Trending News
સ્થાનિક સમાચાર

નધણિયાતી નખત્રાણાના ન.પા. સામે પ્રાંતશ્રીની લાલઆંખ

16 March



પ્રાંતશ્રીએ સંકલન બેઠકમાં ભ્રષ્ટાચાર અને નિષ્ક્રિયતા મુદ્દે અધિકારીઓના આકરા પૂછાણા લેવાયા

પ્રાંત અધિકારીએ દાખવેલી કડકાઈ-નગરજનોના પ્રશ્નો પ્રત્યેની સંવેદનશીલતાની સ્થાનિક સ્તરેથી થઈ રહી છે ભારે પ્રસંશા



નખત્રાણા : નખત્રાણા નગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા વહીવટદાર શાસન અને ચીફ ઓફિસરની કાર્યપદ્ધતિ સામે ઉઠેલા વ્યાપક જનરોષ વચ્ચે તાજેતરમાં મળેલી તાલુકા સંકલન બેઠકમાં ગરમાવો જોવા મળ્યો હતો. આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી ઉજ્જવલે નગરપાલિકાના જવાબદાર તત્વો સામે અત્યંત કડક વલણ અપનાવી નગરની પડતર સમસ્યાઓ અંગે આકરી પૂછપરછ કરી હતી. પ્રાંત અધિકારીએ દાખવેલી આ કડકાઈ અને નગરજનોના પ્રશ્નો પ્રત્યેની તેમની સંવેદનશીલતાની સ્થાનિક સ્તરે ભારે પ્રશંસા થઈ રહી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સવાલ કર્યો હતો કે અખબારોમાં વારંવાર જનસમસ્યાઓ પ્રસિદ્ધ થવા છતાં તંત્ર કેમ નિષ્ક્રિય છે?બેઠક દરમિયાન પ્રાંત અધિકારીએ શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્કિંગ, ટ્રાફિકની સમસ્યા, રસ્તાની સાઈડમાં જામતા રેતીના થર અને ફેલાતી ગંદકી અંગે નગરપાલિકાની ઉધડો લીધો હતો. આ ઉપરાંત, કરોડોના ખર્ચે નિર્મિત હિન્દુ 
સ્મશાનગૃહ અને લાઈબ્રેરીનું લોકાર્પણ અટકાવી રાખવા તેમજ અધૂરા કામો પૂર્ણ ન કરવા બદલ તેમણે તંત્રની નિષ્ક્રિયતા પર ‘ચાબખા’ માર્યા હતા. તેમણે ખાણી-
પીણીની લારીઓ માટે હદ નક્કી કરવા અને ગટર-
પાણીના પ્રશ્નોનો કાયમી નિકાલ લાવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. નોંધનીય છે કે, આ 
મહત્વપૂર્ણ બેઠકમાં ચીફ ઓફિસર સતત ગેરહાજર રહ્યા હતા, જે તેમની બેજવાબદારી છતી કરે છે. ચીફ ઓફિસર લાંબા સમયથી રજા પર હોવાથી અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે, 
પરંતુ તેમનો ચાર્જ કોની પાસે છે તે અંગે પણ તંત્ર મૌન સેવી રહ્યું છે.બીજી તરફ, નખત્રાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સરકાર દ્વારા પારદર્શિતા માટે લાવવામાં આવેલી ‘જેમ પોર્ટલ’ જેવી વ્યવસ્થામાં પણ અહીંના ભ્રષ્ટ તત્વોએ છટકબારી શોધી કાઢી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ કચેરી ખાતે પૂછપરછ કરવામાં આવે તો ત્યાંથી પણ યોગ્ય પ્રત્યુત્તર મળતો નથી. જનતામાં એવી ચર્ચા છે કે જો રાજ્યના કલેક્ટર કક્ષાએથી આ ત્રણ વર્ષના વહીવટ અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. લોકોની માંગ છે કે નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે આ કામચોર અને ભ્રષ્ટ કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તો જ નખત્રાણાનો સાચો વિકાસ શક્ય બનશે.


.............

કચ્છઉદયના અહેવાલનો પડઘો : 
પ્રાંતશ્રીએ ન.પા.ના લીધા કડક પુછાણા


નખત્રાણા નગરપાલિકામાં ગેરહાજર રહેતા ચીફ ઓફીસર થકી વહીવટ તદન ખાડે ગયો છે, ટ્રાફિક, રખડતા ઢોર, દબાણોની સમસ્યા વિકરાળ બની રહી છે, પ્રાંત અધિકારી કેમ ન લે પુછાણાની ટકોર સાથે તા.૯/૨/ર૦ર૬ના રોજ આ પ્લેટફોર્મ પરથી અહેવાલ ઉજાગર કરાયા હતા જેના પડઘારૂપ પ્રાંતશ્રીએ બેઠક યોજી ન.પા.ના લાપરવાહોનો કડક ઉધડો લીધો છે.

Comments

COMMENT / REPLY FROM