કુકમામાં ગેરકાયદેસર કોમર્શિયલ ગેસના જથ્થા પર પોલીસનો દરોડો : ૧૭૪ બોટલો સાથે એક શખ્સની ધરપકડ
લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પુરવઠા વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં અંદાજે દોઢ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓ અટકાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વોચ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એચ. શીણોલના નેતૃત્વમાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કુકમા ગામમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે કુકમા સ્થિત સીકે કોમ્પ્લેક્સમાં આવેલી બાલાજી એન્ટરપ્રાઇઝ નામની દુકાન નંબર સાતમાં રહેણાંક વિસ્તારમાં જોખમી રીતે કોમર્શિયલ ગેસના બાટલાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પુરવઠા અધિકારી એ. એસ. હાસમીની સંયુક્ત ટીમે દુકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી કોમર્શિયલ ગેસના બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેનો કોઈ પણ આધાર પુરાવો કે પરવાનો દુકાનદાર પાસે ઉપલબ્ધ નહોતો.
આ દરોડા દરમિયાન પોલીસને ૫ કિલોની ક્ષમતા ધરાવતા ગેસથી ભરેલા ૧૧૨ નંગ બાટલા મળ્યા હતા, જેની કિંમત ૧,૨૮,૮૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત ૫ કિલોની ક્ષમતા ધરાવતા ૬૨ નંગ ખાલી બાટલા પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ૩૧,૦૦૦ રૂપિયા થાય છે. આમ, પોલીસ અને પુરવઠા વિભાગે કુલ ૧૭૪ ગેસની બોટલો સહિત કુલ ૧,૫૯,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ માધાપરના રહેવાસી હિરેન અવિનાશભાઈ ટાંક નામના ઇસમની અટકાયત કરવામાં આવી છે.
પકડાયેલા આરોપી વિરુદ્ધ એલ.પી.જી. કંટ્રોલ ઓર્ડર એક્ટ-૨૦૦૦, ગેસ સિલિન્ડર રૂલ્સ-૨૦૧૬ અને આવશ્યક ચીજવસ્તુ ધારા-૧૯૫૫ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલસીબીના એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહિલ અને જયદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
----------

Comments