Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સિટી અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગાંધીધામ ખાતે રાજ્યસ્તરીય કોન્ફરન્સ અને વર્કશોપનું આયોજન

13 March



ગાંધીધામ - કચ્છઉદય : ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ અને ગાંધીધામની એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક દિવસીય રાજ્યસ્તરીય કોન્ફરન્સ અને વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત, શિક્ષણ વિભાગની ’રિસર્ચ પ્રોમોશન એન્ડ ફેસિલિટીઝ’ યોજના હેઠળ યોજાયેલ કાર્યક્રમનો મુખ્ય વિષય "કચ્છ વિસ્તારમાં વૈવિધ્યસભર સંશોધન તકો અને સામાજિક - આર્થિક વિકાસ" રહ્યો હતો. ૯મી માર્ચના ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
કુલપતિ ડૉ. મોહન પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમ માટે તેમણે તથા એસઆરકે સંસ્થાના મોભી અર્જનભાઈ કાનગડએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. ઉદઘાટન સત્રમાં યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અનિલ ગોર, બોર્ડ મેમ્બર કિરણભાઈ આહીર, જીસીસીઆઈના પ્રમુખ તેજાભાઈ કાનગડ, સેક્રેટરી મહેશભાઈ તીર્થાની અને એસઆરકે કોલેજના વડા ડૉ. સુરભી આહીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છ ક્ષેત્રના વૈજ્ઞાનિક અને આર્થિક વિકાસ માટે સંશોધકો, ઉદ્યોગો અને સરકાર વચ્ચે કડી બનવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પડકારોના ઉકેલ માટે આંતરવિષયક અભ્યાસ અને જ્ઞાનના વિનિમય પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિષય તજજ્ઞોમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના વડા ડૉ. ગૌરવ ચૌહાણે કચ્છની સંશોધન ક્ષમતાઓ વિશે, જ્યારે મહેશભાઈ તીર્થાનીએ ભારતમાં વેપારના ભવિષ્ય અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. બ્રેઈન સ્ટોર્મિંગ સત્રમાં ટ્રેઝરર કૈલાશભાઈ ગોર અને અનિમેષભાઈ મોદીએ ફાઈનાન્સ ક્ષેત્રની તકો અને પડકારો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ડૉ. વિજય પીઠડિયાએ પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગ સાહસિકો અને શિક્ષણવિદો જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ભૂવિજ્ઞાન, પુરાતત્વ, રિન્યુએબલ એનર્જી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પર્યાવરણ, કૃષિ, લોજિસ્ટિક્સ અને ટુરિઝમ જેવા વિષયો પર ૧૦૦થી વધુ પોસ્ટર્સ રજૂ કર્યા હતા, જેમાંથી શ્રેષ્ઠ ૫ પોસ્ટર્સને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર આયોજન ડૉ. ગૌરવ ચૌહાણના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું, જેમાં ડૉ. દ્રુમા વૈદ્ય અને ડૉ. સુરભી આહીરે સહયોગ આપ્યો હતો. એસઆરકે સંસ્થાના આચાર્ય ડૉ. નિર્દેશ બુચ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને અંતમાં આભારવિધિ કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન ચાંદની ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ઈશાન પરમાર અને સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
------ 

Comments

COMMENT / REPLY FROM