મીઠીરોહર પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ બાદ અફરાતફરી
દિનદયાલ પોર્ટ અને અદાણીના ફાયર ફાયટરો પહોંચી આવ્યા, જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો : સદનસીબે જાનહાનિ ટળી’
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા ગાંધીધામ તાલુકાના મીઠીરોહર વિસ્તારમાં આજે સવારના ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ગેલ ઇન્ડિયા કંપની પાસે આવેલા માર્ગ પરથી પસાર થઈ રહેલા કેમિકલ ભરેલા એક ટેન્કરમાં સવારે ૧૦.૨૦ વાગ્યાના અરસામાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે જોતજોતામાં આખું ટેન્કર આગની લપેટમાં આવી ગયું હતું અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ૧૧૨ જનરક્ષક હેલ્પલાઇન અને સ્થાનિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. આગની ગંભીરતાને જોતા તાત્કાલિક દિનદયાલ પોર્ટ ઓથોરિટી અને અદાણીના ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. આ બચાવ કામગીરીમાં સુમિતભાઈ, ચેતન જયસ્વાલ, મોન્ટુભાઈ અને વિજયભાઈ સહિત જાગૃત નાગરિકોએ ખભેખભા મિલાવીને મદદ કરી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો અને ખાસ કરીને પૂર્વ કચ્છનો વિસ્તાર મોટી કંપનીઓ અને ભારે ઉદ્યોગોથી ધમધમી રહ્યો છે, ત્યારે અવારનવાર બનતી આવી ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. હાલમાં વધી રહેલા તાપમાન અને ઉનાળાની શરૂઆતને કારણે કેમિકલ ભરેલા વાહનોમાં બ્લાસ્ટ થવાની શક્યતા વધી જતી હોય છે. મીઠીરોહર પાસે બનેલી આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા અને સાવચેતીના મુદ્દે લાલબત્તી ધરી છે.

Comments