Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની ધરતી પર બે વર્ષમાં ૩૩૯૭ ખેડૂતોએ કૃષિને કાયમી રામ-રામ કર્યા

14 March

ખેતીથી મોહભંગ : કૃષિ પ્રધાન દેશ માટે લાલબત્તી




જિલ્લામાં ૫૦૨૯ પૈકી ૬૭ ટકા બિન ખેતીની અરજીઓ મંજૂર થતા ઔદ્યોગિકરણ અને શહેરીકરણની આંધળી દોટમાં ધરતીપુત્રોએ જમીન વેચવા માંડી


ભુજ - કચ્છઉદય : કચ્છની ખમીરવંતી ધરા પર એક સમયે ખેતી અને પશુપાલન એ જીવનનો મુખ્ય આધારસ્તંભ હતા, પરંતુ બદલાતા સમય અને ઉદ્યોગોના વધતા વ્યાપ વચ્ચે હવે કચ્છનો ધરતીપુત્ર ખેતીના વ્યવસાયથી દૂર જઈ રહ્યો હોય તેવા ચિંતાજનક સંકેતો મળી રહ્યા છે. રાજ્ય વિધાનસભામાં રજૂ થયેલા તાજેતરના આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ખેતીની જમીન બિન ખેતી કરાવવામાં કચ્છનું ચિત્ર ચિંતાજનક રહ્યું છે. જિલ્લામાં ખેતીની જમીનને બિન ખેતીમાં રૂપાંતરિત કરવા માટે કુલ ૫૦૨૯ અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી તંત્ર દ્વારા ૩૩૯૭ અરજીઓને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે કચ્છના હજારો ખેડૂતોએ હવે ખેતીના હળ મેલી દઈને પોતાની પરંપરાગત જમીનોને રહેણાંક કે ઔદ્યોગિક હેતુ માટે ફાળવી દીધી છે. ખાસ કરીને અબડાસાથી વાગડ સુધીના પટ્ટામાં કમોસમી વરસાદ, સિંચાઈના પ્રશ્નો અને જણસોના પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂત વર્ગ હવે આર્થિક રીતે તૂટી રહ્યો છે, જેને પરિણામે ખેતી હવે આર્થિક રીતે પરવડતી ન હોવાનું માનીને જમીનો વેચવાનો કે બિન ખેતી કરાવવાનો ટ્રેન્ડ વધ્યો છે.
કચ્છ જિલ્લાના તાલુકાવાર વિશ્લેષણ પર નજર કરીએ તો મુંદ્રા અને ભચાઉ જેવા તાલુકાઓમાં સૌથી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મુંદ્રા તાલુકામાં ૮૪૬ જેટલી અરજીઓ મંજૂર થઈ છે, જ્યારે ભચાઉમાં ૫૮૦ ખેડૂતોએ પોતાની જમીન બિન ખેતી કરાવી છે. આ વિસ્તારોમાં બંદરીય વિકાસ અને ઔદ્યોગિક એકમોની સ્થાપનાને કારણે જમીનોના ભાવો આસમાને પહોંચ્યા છે, જેના કારણે મધ્યમ અને નાના ખેડૂતો ખેતીના જોખમો ઉઠાવવાને બદલે જમીન વેચીને રોકડ રકમ મેળવવાનું વધુ મુનાસિબ માની રહ્યા છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે, પરંતુ બીજી તરફ કચ્છ જેવા સરહદી જિલ્લામાં ખેતીલાયક જમીનોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે તે બાબત આવનારા સમયમાં કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્ર પર વિપરીત અસર પાડી શકે તેમ છે. નવી 
પેઢીના યુવાનો પણ ખેતીમાં રહેલી મહેનત અને અનિશ્ચિતતાને બદલે નોકરી કે વ્યવસાય તરફ વળી રહ્યા છે, જેના કારણે પેઢીઓથી ચાલી આવતી કૃષિ સંસ્કૃતિ હવે લુપ્ત થવાના આરે છે. કચ્છમાં ખેતી છોડવા પાછળના મુખ્ય કારણોમાં કુદરતી આફતો ઉપરાંત વહીવટી ઉદાસીનતા પણ જવાબદાર હોવાનું જણાય છે. જિલ્લામાં નર્મદાના નીર પહોંચાડવાની વાતો માત્ર કાગળ પર રહી ગઈ હોય અથવા ધીમી ગતિએ ચાલતી હોય, ત્યારે ખેડૂત માટે આકાશમાંથી વરસતા વરસાદ પર જ નિર્ભર રહેવું પડે છે. જ્યારે પાક તૈયાર થાય ત્યારે યોગ્ય બજાર ભાવ મળતા નથી અને મધ્યસ્થીઓ મલાઈ ખાઈ જાય છે. આવા વિષચક્રમાં ફસાયેલો કચ્છનો ખેડૂત અંતે કંટાળીને 
પોતાની વડવાઓની જમીન પર પ્લાોટિંગ કે ઉદ્યોગોને સ્થાન આપી રહ્યો છે. સમગ્ર રાજ્યના સાત જિલ્લામાં કુલ ૧૬૩૫૨ અરજીઓ મંજૂર થઈ છે, જેમાં કચ્છનો હિસ્સો નોંધપાત્ર છે. 
આ સ્થિતિ જો જોતા જણાય છે કે જો ખેતી બચાવવા માટે નક્કર પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દાયકામાં કચ્છના નકશા પરથી હરિયાળી ખેતી ગાયબ થઈ જશે અને માત્ર સિમેન્ટના જંગલો જ જોવા મળશે. જગતનો તાત ગણાતો ખેડૂત આજે પોતાની ઓળખ ગુમાવીને જમીન માલિકમાંથી શ્રમિક કે સામાન્ય વેપારી બની રહ્યો છે, જે કૃષિ પ્રધાન દેશ માટે લાલબત્તી સમાન કહી શકાય.

.................



 

Comments

COMMENT / REPLY FROM