ગાંધીધામમાં એલસીબીએ યુરિયાના ડબ્બાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
કુલ્લ ૧૦.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામમાં પ્રોહિબિશનની પ્રવૃતિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર ચલાવવામાં આવી રહેલી ખાસ ડ્રાઈવ અંતર્ગત પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ અને તેમની ટીમ ગાંધીધામ ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે કિશોર નારણભાઈ મહેશ્વરી અને પચાણ નારણભાઈ મહેશ્વરી નામના શખ્સોએ બહારથી મહિન્દ્રા પિકઅપ ડાલામાં પ્લાસ્ટિકની યુરિયા પ્રવાહી ભરેલી ડોલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. આ દારૂ ભરેલું વાહન આરોપી કિશોરના ઘર પાસે રાખવામાં આવ્યું હતું અને દારૂનો જથ્થો ઘરમાં ઉતારવાની તૈયારી ચાલી રહી હતી.
ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરતા પિકઅપ ડાલામાંથી વિદેશી દારૂના ૧૮૦ એમ.એલ.ના કુલ ૧૫૪૦ ક્વાટરિયા મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે ૪,૭૨,૦૦૦ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે ૩૪,૦૦૦ રૂપિયાની કિંમતની સફેદ કલરના યુરિયા જેવું પ્રવાહી ભરેલી ૩૪ ડોલ, ૩,૫૦,૦૦૦ રૂપિયાની બોલેરો ગાડી અને ૨,૦૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમ મળી કુલ ૧૦,૫૭,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મહેશ્વરીનગર ગાંધીધામના રહેવાસી કિશોર નારણભાઈ મહેશ્વરી અને પચાણ નારણભાઈ મહેશ્વરી તેમજ રાજસ્થાનના બાડમેરના ગણેશકુમાર ઠાકરારામ હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે આ ત્રણેય ફરાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે ગુનો ગાંધીધામ ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
-------

Comments