા દરમિયાન અંદાજે ૩,૨૫,૮૪૩ ટન જેટલો બેંટોનાઈટનો જથ્થો માત્ર મંજૂરીના અભાવે સરકારી ઓનલાઇન સિસ્ટમમાં અટવાયેલો રહ્યો હતો, જેનાથી ઉદ્યોગકારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ઓલ કચ્છ બેંટોનાઈટ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જેવી રીતે લીઝ ધારક પાસેથી આવતો સ્ટોક ઓનલાઇન તરત જમા થાય છે, તેવી જ રીતે સ્ટોકિસ્ટો વચ્ચે થતા ડીસી ટ્રાન્સફરમાં પણ ઓટો એપ્રુવલ સિસ્ટમ લાગુ કરવામાં આવે. વિભાગ દ્વારા આ તાર્કિક માંગણીનો સ્વીકાર કરીને હવે ડીસી ટુ ડીસી ઓટો એપ્રુવલ સિસ્ટમ અમલી બનાવી છે, જેથી હવે સ્ટોકિસ્ટો વચ્ચેના ટ્રાન્સફરમાં ઓનલાઇન જથ્થો ત્વરિત અપડેટ થશે અને મેન્યુઅલ મંજૂરી લેવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.
આ ઐતિહાસિક નિર્ણય બદલ ઉદ્યોગકારોએ ભૂસ્તર વિજ્ઞાન કમિશનર ધવલ પટેલ (ગાંધીનગર) નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમણે ઉદ્યોગની જટિલ સમસ્યાને ગંભીરતાથી સમજીને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આ સાથે જ ભુજ-કચ્છની ખાણ ખનીજ કચેરીના જિલ્લા ખનિજ અધિકારી દેવેન્દ્ર બારિયા સાહેબ તેમજ ભુજ ફ્લાઈંગ સ્ક્વોડના મેહુલ શાહ દ્વારા આપવામાં આવેલા સહયોગ બદલ પણ ઉદ્યોગકારોએ કૃતજ્ઞતા જાહેર કરી છે. વેપારીઓના મતે આ નિર્ણય કચ્છના બેંટોનાઈટ ઉદ્યોગ માટે સંજીવની સમાન સાબિત થશે અને તમામ ઉદ્યોગકારો ઓલ કચ્છ બેંટોનાઈટ મેન્યુફેક્ચરર એસોસિએશનની આ સફળ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

Comments