Trending News
સ્થાનિક સમાચાર

એલપીજી અછત : કચ્છના કોલસા અને લાકડાની માંગમાં તોતિંગ  ઉછાળો

15 March



મિડલ ઈસ્ટની કટોકટી અને ગેસની અછતને પગલે સરહદી જિલ્લાના લાકડા-કોલસા બજારમાં તેજી : જિલ્લામાંથી અમદાવાદ સહિતના શહેરોમાં પુરવઠો ડાયવર્ટ થતાં સ્થાનિક સ્તરે ભાવ વધવાની ભીતિ : હોળી બાદ શ્રમિકોની અછત વચ્ચે લાકડા-કોલસાના વેપારીઓ પાસે ઓર્ડરોનો ભરાવો


ભુજ - કચ્છઉદય : મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધ જેવી તંગદિલીની સીધી અસર હવે કચ્છના પરંપરાગત ઈંધણ બજાર પર જોવા મળી રહી છે. ભારતમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછત ઊભી થતાં અમદાવાદ જેવા મોટા શહેરોમાં હોટેલ અને રેસ્ટોરાંના ચૂલા ઠરી રહ્યા છે, જેના પરિણામે બળતણ માટે ફરી એકવાર લાકડા અને કોલસા પર નિર્ભરતા વધી છે. ખાસ કરીને કચ્છ જિલ્લો કે જે વર્ષોથી રાજ્યમાં લાકડા અને કોલસાના મુખ્ય સપ્લાયર તરીકે જાણીતો છે, ત્યાંથી હવે મોટા પ્રમાણમાં જથ્થો બહાર મોકલવામાં આવી રહ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં જ લાકડા અને કોલસાની માગમાં ૨૫થી ૩૦ ટકાનો ઉછાળો આવતા સ્થાનિક વેપારીઓ ભારે દોડધામ અનુભવી રહ્યા છે.
કચ્છના ભચાઉ, રાપર અને નખત્રાણા પંથકમાંથી મોટા પાયે બાવળના લાકડા અને કોલસાનું ઉત્પાદન થાય છે. અત્યારે સ્થિતિ એવી છે કે અમદાવાદના હોટેલ સંચાલકો અને મોટા સપ્લાયરો કચ્છ તરફ નજર દોડાવી રહ્યા છે. માગ વધવાને કારણે ભાવમાં પણ મણે ૧૦ થી ૩૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કચ્છમાંથી અમદાવાદ, વડોદરા અને અન્ય મહાનગરો જેવા વિસ્તારોમાં લાકડાનો જથ્થો રવાના થઈ રહ્યો છે, પરંતુ સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે હોળીના તહેવાર બાદ પરપ્રાંતીય શ્રમિકો હજુ વતનથી પરત ફર્યા ન હોવાથી લાકડા કાપવાની અને કોલસો બનાવવાની કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. શ્રમિકોની આ અછત અને સામે પક્ષે વધેલી માગને કારણે બજારમાં ઈંધણની તંગી જેવો માહોલ સર્જાયો છે.
સામાન્ય રીતે કચ્છમાં કોલસાનો સપ્લાય બારેમાસ જળવાઈ રહેતો હોય છે, પરંતુ અત્યારે કમર્શિયલ ગેસની અછતને કારણે હોટેલ માલિકો અને કેટરર્સ દ્વારા વધારાના ૫૦૦ કિલો સુધીના કોલસાના ઓર્ડર અપાઈ રહ્યા છે. કચ્છનો કોલસો હાલ બજારમાં ૨૮ થી ૩૫ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં મિડલ ઈસ્ટની સ્થિતિમાં સુધારો નહીં થાય અને ગેસનો પુરવઠો રાબેતા મુજબ નહીં થાય, તો કચ્છના આ પરંપરાગત ઈંધણના ભાવ હજુ પણ આસમાને પહોંચી શકે છે. અત્યારે હાલત એવી છે કે ઓર્ડર આપ્યાના એક અઠવાડિયા સુધી પણ માલની ડિલિવરી થઈ શકતી નથી, જેના કારણે નાના લારી-ગલ્લાવાળાઓ અને હોટેલ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

.....................

ઈંધણની અછત વચ્ચે આશીર્વાદરૂપ બનતો કચ્છનો સફેદ કોલસો


ભુજ - કચ્છઉદય : પશ્ચિમ એશીયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ગુજરાતના મહાનગરોમાં જોવા મળી રહી છે જ્યાં કોમર્શિયલ એલપીજી ગેસની અછત સર્જાતા ઈંધણના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ તેજ બની છે. આ કપરા સમયમાં કચ્છ જિલ્લામાં ખેતીવાડીના વેસ્ટમાંથી તૈયાર થતો સફેદ કોલસો ઉદ્યોગો માટે તારણહાર સાબિત થઈ રહ્યો છે. મગફળીના ફોતરા, કપાસના સાંઠી અને લાકડાના વહેર જેવા નકામા કચરાને હાઈ-પ્રેશર મશીનોમાં દબાવીને તૈયાર કરવામાં આવતા આ બ્રિકેટ્‌સની માંગ અમદાવાદ અને વડોદરા જેવા ઔદ્યોગિક શહેરોમાં અનેકગણી વધી ગઈ છે. સામાન્ય કોલસાની સરખામણીએ આ બાયો-કોલ સસ્તો હોવાની સાથે પર્યાવરણને પણ ઓછું નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને સિમેન્ટ ફેક્ટરીઓ અને ટેક્સટાઈલ યુનિટ્‌સમાં બોઈલર ચલાવવા માટે હવે ગેસના બદલે કચ્છના આ સફેદ કોલસા પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. ગેસની અછતના કારણે સર્જાયેલી આ સ્થિતિમાં કચ્છનો આ લઘુ ઉદ્યોગ માત્ર ઈંધણની પૂર્તિ જ નથી કરી રહ્યો પરંતુ ખેડૂતોને પણ તેમના કૃષિ કચરાનું યોગ્ય વળતર અપાવી રહ્યો છે. આમ યુદ્ધની આડઅસરો વચ્ચે કચ્છનો આ દેશી કોલસો ગુજરાતના ઉદ્યોગોના પૈડાં ગતિમાન રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.


................

કોમર્શિયલ ગેસની અછતે કેટરિંગસંચાલકોને દેશી પદ્ધતિ અપનાવવા મજબૂર કર્યા



ભુજ - કચ્છઉદય : વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે કચ્છ સહિત સમગ્ર રાજ્યના રસોડાઓ સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકો માટે અત્યારે કપરો કાળ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. યુદ્ધના કારણે કોમર્શિયલ ગેસના પુરવઠા પર લાગેલી બ્રેકને પરિણામે સ્થાનિક બજારમાં કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ લગભગ અટકી પડ્યું છે. ભુજના જાણીતા ઓમ કેટરર્સના સંચાલક મનીષભાઈ કારીઆના જણાવ્યા અનુસાર આ અછતને કારણે માત્ર હોટલ કે રેસ્ટોરન્ટ જ નહીં પરંતુ મોટા પાયે રસોઈના ઓર્ડર લેતા કેટરિંગ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ગેસ એજન્સીઓ પાસે પૂરતો જથ્થો ન હોવાથી ઓર્ડર પૂરા કરવા એ મોટો પડકાર બની ગયો છે. વર્તમાન સમયમાં લગ્નની સિઝન ભલે ઓછી હોય પરંતુ ધાર્મિક ઉત્સવો અને સામાજિક મેળાવડાઓનું પ્રમાણ નોંધપાત્ર હોવાથી કેટરિંગ સંચાલકો પાસે સતત ઓર્ડર રહેતા હોય છે. ગેસ સિલિન્ડરના અભાવે અત્યારે રસોઈ તૈયાર કરવા માટે ફરજિયાતપણે ડીઝલ ભઠ્ઠી અથવા તો પરંપરાગત દેશી ચૂલાઓનો આશરો લેવો પડી રહ્યો છે. આ વૈકલ્પિક વ્યવસ્થા માત્ર ખર્ચાળ જ નથી પણ સમય માંગી લે તેવી અને અસુવિધાજનક પણ છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે મર્યાદિત સાધનોને કારણે કેટરિંગ સંચાલકોએ યજમાનોને મેનુમાં કાપ મૂકવા અથવા કેટલીક ખાસ વાનગીઓ રદ કરવા માટે વિનંતી કરવી પડી રહી છે. આમ યુદ્ધના કારણે સર્જાયેલી આ અનિશ્ચિતતાએ રાજ્યભરના કેટરિંગ વ્યવસાયીઓને આર્થિક અને વ્યવહારિક મુશ્કેલીઓના મધદરિયે લાવીને મૂકી દીધા છે. 


 

Comments

COMMENT / REPLY FROM