ભુજના રામરોટી કેન્દ્રમાં ગેસની અછત વચ્ચે ૧૫૦૦ જરૂરિયાતમંદોના ભોજન પર જોખમ
૪૧ વર્ષ જૂનું સેવાનું ભાણું સંકટમાં
યુદ્ધની સ્થિતિ વચ્ચે રામરોટી છાશ કેન્દ્રમાં ભોજન લેનારાઓની સંખ્યા વધી : ગેસના બાટલાની અછતથી સેવા ખોરવાવાની ભીતિ : હોટલો બંધ થતા અને ઘરે ગેસ ખલાસ થતા મધ્યમવર્ગીય પરિવારો પણ સેવાનો આશરો લેવા મજબૂર :સંચાલકોએ સરકાર પાસે વિશેષ સહયોગની કરી માંગ
ભુજ - કચ્છઉદય : કચ્છના હૃદય સમાન ભુજ શહેરમાં છેલ્લા ચાર દાયકાથી અવિરતપણે સેવાની જ્યોત જલાવતું ’રામરોટી છાશ કેન્દ્ર’ હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વર્તમાન યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિની સીધી અસર આ માનવતાવાદી સંસ્થાના રસોડા સુધી પહોંચી છે. છેલ્લા ૧૪ વર્ષથી આ કેન્દ્રમાં મેનેજર તરીકે ખડેપગે સેવા આપતા વ્રજલાલ બિહારીલાલ ઠક્કર જણાવે છે કે અત્યારે યુદ્ધ જેવી અસાધારણ સ્થિતિને કારણે રાંધણ ગેસના સિલિન્ડર મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સંસ્થા કોઈ વ્યવસાયિક હેતુ માટે નહીં પરંતુ શુદ્ધ સેવાના ભાવથી ચાલે છે, છતાં નિયમોના અને અછતના કારણે જરૂરિયાત મુજબના બાટલા સમયસર ઉપલબ્ધ થતા નથી.
સામાન્ય દિવસોમાં આ કેન્દ્રમાં દરરોજ ૧૧૦૦ થી ૧૨૦૦ લોકો ભોજન લેતા હતા, પરંતુ હાલની પરિસ્થિતિમાં આ આંકડો વધીને ૧૫૦૦ સુધી
પહોંચી ગયો છે. શહેરમાં અનેક રેસ્ટોરન્ટ્સ બંધ થઈ ગઈ છે અને સામાન્ય નાગરિકોના ઘરે પણ ગેસની અછત વર્તાઈ રહી છે, જેના કારણે અનેક જરૂરિયાતમંદ પરિવારો હવે રામરોટી કેન્દ્ર તરફ વળ્યા છે. દરરોજ સરેરાશ સાડા ત્રણ બાટલાનો વપરાશ ધરાવતી આ સંસ્થા માટે વધારાના ૩૫૦ થી ૪૦૦ લોકોના ભોજનની વ્યવસ્થા કરવી એ એક મોટો પડકાર બની રહ્યો છે. સંચાલકોના જણાવ્યા મુજબ, સંખ્યામાં દોઢ ગણો વધારો થયો હોવા છતાં ગેસના બાટલા તો જૂના નિયમ મુજબ જ મળે છે, જે અપૂરતા સાબિત થઈ રહ્યા છે. સંસ્થા સાથે જોડાયેલા રાજેશભાઈ સોમૈયાએ આ અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કેન્દ્ર છેલ્લા ૪૧ વર્ષથી કોઈપણ જાતના સ્વાર્થ વગર નિઃશુલ્ક ભોજન પૂરું પાડી રહ્યું છે. આ કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ નથી, છતાં ગેસના બાટલાની તકલીફને કારણે સેવામાં વિક્ષેપ પડવાની સંભાવના છે.
છેલ્લા એક અઠવાડિયાથી સ્થિતિ વધુ ગંભીર બની છે. જ્યારે સમાજમાં મુશ્કેલી આવે ત્યારે આવી સેવાભાવી સંસ્થાઓ જ લોકોનો સહારો બનતી હોય છે, ત્યારે સરકાર અને તંત્રએ રામરોટી છાશ કેન્દ્ર જેવી સંસ્થાઓ માટે વિશેષ આયોજન કરવું જોઈએ. સંચાલકોની માત્ર એટલી જ માંગ છે કે માનવતાના આ કાર્યમાં રસોડું ચાલુ રહે તે માટે માગણી મુજબ તુરંત ગેસના બાટલાની પૂર્તિ કરવામાં આવે.

Comments