પ્રેમની સજા મોત : પુત્રીએ પ્રેમી સાથે રહેવાની જીદ કરતાં પિતાએ ભાણેજ સાથે મળીને હત્યા કરી
દોઢ મહિના પહેલા યુવતી ઘરેથી ગુમ થતાં પિતા શોધવા નિકળ્યા, યુવક અને યુવતી કોટડા જડોદરથી મળી આવતા બંનેને ફોસલાવી ઘરે લઈ જવાના બહાને ગળુ દબાવી કુવામાં દેહ ફેંકી દીધા : શક ન પડે તે માટે પિતાએ જ ગુમનોધ નોંધાવી અને અવાર નવાર પોલીસ સ્ટેશને જઈને દિકરી કયારે મળશે તેનું રટણ કર્યું
ભુજ - કચ્છઉદય : નખત્રાણાના ખાંભલા ગામે પ્રેમ સંબંધના કરુણ અંજામ રૂપે સામે આવેલી ઓનર કિલિંગની ઘટનાએ સમગ્ર જિલ્લામાં સનસનાટી મચાવી છે. દોઢ મહિના પૂર્વે એક યુવતી અને તેના પ્રેમીની પિતાએ જ ભાણેજ સાથે મળીને ઠંડા કલેજે હત્યા કરી હતી. પોતાની જ દીકરીના લોહીથી હાથ રંગનારા પિતાએ પુરાવાનો નાશ કરવા માટે બંનેના મૃતદેહોને ૧૦૦ ફૂટ ઊંડા અવાવરુ કૂવામાં ફેંકી દીધા હતા. જો કે, પોલીસની તપાસમાં હકીકતો સામે આવી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ નાના અંગિયા ગામના ર૪ વર્ષિય નવીન જીવાભાઈ રબારી અને ખાંભલા ગામના ૧૯ વર્ષિય નાથી ઉર્ફે સોનુ વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી વચ્ચે પ્રેમ સબંધ હતો, આજથી દોઢ મહિના પહેલા આ યુવતી ઘરેથી સવારે નિકળી અને સાંજ સુધી પરત આવી ન હતી, જેથી પિતા શોધવા નિકળ્યા અને શોધતા શોધતા કોટડા જડોદર પાસે બંને જણા મળી આવ્યા હતા. તે સમયે યુવતીએ આ યુવક તેનો પ્રેમી હોવાનું અને પોતે તેની સાથે રહેવા ઈચ્છતી હોવાનું જણાવ્યું હતું. પિતાએ બંનેને ફોસલાવ્યા અને પોતાની સાથે જવાનું કહી બંને જણાને લઈ જઈ ગળુ દબાવી બંનેને હત્યા કરવામાં આવી અને પુરાવાનો નાશ કરવા માટે કોટડા ખાંભલા રોડ નજીક કાચા રસ્તા પર આવેલ કુવામાં લાશ ફેંકી દેવામાં આવી હતી. યુવતીના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ પેનાભાઈ રબારી અને તેના ભાણેજ અબડાસાના સરગુવારા ગામના સોમાભાઈ ઉર્ફે પબાભાઈ સામતભાઈ રબારીએ બંનેની હત્યા નિપજાવ્યા બાદ વારાફરતી બંનેના મૃતદેહને બાઈક પર ઉઠાવી સીમમાં આવેલા ૧૦૦ ફુટ ઉંડા કુવામાં નાખી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. દોઢ મહિના પહેલા ૩ ફેબ્રુઆરીના આ હત્યા કરવામાં આવી હતી. ગુનાને અંજામ આપ્યા બાદ હત્યારો પિતા કોઈ રીઢા ગુનેગારની માફક પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો હતો. તેણે પોતે જ નખત્રાણા પોલીસ મથકે જઈ દીકરી ગુમ થઈ હોવાની નોંધ કરાવી અને અવારનવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ‘મારી દીકરી ક્યારે મળશે?’ તેવા ઢોંગ પણ કરતો રહ્યો હતો. જોકે, પોલીસની તીક્ષ્ણ નજરથી આ આરોપી બચી શક્યો નહીં. પોલીસને પિતાની હિલચાલ અને નિવેદનો પર શંકા જતાં તેની ઉલટતપાસ કરવામાં આવી હતી. કડક પૂછપરછમાં પિતા ભાંગી પડ્યો હતો અને તેણે પોતાની દીકરી તથા તેના પ્રેમીની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી હોવાની કબૂલાત આપતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે ભુજ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી ૧૦૦ ફૂટ ઊંડા અંધારિયા કૂવામાં કેમેરા ઉતારવામાં આવતા અંદર બે
મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. નખત્રાણા ઇન્ચાર્જ ડીવાયએસપી ગૌતમ વિવેકાનંદ, નખત્રાણા પીઆઈ જે.ડી. સરવૈયા, પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પાંચ કલાક સુધી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. અત્યંત ખરાબ હાલતમાં રહેલા બંને
મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ બનાવમાં યુવકના ભાઈ નાના અંગિયામાં રહેતા રાહુલ જીવાભાઈ રબારીએ હત્યાનો ગુનો દાખલ કરાવતાં આગળની તપાસ પીઆઈ જયદીપસિંહ સરવૈયાએ હાથ ધરી છે.

Comments