માંડવી નગરપાલિકામાં બાકી વેરા મુદ્દે રાજકીય ગરમાવો
ભાજપના આગેવાનોના લાખો રૂપિયા બાકી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
માંડવી - કચ્છઉદય : નગરપાલિકામાં માર્ચ મહિનો અડધો પહોચ્યો છે અને મહિનો પુરા થવામાં નજીક જ છે ત્યારે કરવેરા વસુલાતની કામગીરીમાં વેગ આવ્યો છે ત્યારે આ મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલે સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, પાલિકાના અધિકારીઓ સામાન્ય નાગરિકો અને નબળા વર્ગના લોકોને વેરો ભરવા માટે નોટિસો આપી રહ્યા છે અને પાણીના કનેક્શન કાપી નાખવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, પરંતુ બીજી તરફ ભાજપ સાથે સંકળાયેલા અગ્રણીઓના લાખો રૂપિયાના લેણાં બાકી હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હુંબલના દાવા મુજબ માંડવી શહેર ભાજપ પ્રમુખ અને તેમના પરિવાર સાથે સંકળાયેલી વિવિધ મિલકતોમાં ભાડા અને ટેક્સ પેટે અંદાજે ૧૦.૫૬ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પાલિકાને લેવાની નીકળે છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તીખો પ્રહાર કરતા કહ્યું હતું કે પાલિકાએ પહેલા પોતાના સત્તાધારી પક્ષના મળતિયાઓ સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ અને ત્યારબાદ જ સામાન્ય જનતાને હેરાન કરવી જોઈએ. જો માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ બાકી લેણાંની વસુલાત સમયસર કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
----------

Comments