મુંદરા પોલીસે શીરાચા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ૩૭૦ ગ્રામ ગાંજા સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા
ગાંધીધામ-માંડવી હાઇવે પર સ્વીફ્ટ કાર આંતરીને ૨.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો
મુન્દ્રા - કચ્છઉદય : ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા કેફી અને માદક પદાર્થોની હેરફેર તેમજ વેચાણની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા આપવામાં આવેલી સૂચનાના પગલે પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં આવી છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ મુંદરા પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ. રાણા અને તેમની ટીમે નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન અંતર્ગત ગત તા. ૧૨ માર્ચના રોજ મુંદરા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ-માંડવી હાઇવે પર શીરાચા ચાર રસ્તા પાસે હંસીકા ટી હાઉસ હોટલ સામે રાત્રિના સમયે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન માંડવી તરફથી આવી રહેલી સફેદ રંગની સ્વીફ્ટ કાર નંબર જીજે ૧૨ સીપી ૯૩૧૭ને સરકારી વાહનની મદદથી રસ્તો બ્લોક કરીને અટકાવવામાં આવી હતી.
પોલીસની તપાસ દરમિયાન કારમાંથી ગેરકાયદેસર રીતે પરિવહન કરાતો ૩૭૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ઘટનાસ્થળેથી ચાર આરોપીઓની અટકાયત કરી છે, જેમાં મુંદરાની સદગુરુ સોસાયટીમાં રહેતા અને મૂળ શીરાચાના ૩૧ વર્ષીય ભરતસિંહ નટુભા ચૌહાણ, મોટા કાંડાગરાના ૩૭ વર્ષીય ભરતસિંહ ગાભુભા જાડેજા, માંડવી તાલુકાના ગઢશીશામાં રહેતા ૫૫ વર્ષીય શંકરભા ગાભુભા ચૌહાણ અને મોટા કાંડાગરાના ૩૦ વર્ષીય યુવરાજસિંહ નિરૂભા ગોહિલનો સમાવેશ થાય છે. પોલીસે ૩,૮૦૦ રૂપિયાની કિંમતનો ૩૭૦ ગ્રામ ગાંજો, ૧.૫૦ લાખની કિંમતની સ્વીફ્ટ કાર અને ૬૦ હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી કુલ ૨,૧૩,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સફળ કામગીરીમાં મુંદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. રાણા સાથે એ.એસ.આઈ. દિનેશભાઈ ભટ્ટી, હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ ગોહિલ, દિનેશભાઈ ગોયલ, સંજયભાઈ ચૌધરી તેમજ કોન્સ્ટેબલ જયેશ રાતડીયા, હરપાલસિંહ જાડેજા અને પિયુશ ઝણકાટ જોડાયા હતા.
----------

Comments