કચ્છમાં રાંધણ ગેસની અછત અને ભાજપ સરકારના અણધડ વહીવટ સામે મહિલા કોંગ્રેસની આંદોલનની ચિમકી
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં હાલમાં સર્જાયેલી રાંધણ ગેસની ભારે અછત અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઉભી થયેલી પરિસ્થિતિની સીધી અસર હવે કચ્છના રસોડા સુધી પહોંચી છે. એક તરફ ઉનાળાનો ધમધમતો તાપ છે, ત્યારે બીજી તરફ કચ્છની ગૃહિણીઓએ ગેસના બાટલા મેળવવા માટે કલાકો સુધી એજન્સીઓ બહાર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. ભાજપ સરકારના અણધડ વહીવટ અને આયોજનના અભાવે સામાન્ય જનતા પીસાઈ રહી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસ પુરવઠાને અસર થઈ છે. સરકારે સમયસર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા બતાવી છે, જેના કારણે આજે અછતની સ્થિતિ સર્જાઈ છે. ગેસની અછતનો લાભ ઉઠાવીને કેટલાક તત્વો દ્વારા કાળાબજારી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ગાંધીધામમાંથી કૉમર્શિયલ ગેસના બાટલાઓ પકડાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. કાળઝાળ ગરમીમાં મહિલાઓ રસોઈ ગેસ માટે ભટકી રહી છે, જે સરકારની ‘નારી શક્તિ’ની વાતો વચ્ચે વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગેસનું વિતરણ યોગ્ય રીતે કરવામાં આવે અને કાળાબજારી રોકવા માટે કડક પગલાં લેવામાં આવે જેથી સામાન્ય નાગરિકોને રાહત મળે. જો આગામી દિવસોમાં ગેસની સપ્લાય સુધારવામાં નહીં આવે તો મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી કિરણબેન પોકારની યાદીમાં જણાવાયું છે.
-----

Comments